રાજ્ય શ્રેષ્ઠ નવસારીવિજલપોર નગરપાલિકાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સર્વાંગી વિકાસ માટે 4 કરોડ ચેક અર્પણ કરાયો
- Local News
- July 21, 2023
- No Comment
રાજ્યની નગરપાલિકા-મહાનગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે રૂ. ૧૫૧૨ કરોડના ચેક એક જ દિવસમાં એક જ સ્થળેથી વિતરણનો ગૌરવશાળી સમારોહ યોજાયો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોનાં સર્વાંગી વિકાસ માટે કાર્યદક્ષતાથી ગુણવત્તાયુક્ત જન સુવિધા કામો હાથ ધરવાનું પ્રેરક આહવાન કર્યું છે.આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનના ૯ વર્ષ સેવા-સુશાસન અને ગરીબ કલ્યાણના રહ્યા છે.સેવા અને સુશાસન પરસ્પર જોડાયેલા છે તેથી સેવાના ભાવ સાથે થતાં જનસુવિધાના વધુ ને વધુ કામોથી જ સેવા-સુશાસન અસરકારક બની શકે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરનાં મહાત્મા મંદિરમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારાનગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટેની કુલ રૂ. ૧૫૧૨ કરોડની ગ્રાન્ટના ચેક વિતરણ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની સ્થાપનાનાં સ્વર્ણિમ જયંતી વર્ષ અન્વયે શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરોમાં જન સુવિધાના સર્વગ્રાહી કામો માટે પ્રતિવર્ષ આવી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
આ વર્ષમાં રાજ્યની ૮ મહાનગરપાલિકાઓને રૂ. ૨૮૭૪.૪૦ કરોડ તથા નગરપાલિકાઓને રૂ. ૬૪૫ કરોડ મળીને સમગ્રતયા રૂ. ૩૫૨૦ કરોડની મળવાપાત્ર ગ્રાન્ટના પ્રથમ હપ્તા તરીકે કુલ રૂ. ૧૧૫૦ કરોડ ૮ મ.ન.પા.ને અને રૂ. ૩૬૨ કરોડ નગરપાલિકાઓને મળીને એમ કુલ રૂ. ૧૫૧૨ કરોડ રૂપિયાના મુખ્યમંત્રી અને મહાનુભાવોએ સંબંધિત સ્થાનિક સત્તાતંત્રનાં પદાધિકારીઓ, અધિકારીઓને અર્પણ કર્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રાથમિક શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા તેમજ ધારાસભ્યો મહાનગરોના મેયર નગરપાલિકા પ્રમુખો, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને વરિષ્ઠ અધિકારીઓ આ અવસરના સાક્ષી બન્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાતે જે ખ્યાતિ મેળવી છે તેના મૂળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિનો જે નવો ઈતિહાસ રચ્યો છે તે પડેલો છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો.તેમણે કહ્યું કે, આજે રાજ્યમાં એવું સુદ્રઢ નાણાં વ્યવસ્થાપન છે કે કરોડો રૂપિયાનાં વિકાસ કામો, ઓનલાઈન સેવાઓ, રોડ-વીજળી-પાણીનું મજબુત ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળતું થવાથી નાગરિકો-પ્રજાજનોની અપેક્ષાઓ સંતોષાઈ રહી છે. એટલું જ નહિ, પ્રજા વર્ગોને વિશ્વાસ અને ભરોસો છે કે હજુ વધુ સારી સેવા-સુવિધાઓ તેમને સ્થાનિક સત્તાતંત્ર પાસેથી મળતી રહેશે જ.
“નાગરિકો-પ્રજાજનોએ જે જવાબદારી આપણને આપી છે તેને સમૂહમાં સારા અને ગુણવત્તાયુક્ત કામો, કાર્યપદ્ધતિ અને કાર્યદક્ષતા દ્વારા વિકાસ કામોથી પાર પાડીએ” એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
તેમણે ક્લાયમેટ ચેન્જના પડકારો તથા વાતાવરણનાં બદલાવ સામે વધુને વધુ વૃક્ષો વાવી ગ્રીન કવર નગરો-મહાનગરોમાં વધારવાની હિમાયત કરી હતી. નગરપાલિકા-મહાનગરપાલિકાઓને પાણીનો કરકસર યુક્ત વપરાશ, વીજ બચત, માર્ગોની મરામતનાં કામો અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ શહેરોમાં ડ્રેનેજ સફાઈ માટે મેનહોલમાં અદ્યતન અસરકારક મશીનરીનો ઉપયોગ કરવાની નેમ દર્શાવી હતી. તેમણે આ હેતુસર, જેટિંગ કમ સક્શન વીથ રિસાયક્લિંગ ફેસેલીટી વાનને પ્રસ્થાન કરાવ્યું હતું.આ વાન પ્રાથમિક તબક્કે રાજ્યના ૬ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર કચેરીઓ હસ્તક તેમના વિસ્તારોની નગરપાલિકાઓમાં જરૂરિયાત મુજબના ઉપયોગ માટે ફાળવવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકા-મહાનગરમાલિકાને અર્પણ થયેલી રકમથી સર્વાંગી વિકાસના કામો દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર શહેરોના નિર્માણની પ્રેરણા આપી હતી.
રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે ગુજરાતના શહેરી વિકાસને અન્યો માટે રોલ મોડેલ ગણાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શહેરી વિકાસનો જે ઉત્તમ પાયો નાખ્યો છે, જેને સર્વોત્તમ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
મુખ્ય સચિવે ઉમેર્યું હતું કે, રાજ્યના શહેરોના અવિરત વિકાસના પરિણામે આ વર્ષે G-20 હેઠળના અર્બન-૨૦ની અધ્યક્ષતા કરવાનો અવસર ગુજરાતને પ્રાપ્ત થયો છે. ગુજરાતના શહેરોને આદર્શ બનાવવા વિવિધ ક્ષેત્રોમાં સૌ આગેવાનોએ સાથે મળીને કાર્ય કર્યું તેના પરિણામે જ ગુજરાતનો શહેરી વિકાસ રોલમોડેલ બન્યો છે. ‘સૌના સાથ, સૌના વિકાસ’ ની સંકલ્પનાને સાકાર કરવા આગામી ૫૦ વર્ષને ધ્યાને લઇ ભવિષ્ય અને આગામી પેઢી માટે આદર્શ શહેરો તૈયાર કરવાની રાજ્ય સરકારની નેમ છે.

તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, લીગેસી કચરાનો નિકાલ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રિસાઇકલ્ડ વોટરનો ઉપયોગ, જળસંચય, આવાસ, પુનઃ પ્રાપ્ય ઊર્જા, ઇ-નગર પોર્ટલ, શહેરોને વધુ હરિયાળા બનાવવા તેમજ નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગને પ્રોત્સાહન આપવા જેવા વિવિધ ક્ષેત્રે ગુજરાત સરકાર કામ કરી શહેરી વિકાસને વધુ વેગવંતો બનાવી રહી છે.
આ પ્રસંગે સ્વાગત સંબોધન કરતા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સીધી દેખરેખ અને માર્ગદર્શનમાં ઉચ્ચ ગુણવત્તાવાળું ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા માટે ટીમ અર્બન તત્પર છે.

વિકાસ કામો માટે ચેક વિતરણના આ સમારોહમાં રાજ્યની આઠ મહાનગર પાલિકાઓ અને ૧૫૭ નગર પાલિકાઓને રૂપિયા ૧૫૧૨ કરોડની સહાયના ચેકોનું વિતરણ કરાયું હતું. જેમાં અમદાવાદ મહાનગર પાલિકાને રૂપિયા ૪૨૬ કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂપિયા ૩૪૮ કરોડ, વડોદરા મહાનગર પાલિકાને રૂપિયા ૧૩૦ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂપિયા ૧૦૩ કરોડ, ભાવનગર મહાનગર પાલિકાને રૂપિયા ૪૮ કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂપિયા ૪૬ કરોડ, જૂનાગઢ મહાનગરપાલિકાને રૂપિયા ૨૪ કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને રૂપિયા ૨૫ કરોડ મળી કુલ રૂપિયા ૧૧૫૦ કરોડના ચેકનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત અ,બ,ક,ડ વર્ગની ૧૫૭ નગરપાલિકાઓને પણ રૂપિયા ૩૬૨ કરોડની રકમના ચેક વિતરણ થયા હતા.

જ્યારે રાજયની શ્રેષ્ઠ નવસારી-વિજલપોર નગરપાલિકાને વિકાસ કામો માટે ચાર કરોડની ગ્રાન્ટનો ચેક વિતરણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહ અને ચીફ ઓફિસર જે યુ વસાવાને ચેક અર્પણ કરવામાં આવ્યો છે. આમ નવસારી શહેરના સર્વાંગી વિકાસના રોલ મોડેલ તરીકે ખ્યાતિ મેળવી છે.
મ્યુનિસિપાલિટીઝ એડમીનીસ્ટ્રેશન કમિશનર રાજકુમાર બેનીવાલે આભાર વિધી કરી હતી.
નગરો-મહાનગરોના સર્વાંગી વિકાસ માટે કાર્યદક્ષતાથી ગુણવત્તાયુક્ત જનસુવિધા કામો દ્વારા જ સેવા અને સુશાસન બેય સાથે અસરકારક બની શકે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