25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય

25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી વધુ ચર્ચિત અને વિવાદાસ્પદ દિવસોમાંનો એક માનવામાં આવે છે. આ જ દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશભરમાં ઇમરજન્સી લાગુ કરવાની ભલામણ કરી હતી, જેને તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે ભારતીય બંધારણની કલમ 352 હેઠળ મંજૂરી આપી હતી. ત્યારબાદ 25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધી દેશ લગભગ 21 મહિના સુધી ઇમરજન્સીના શાસન હેઠળ રહ્યો હતો.

ઇમરજન્સીની પૃષ્ઠભૂમિ

1971ની લોકસભા ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી રાયબરેલી બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી રાજનારાયણે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરીને આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી જીતવા માટે સરકારી મશીનરીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.

12 જૂન, 1975ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જગમોહનલાલ સિંહાએ ઇન્દિરા ગાંધીની ચૂંટણીને અમાન્ય જાહેર કરી અને તેમને દોષિત ઠેરવ્યા હતા. આ નિર્ણય સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ એવો ચુકાદો હતો જેમાં કાર્યરત વડાપ્રધાનને અદાલતમાં પડકારવામાં આવ્યા હતા.

ત્યારબાદ 24 જૂન, 1975ના રોજ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર મર્યાદિત રાહત આપતા તેમને વડાપ્રધાન તરીકે ચાલુ રહેવાની મંજૂરી આપી હતી.પરંતુ રાજકીય સંકટ યથાવત રહ્યું હતું.

જયપ્રકાશ નારાયણનું આંદોલન અને રામલીલા મેદાનની ઐતિહાસિક રેલી

ઇન્દિરા ગાંધી વિરુદ્ધ વિરોધ સતત વધતો ગયો હતો. લોકનાયક જયપ્રકાશ નારાયણે દેશવ્યાપી જનઆંદોલન શરૂ કર્યું હતું.25 જૂન, 1975ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં વિશાળ રેલી યોજાઈ હતી જેમાં મોરારજી દેસાઈ,અટલ બિહારી વાજપેયી, ચંદ્રશેખર સહિત અનેક વિરોધ પક્ષના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

રેલી દરમિયાન જયપ્રકાશ નારાયણે રામધારી સિંહ દિનકરની પ્રસિદ્ધ પંક્તિ “સિંહાસન ખાલી કરો કે જનતા આતી હૈ” ઉચ્ચારીને ઇન્દિરા ગાંધીને રાજીનામું આપવા અલ્ટીમેટમ આપ્યું હતું. આ રેલીને સ્વતંત્ર ભારતના સૌથી મોટા વિરોધ પ્રદર્શનોમાંની એક માનવામાં આવે છે.

મધરાત્રીએ લાગુ થઈ ઇમરજન્સી

25 અને 26 જૂનની મધ્યરાત્રીએ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે ઇન્દિરા ગાંધી સરકારની ભલામણ પર ઇમરજન્સીની જાહેરાત પર હસ્તાક્ષર કર્યા હતા.ત્યારબાદ સમગ્ર દેશમાં વિરોધ પક્ષના નેતાઓની ધરપકડ શરૂ થઈ ગઈ હતી.

26 જૂન, 1975ની સવારે ઇન્દિરા ગાંધીએ આકાશવાણી પરથી દેશને સંબોધિત કરીને જણાવ્યું હતું કે, “ભાઈઓ અને બહેનો, રાષ્ટ્રપતિએ ઇમરજન્સી જાહેર કરી છે. આનાથી ગભરાવાની જરૂર નથી.”

કટોકટી દરમિયાન શું બન્યું?

ઇમરજન્સી દરમિયાન દેશના નાગરિકોના અનેક મૂળભૂત અધિકારો સ્થગિત કરવામાં આવ્યા હતા. અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું અને પ્રેસ પર કડક સેન્સરશિપ લાગુ કરવામાં આવી હતી.અખબારોમાં સરકારની મંજૂરી બાદ જ સમાચાર પ્રકાશિત થઈ શકતા હતા.

