સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવતા પ્રવાસીઓને કેસુડાથી બનેલા સૌંદર્ય પ્રસાધનો આકર્ષે છે 

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવતા પ્રવાસીઓને કેસુડાથી બનેલા સૌંદર્ય પ્રસાધનો આકર્ષે છે 

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત એકતા નર્સરી અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોવા ઉપરાંત સ્થાનિક મહિલાઓને તેમના કૌશલ્યના નિદર્શનનું પ્લેટફોર્મ અને અર્થોપાર્જનનું કેન્દ્ર બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વસંત ઋતુમાં કેવડિયાના જંગલમાં ખાખરાના વૃક્ષો અને તેના મનોહર ફુલ એવા કેસુડા વિશે પ્રવાસીઓ વાકેફ થાય એ માટે કેસુડા ટ્રેઇલ શરૂ કરવામાં આવી છે. આ કેસુડા ટ્રેઇલમાં જોડાતા પ્રવાસીઓને કેવડિયાના જંગલમાં પરિભ્રમણ સાથે કેસુડાથી લથબથ ખાખરાના વૃક્ષો વચ્ચે પ્રકૃત્તિની નજીક જવાનો અવસર મળે છે. આ ટ્રેઇલના આકર્ષણ સાથે પ્રવાસીઓમાં કેસુડામાંથી બનતા વિવિધ સૌંદર્ય વર્ધક ઉત્પાદનો લોકપ્રિય બન્યા છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી માં એકતા નર્સરીમાં સૌંદર્ય પ્રસાધનોની સાબુની દુકાન

એકતા નર્સરીમાં કેસુડામાંથી વિવિધ ઉત્પાદનો બનાવવા માટેનું એક એકમ બનાવવામાં આવ્યું છે. જેનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ કરી રહી છે. એકતા નર્સરીની મુલાકાતે આવતા દેશવિદેશના પ્રવાસીઓ માટે વિવિધ આયુર્વેદિક ઉત્પાદનો ખરીદ કરે છે. તેમાં સૌથી વધુ લોકપ્રિય છે કેસુડામાંથી બનતા ફેશવોશ, સાબુ, પાવડર વિગેરે બનાવીએ છીએ.

ગોરા ગામના સુમિત્રાબેન તડવી આ સાબુ શોપનું સંચાલન કરે છે. તેઓ માત્ર ૧૦ ધોરણ સુધી અભ્યાસ કરી શક્યા છે. પણ, શોપ મેનેજમેન્ટની સૂઝ ગજબની છે. તેઓ કહે છે, એકતા નર્સરીની સાબુ શોપમાં કેસુડામાંથી બનતા ફેશવોશ, સાબુ અને પાવડરનું વેચાણ કરવામાં આવે છે. અહીં આવતા ગ્રાહકો કેસુડાના ઉત્પાદનોની ખાસ માંગણી કરે છે.

તે કહે છે, કેસુડાની મૌસમમાં એકતા નર્સરી સખી મંડળની ચારપાંચ મહિલાઓ જંગલમાં જઇ ખરેલા આ ફાગણિયા ફૂલો એકત્ર કરે છે. જરૂરિયાત મુજબના જથ્થામાં કેસુડા એકત્ર થયા બાદ તેને છાંયે સૂકવવામાં આવે છે. તત્પશ્ચયાત, તેને બોરામાં ભરી સંગ્રહિત કરવામાં આવે છે. એક વર્ષનું ઉત્પાદન કરી શકાય એ એટલા કેસુડાના ફૂલો એકત્ર કરવામાં આવે છે.

આ કામગીરીમાં રાજ્ય સરકારના વનવિભાગની ચાવીરૂપ ભૂમિકા રહેલી છે. એકતા નર્સરી સખી મંડળની બહેનો પગભર બને એ માટે રાજ્ય સરકાર દ્વારા દ્વારા ફેશવોશ, સાબુ બનાવવાના વિવિધ યંત્રો આપવામાં આવ્યા છે. સાબુ બનાવવાની કામગીરી પણ નર્સરીની અંદર જ કરવામાં આવે છે. બજારમાં મળતા સાબુમાં હોય એવા કેમિકલનો બિલ્કુલ ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે કે, એકતા નર્સરીના સૌંદર્ય પ્રસાધનો સંપૂર્ણ સુરક્ષિત છે. ઓનલાઇન કે બજારમાં મળતા નેચરલ પ્રોડક્ટની સરખામણીએ એકતા નર્સરીના ઉત્પાદનો ૩૦થી ૪૦ ટકા ઓછી કિંમતે મળે છે. વળી, વધુ ભાવે ઓનલાઇન મળે કે ના મળે, અહીં તો બારેય માસ ઉપલબ્ધ જ હોય છે.

સુમિત્રાબેન તડવીએ જણાવ્યું કે, વન વિભાગ દ્વારા અમને શોપ મેનેજમેન્ટ અને પ્રોડક્શન માટે વિશેષ તાલીમ આપવામાં આવી હતી. હવે અમે આ કામગીરી સારી રીતે કરી શકીએ છીએ. પ્રવાસીઓના પિક ડેમાં સાબુ શોપમાં પ્રતિદિન સરેરાશ પાંચથી છ હજારનું કાઉન્ટર એકત્ર થાય છે. અમારી પ્રોડક્ટ એટલી લોકપ્રિય છે કે, ઘણા ગ્રાહકો તો બે બે હજારની કિંમતના સાબુ અને ફેશવોશ એક સાથે લઇ જાય છે.

 

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે દૂરદરાજની આદિવાસી મહિલાઓના જીવનમાં કેવા ગુણાત્મક પરિવર્તન આવ્યા તેનું ઉત્તમ ઉદાહરણ સુમિત્રાબેન છે. તેઓ કહે છે કે, મારી આવડત અને કૌશલ્યની એકતા નર્સરીમાં કદર થઇ છે. એક ગૃહિણી તરીકે મારા સમયનો સદ્દઉપયોગ કરી અહીં કામ કરૂ છું અને તેના કારણે ઘર મને ઘર આંગણે રોજગારી મળતા પ્રતિ માસ રૂ. ૯ હજાર જેટલી આવક થાય છે. મારો એક દીકરો પણ એસઓયુમાં નોકરી કરે છે. એક દીકરી હાલમાં ગણપત વિદ્યાલયમાં ઇલેક્ટ્રિક ઇજનેરી વિદ્યાશાખામાં અભ્યાસ કરી રહી છે. આ આવકથી હું મારી દીકરીને સારી રીતે અભ્યાસ કરાવી શકી છું.

પરિક્ષેત્ર વન અધિકારી  મદનસિંહ રાઉલજી કહે છે, એકતા નર્સરીના આ સાબુ શોપમાં કેસુડાના ઉત્પાદનો ઉપરાંત ચારકોલ, ગોટમિલ્ક,ચંદન,મધ,એલોવેરા, લીમડો, મિન્ટ, ઓરેન્જ અને લિંબુમાંથી બનાવાયેલા સૌંદર્યપ્રસાધનો વિવિધ ફેગ્રન્સમાં મળે છે. તેના ઉત્પાદનથી માંડી વેચાણ સહિતની તમામ બાબતોનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. વન વિભાગના પ્રયત્નોને કારણે સ્થાનિક આદિવાસી મહિલાઓ પગભર બની છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસ દરમિયાન એકતા નર્સરીની સાથે તેની આ શોપની મુલાકાત લેવા જેવી ખરી !

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *