૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ
- Local News
- September 18, 2026
- No Comment
નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ સ્થાપત્યકલાને અક્ષરસઃ જાળવી રાખીને નવનિર્માણ કરવામાં આવ્યું છે.સર જમશેદજી જીજીભોયના સીધા વારસ અને ટોચના સખાવતી બેરોનેટ સર રૂસ્તમજી જીજીભોયના વરદ હસ્તે તથા નવસારીના વડા દસ્તુરજીની વિશેષ ઉપસ્થિતિમાં આ નૂતન ઇમારતનું લોકાર્પણ/નવનિર્માણ કાર્ય સંપન્ન થયું હતું.
સખાવત અને સેવાભાવી પરંપરાનો ઇતિહાસ
સમગ્ર દેશમાં નવસારીના આ સપૂતે અનેકવિધ તબીબી, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સખાવતો કરી છે, અને તેમના વારસદારો આજદિન સુધી આ સેવા અને સખાવતના વારસાને ઉત્સાહપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં આવેલી સર જે.જે. હાઇસ્કુલો, શેઠ આર.જી.જે. હાઈસ્કુલો અને મુંબઈની પ્રખ્યાત સર જે.જે. આર્ટસ ગેલેરી જેવી અનેક સંસ્થાઓ આ જ પારિવારિક સખાવતનું પરિણામ છે, જેનું જતન અને આધુનિકરણ પણ આજ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ ધાર્મિક અને ભવ્ય પ્રસંગે જાણીતા નાટ્યકાર યઝદી કરંજીયા, સેવાભાવી યઝદી કાસદ તેમજ સંલગ્ન શાળાઓના આચાર્યો સહિત મોટી સંખ્યામાં પારસી સમુદાયના આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.