28 જૂન, 1975ના રોજ અનેક અખબારોએ વિરોધ સ્વરૂપે પોતાના સંપાદકીય પાનાં ખાલી છાપ્યા હતા.સરકાર વિરોધી સમાચાર પ્રકાશિત કરનારાઓ સામે કાર્યવાહી થતી હતી.

જયપ્રકાશ નારાયણ,અટલ બિહારી વાજપેયી,લાલકૃષ્ણ અડવાણી,જ્યોર્જ ફર્નાન્ડિસ સહિત હજારો રાજકીય કાર્યકરો અને વિરોધ પક્ષના નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા.

સંજય ગાંધીની ભૂમિકા

ઇમરજન્સી દરમિયાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીની ભૂમિકા પણ ભારે ચર્ચામાં રહી હતી.તે સમયગાળા દરમિયાન અનેક વિવાદાસ્પદ નિર્ણયો અને રાજકીય પ્રવૃત્તિઓને કારણે તેમનું નામ સતત ચર્ચામાં રહ્યું હતું.

ઇમરજન્સીનો અંત અને ઐતિહાસિક ચૂંટણી

જાન્યુઆરી 1977માં ઇન્દિરા ગાંધીએ લોકસભા ચૂંટણી જાહેર કરી હતી.ત્યારબાદ ઇમરજન્સી હટાવવામાં આવી અને માર્ચ 1977માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને ઐતિહાસિક પરાજયનો સામનો કરવો પડ્યો હતો.ભારતમાં પ્રથમ વખત બિન-કોંગ્રેસી સરકાર તરીકે જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી અને મોરારજી દેસાઈ દેશના પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન બન્યા હતા.

ઇતિહાસમાં કેમ યાદ રાખવામાં આવે છે?

25 જૂન, 1975થી 21 માર્ચ, 1977 સુધીનો સમય ભારતીય લોકશાહી માટે સૌથી કઠિન સમયગાળો ગણાય છે.એક તરફ કેટલાક લોકો તેને દેશની આંતરિક પરિસ્થિતિ સંભાળવા લેવામાં આવેલો નિર્ણય ગણાવે છે.જ્યારે બીજી તરફ ઘણા રાજકીય વિશ્લેષકો,ઇતિહાસકારો અને લોકશાહી સમર્થકો તેને નાગરિક સ્વાતંત્ર્ય,અભિવ્યક્તિની આઝાદી અને લોકશાહી મૂલ્યો પર થયેલો સૌથી મોટો પ્રહાર માને છે.

આજે પણ દર વર્ષે 25 જૂનનો દિવસ ભારતીય રાજકારણમાં ઇમરજન્સીની યાદ સાથે ચર્ચાનો વિષય બને છે અને લોકશાહી, બંધારણીય મૂલ્યો તથા નાગરિક અધિકારોના મહત્વની યાદ અપાવે છે.

વર્ષ 2024માં ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા

કેન્દ્ર સરકારના નિર્ણય અનુસાર આજે, 25 જૂનના રોજ સમગ્ર દેશમાં ‘સંવિધાન હત્યા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2024માં કેન્દ્ર સરકારે આ અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને દર વર્ષે 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે મનાવવાનો નિર્ણય લીધો હતો. આ દિવસ 25 જૂન 1975ના રોજ દેશમાં લાદવામાં આવેલી ઇમરજન્સી દરમિયાન લોકશાહી, બંધારણીય મૂલ્યો, નાગરિક અધિકારો અને પ્રેસની સ્વતંત્રતા પર થયેલા પ્રહારને યાદ કરવા તેમજ તે સમયગાળાની પીડા સહન કરનારા લાખો લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મનાવવામાં આવે છે.આજ ના દિવસે વિવિધ સરકારી કાર્યક્રમો અને જાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા ઇમરજન્સીના સમયગાળાને યાદ કરી લોકશાહી અને બંધારણના સંરક્ષણનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવે છે.

