‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા
- Local News
- June 7, 2026
- No Comment
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત
ગુજરાતના નવસારી જિલ્લામાંથી દેશની આર્થિક સુરક્ષાને ચોંકાવી દે તેવા એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડના તાર સામે આવ્યા છે. નવસારી સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અંદાજે 91 કરોડ રૂપિયાથી વધુના ડિજિટલ ફ્રોડ કેસનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન બે શાતિર સાયબર ઠગોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ અંતર્ગત એરૂ ચાર રસ્તા વિસ્તારેથી લખવિંદર સિંહ અને આદિત્ય ઉર્ફે બંટી પટેલ નામના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ગેંગ દેશભરમાં સાયબર છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાંને વિવિધ બેંક ખાતાઓ મારફતે વિદેશ સુધી પહોંચાડતી હતી.
કમિશનની લાલચ આપીને ખોલાવાતા ‘મ્યુલ એકાઉન્ટ’
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ સામાન્ય અને મધ્યમવર્ગીય લોકોને વધુ કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક ખાતા ખોલાવતા હતા. આવા ખાતાઓને ‘મ્યુલ બેંક એકાઉન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. દેશભરમાં વિવિધ પ્રકારની ઓનલાઈન છેતરપિંડી અને ખંડણીના ગુનાઓમાંથી મેળવાયેલા નાણાં આ ખાતાઓમાં જમા કરવામાં આવતા હતા.
પછી આ રકમને ઝડપથી ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરીને આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ મારફતે વિદેશી ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગ વિરુદ્ધ દેશના વિવિધ રાજ્યોમાં 110થી વધુ સાયબર ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
નકલી દસ્તાવેજોનો મોટો જથ્થો જપ્ત
આ કેસમાં મુખ્ય આરોપી લખવિંદર સિંહની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 43 જેટલા વિવિધ બેંકોના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, 23 સરકારી ઓળખપત્રો તેમજ 11 પાન કાર્ડ સહિતનો મહત્વપૂર્ણ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે લખવિંદર સિંહ સરકારી દસ્તાવેજોમાં ચેડાં કરીને નકલી ઓળખપત્રો બનાવવામાં નિષ્ણાત હતો. આ દસ્તાવેજોનો ઉપયોગ સિમ કાર્ડ મેળવવા અને બેંક ખાતા ખોલવા માટે કરવામાં આવતો હતો.
વિદેશી કનેક્શનની તપાસ શરૂ
હાલ નવસારી પોલીસ અને સ્ટેટ સાયબર સેલ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ગેંગ સાથે અન્ય કયા લોકો સંકળાયેલા છે અને કરોડો રૂપિયાની રકમ વિદેશમાં કોને મોકલવામાં આવતી હતી તે અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.આ કૌભાંડના તાર આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા હોઈ શકે છે, જેના કારણે આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવસારીથી ચાલતા સાયબર ફ્રોડના નેટવર્કે દેશભરમાં ફેલાવ્યો હતો કરોડો રૂપિયાનો જાળ:ભાડાના બેંક ખાતા, નકલી દસ્તાવેજો અને ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનથી ચાલતો હતો આંતરરાષ્ટ્રીય ખેલ