25 જૂન 1975ની કટોકટી: જ્યારે લોકશાહી પર લાગ્યું સૌથી મોટું ગ્રહણ, 51 વર્ષ પછી પણ યાદ છે એ કાળો અધ્યાય

25 જૂન, 1975ની મધરાતે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એવો નિર્ણય લેવાયો હતો.જેને આજે પણ લોકશાહી પરના સૌથી મોટા હુમલા તરીકે યાદ કરવામાં આવે છે.25-26 જૂનની રાત્રે લગભગ 2:30 વાગ્યે તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભલામણ પર દેશવ્યાપી આંતરિક કટોકટી (Emergency) જાહેર કરી હતી.ત્યારબાદ દેશભરમાં મૂળભૂત અધિકારો સ્થગિત કરવામાં આવ્યા હતા.પત્રકારત્વ પર કડક સેન્સરશિપ લાદવામાં આવી અને વિરોધ પક્ષના હજારો નેતાઓ તેમજ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.

કટોકટી વર્ષ 1969થી શરૂ થાય છે.ઇન્દિરા ગાંધીએ “ગરીબી હટાવો”નો નારો આપ્યો,બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને રાજાઓના સાલિયાણા બંધ કરવાનો નિર્ણય લીધો હતો.1971ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભવ્ય જીત મળી હતી.પરંતુ રાયબરેલી બેઠક પરથી તેમની જીતને સમાજવાદી નેતા રાજનારાયણે અલ્હાબાદ હાઇકોર્ટમાં પડકારી હતી.

https://legaleagleweb.com/articalsdetail.aspx?newsid=23

ચાર વર્ષ ચાલેલા કેસમાં 12 જૂન, 1975ના રોજ હાઇકોર્ટે ઇન્દિરા ગાંધીને દોષિત ઠેરવી તેમની ચૂંટણી રદ કરી અને છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમને વડાપ્રધાન તરીકે ચાલુ રહેવાની મંજૂરી આપી હતી.પરંતુ તેમના અધિકારો પર મર્યાદા મૂકી હતી.

આ રાજકીય સંકટ વચ્ચે દેશમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ વ્યાપક જનઆંદોલનો ચાલી રહ્યા હતા, જેમાં લોકનાયક જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ સરકાર વિરુદ્ધનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો.આ પરિસ્થિતિને કારણ દર્શાવી ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

પીઢ પત્રકાર અને લેખક વિષ્ણુ પંડ્યાના જણાવ્યા અનુસાર, બંધારણની કલમ 352 હેઠળ આંતરિક કટોકટી જાહેર કરવામાં આવી હતી અને કલમ 359 હેઠળ નાગરિકોના મૂળભૂત અધિકારો સ્થગિત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ મિસા (Maintenance of Internal Security Act – MISA) હેઠળ એક લાખથી વધુ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.જયપ્રકાશ નારાયણ,મોરારજી દેસાઈ,અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, જ્યોર્જ ફર્નાન્ડિઝ, કુલદીપ નાયર સહિત અનેક રાજકીય નેતાઓ,પત્રકારો અને સમાજસેવકોને જેલમાં મોકલવામાં આવ્યા હતા

કટોકટી દરમિયાન દેશભરમાં અખબારો પર સેન્સરશિપ લાદવામાં આવી હતી.સરકારની ટીકા કરતું કોઈપણ લખાણ પ્રકાશિત કરવાની મનાઈ હતી. અનેક અખબારોએ વિરોધના અનોખા માર્ગ અપનાવ્યા હતા.જ્યારે વિદેશી માધ્યમો,ખાસ કરીને BBC દ્વારા સમગ્ર વિશ્વ સુધી ભારતની પરિસ્થિતિ પહોંચાડવામાં આવી હતી.

આ સમયગાળા દરમિયાન હજારો લોકો લાંબા સમય સુધી જેલમાં રહ્યા અને અનેક અટકાયતીઓએ જેલવાસ દરમિયાન જીવ ગુમાવ્યો હતો. ગુજરાતમાં 13 માર્ચ, 1976થી મિસા હેઠળ ધરપકડો શરૂ થઈ હતી.સુરતના હરિવદન ભટ્ટ અને બાંટવાના ભેરૂમલ ગેહાણી સહિત કેટલાક અટકાયતીઓના જેલવાસ દરમિયાન અવસાન થયા હતા.વિષ્ણુ પંડ્યા ના જણાવ્યા અનુસાર કટોકટીના વિરોધમાં લડનારાઓમાંથી અનેક લોકો પછી મુખ્યમંત્રી,રાજ્યપાલ, કેન્દ્રીય મંત્રી અને વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચ્યા હતા.ભૂગર્ભમાં રહી સંઘર્ષ કરનાર નરેન્દ્ર મોદી પણ બાદમાં ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન બન્યા.મોરારજી દેસાઈ અને અટલ બિહારી વાજપેયી પણ કટોકટી પછી વડાપ્રધાન બન્યા.

કુલ 19 મહિના સુધી ચાલેલી કટોકટી 1977માં સમાપ્ત થઈ હતી. ત્યારબાદ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસ સરકારને સત્તા પરથી દૂર કરી લોકશાહી પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આજે કટોકટીના 51 વર્ષ પૂર્ણ થતાં આ સમયગાળાને ભારતીય લોકશાહીના સૌથી કાળા અધ્યાય તરીકે યાદ કરવામાં આવે છે.

કટોકટીમાં નવસારીનો સંઘર્ષ: ચાંદોરીકર ભવનથી શરૂ થયેલું ‘જેલ ભરો’ આંદોલન,અનેક કાર્યકરો થયા હતા જેલવાસી

કટોકટી દરમિયાન નવસારી ખાતે ભાગ લેનાર ગૌતમ મહેતાના વર્ણન મુજબ દેશમાં 25 જૂન, 1975ના રોજ કટોકટી જાહેર થયા બાદ તેની અસર નવસારીમાં પણ જોવા મળી હતી.વિરોધ પક્ષના રાષ્ટ્રીય નેતાઓની ધરપકડના સમાચાર ફેલાતા શહેરમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું હતું.જોકે તે સમયે ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલના નેતૃત્વમાં જનતા મોરચાની સરકાર હોવાથી અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં દમનનું પ્રમાણ ઓછું રહ્યું હતું.

26 જૂન, 1975ની રાત્રે નવસારીના ચાંદોરીકર ભવન ખાતે સંસ્થા કોંગ્રેસ,જનસંઘ અને વિદ્યાર્થી આગેવાનોની સંયુક્ત બેઠક મળી હતી.લાલભાઈ નાયક,ડો.રમેશભાઈ નાયક,મગનભાઈ દેસાઈ, રાવજીભાઈ અમીન,કિશોરભાઈ દેસાઈ,વિરેન્દ્ર દેસાઈ,ગૌતમ મહેતા,વેણીલાલ રાણા,કેરસી દેબુ,ઉર્મિલાબેન વૈદ અને સહિતના આગેવાનો કટોકટીના વિરોધની વ્યૂહરચના ઘડવા માટે નિયમિત બેઠક કરતા હતા.

સ્વાતંત્ર્ય સેનાનીઓ,મહાગુજરાત આંદોલનના કાર્યકરો અને નવ નિર્માણ આંદોલનના વિદ્યાર્થીઓએ પણ વિરોધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.દરરોજ સભાઓ,સરઘસો અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાતા હતા.નવસારી શહેરમાં ભીતપત્રો લખી લોકો સુધી કટોકટીના સમાચાર પહોંચાડવામાં આવતા હતા.

બીજી તરફ રાષ્ટ્રીય નેતાઓ જયપ્રકાશ નારાયણ,અટલ બિહારી વાજપેયી,જ્યોર્જ ફર્નાન્ડીઝ, બીજુ પટનાયક,લાલકિષ્ણ અડવાણી, ગુજરાતના નાથાલાલ ઝગડા,મકરંદભાઇ દેસાઇ વિગેરેએ જે તે યુવાનોને જે તે શહેરોમાં “જેલ ભરો આંદોલન કરોનો” આદેશ આપવા સાથે લોક માન્ય નેતા એવા જયપ્રકાશ નારાયણ દરેક વિદ્યાર્થી પોતાનું એક વર્ષ રાષ્ટ્ર માટે આપે એમ હાકલ કરતા ગૌતમ પ્રતિજ્ઞા લીધી હતી કે “તારે જાતે એક વર્ષ રાષ્ટ્ર માટે આપવાનું છે.!’

ડો. રાજેશ બલ્લુભાઇ દેસાઇ હિરલ કલીનીક,વેણીલાલ રાણા, પ્રકાશ શાહ કાલિયાવાડી વિગેરેએ ધારાસભ્ય સ્વ. દિનકરભાઈ ભીખુભાઇ દેસાઇના અંબિકા સોસાયટીના નિવાસસ્થાને આમરણાંત ઉપવાસ કર્યા હતા.છઠ્ઠા દિવસે આમાંથી બે ત્રણ જણની તબીયત લથડતા બહેરામ કોલાહે અમને સિવિલ હોસ્પિટલમાં તાબડતોબ ખસેડયા હતા.

મુ.લાલભાઈ ડાહ્યાભાઈ નાયક તથા મુ.રાવજીભાઇ અમીને મને અને માજી ધારાસભ્ય તથા કસાયેલા કાર્યકર સ્વ.નારણભાઈ રાઠોડને બોલાવીને જણાવ્યું હતું કે, “ગૌતમ મહેતા તમે ૧૮ વર્ષના યુવાન છો સારા કાર્યકર છો,વક્તા છો,નારણભાઈ રાઠોડ પીઢ સર્વોદય કાર્યકર અને ગાંધીજન છે,અનુભવી છે’’ તેમની સાથે જલાલપોરથી ડાંગ સુધી ઠેક ઠેકાણે તમારે જેલ ભરો આંદોલનમાં અંદાજે 551 કાર્યકરોને લોકોને સમજાવી ધરપકડ કરાવી જેલ ભરવાની છે.આથી તમારે છેલ્લે સુધી પકડાવવાનું નથી.

ગુજરાતમાં શરૂ થયેલા ‘જેલ ભરો આંદોલન’માં નવસારી જિલ્લાએ સક્રિય ભાગ લીધો હતો.લાલભાઈ ડાહ્યાભાઈ નાયક, લલ્લુભાઈ મકનજી પટેલ, ગોપાળભાઈ જોગી,અમૃત દાજી, વિરેન્દ્ર દેસાઈ, કિશોરભાઈ દેસાઈ, મહેશભાઈ પટેલ,પરભુભાઈ પટેલ, રાવજીભાઈ અમીન, વેણીલાલ રાણા,કાંતિ ખત્રી સહિત અનેક કાર્યકરોએ સત્યાગ્રહ કરી ધરપકડ વહોરી હતી.

જલાલપોરથી ડાંગ સુધી ગામેગામ ફરી લોકોને કટોકટીના વિરોધ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.છીણમગામ, પોંસરા, તીઘરા, કાલિયાવાડી, કછોલી, ધરમપુર સહિત અનેક ગામોમાંથી યુવાનો અને મહિલાઓએ સત્યાગ્રહ કરીને જેલવાસ સ્વીકાર્યો હતો.છેલ્લે ગૌતમ મહેતા પણ જેલવાસ ભોગવ્યો હતો.

જેલમાં રહેલા સત્યાગ્રહીઓ માટે લોકોનો ઉત્સાહ સતત જળવાઈ રહ્યો હતો.સજાનો સમય પૂર્ણ થતાં જેલમાંથી બહાર આવતા કાર્યકરોનું શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવતું હતું. કટોકટી વખતે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના અનેક ગામોના લોકોએ કટોકટી વિરોધી આંદોલનમાં જોડાઈ લોકશાહી બચાવવા માટે જેલવાસ સ્વીકાર્યો હતો.

કટોકટી કુલ 19 મહિના સુધી ચાલી હતી. આ સમગ્ર સમયગાળા દરમિયાન નવસારીમાં લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટે થયેલો સંઘર્ષ આજે પણ જિલ્લાના રાજકીય અને સામાજિક ઇતિહાસનો મહત્વપૂર્ણ અધ્યાય માનવામાં આવે છે.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *