
ટુંકાગાળામાં વધુ આવક આપતો પાક સ્વીટકોર્ન (અમેરિકન મકાઇ) પ્રાયોજના કચેરીએ વનવાસી ક્ષેત્રના ખેડુતોના જીવનમાં ખેતી વડે જીવનમાં મીઠાશ ભરી દીધી
- Local News
- March 9, 2023
- No Comment
વાંસદા તાલુકામાં સ્વીટકોર્ન (અમેરિકન મકાઇ)ની ખેતી અત્યારે વાંસદા થી સાપુતારા રોડ પર ઠેરઠેર મકાઇના ડોડાઓ આપણને જોવા મળે છે. પ્રવાસીઓ, રાહદારીઓ મનભરીને તેનો સ્વાદ માણે છે. એ ડોડાઓ વિદેશ કે અન્ય જિલ્લામાંથી નથી આવતાં પરંતુ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના આદિવાસી ખેડૂતો સ્વીટકોર્ન (અમેરિકન મકાઇ) ના ડોડાઓ આપણને પુરા પાડે છે. મીઠા મધુર ડોડા ખાનારાઓને કયાં ખબર હોય છે. પણ વાત સાચી છે. ઓછી મહેનતે સારી આવક મળે એ માટેના રાજય સરકારોના પ્રયાસોને સફળતા મળી છે. આદિજાતિ વિભાગની પ્રાયોજના કચેરીની સહાય વાંસદા તાલુકાના ગામોને ખેતી ક્ષેત્રના વિકાસ માટે પ્રયાસોના કારણે ખૂબ જ સફળતા મળી છે. આજે વાંસદા તાલુકો આધુનિક ખેતી તરફ આગળ વધ્યો છે.
નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા તાલુકાના આદિવાસી ખેડૂતોના જીવનમાં હરિયાળી ક્રાંતિ ભરી દીધી છે. આદિજાતિ વિભાગની પ્રાયોજના કચેરી દ્વારા આ વર્ષે ૫૮ લાભાર્થીઓને રૂ. ૮,૪૮૨ની કિંમતની મકાઇ બિયારણ કીટ વિતરણ કરવામાં આવી છે. આ કીટમાં ખાતર, બે કિલો બિયારણ અને દવાનો સમાવેશ થાય છે. બજારમાં બિયારણ એક કિલોનો ભાવ અંદાજે રૂ. ત્રણ હજાર છે. જયારે સરકાર નિશુલ્ક આપે છે. ૫૮ લાભાર્થીઓએ ૨૦ ગુંઠા જમીનમાં સ્વીટકોર્ન (અમેરિકન મકાઇ) ની ખેતી દ્વારા ખેડૂતોએ આર્થિક સમૃધ્ધિ સાથે જીવને મીઠાશ બનાવી દીધું છે.
સ્વીટકોર્ન (અમેરિકન મકાઇ)ની ખેતી દ્વારા નાના અને સીમાંત આદિવાસી ખેડૂતો ઓછી જમીનમાંથી વધુ આવક તથા તેમના પશુધન માટે જરૂરી ઘાસચારો મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પાકની ખેતી દ્વારા ટુંકા ગાળામાં વધુ આવક થવાથી ખેડૂતો આ પાકની ખેતી કરવા પ્રેરાયા છે નાના ખેડૂતોની સાથે રાજય અને દેશની ખેતીના વિકાસમાં ચોકકસ સુધારો થયો છે.
વાંસદા તાલુકાના બોરીઆછ ગામના શાંતાબેન રૂપજીભાઇ ગાંવિત પ૨ વર્ષની ઉમંર હોવા છતાં ખેતી પ્રત્યે લગાવ છે. તેઓના પુત્ર જણાવે છે કે, સ્વીટકોર્ન (અમેરિકન મકાઇ)ની ખેતી દ્વારા ૨૦ ગુંઠામાં રૂા.૩૦ હજાર ઉપરાંતની આવક થઇ છે. સાથે પશુઓ માટે ઘાસચારાની ચિંતા પણ દૂર થઇ છે. પરિવાર પણ આવક વધવાના કારણે ખુશી આવી છે.
ટુંકાગાળામાં વધુ આવક આપતો પાક સ્વીટકોર્ન(અમેરિકન મકાઇ)ની ખેતી ખેડૂતો અપનાવે તે હેતુથી ખેડૂતોના ખેતર ઉપર ટ્રાયબલ સબ પ્લાન વાંસદાના સહયોગથી નિદર્શનો ગોઠવવામાં આવે છે. જેમાં સ્વીટકોર્ન (અમેરિકન મકાઇ) પાકમાં જમીન પસંદગી, જમીન તૈયારી, બીજ માવજત, સંકલિત ખાતર વ્યવસ્થાપન, વાવણી સમય અને અંતર, સંકલિત નિંદણ વ્યવસ્થાપન, પિયત વ્યવસ્થાપન અને રોગજીવાત અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે તે ઉપરાંત આ યોજના અંતર્ગત ર કિલો સ્વીટકોર્નનું બિયારણ, જૈવિક ખાતર, રાસાયણિક ખાતર તેમજ ફોરેટ દવા આપવામાં આવી. પાક તૈયાર થાય ત્યારે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી રહે છે વેપારીઓ ઘર બેઠા પાક લઈ જવાથી ખેડૂતોને ઉત્પન્ન થયેલા સ્વીટકોર્નને બજાર સુધી પહોંચાડવાનો પણ ખર્ચ ઘટવાની સાથે માલ વેચવાની ચિંતા પણ ન હતી.
વાંસદા તાલુકાના બારતાડ ગામના શાંતાબેન નવલભાઇ દળવી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. સ્વીટકોર્ન (અમેરિકન મકાઇ) પાકનું વાવેતર કર્યું હતું. એમાં સારું ઉત્પાદન મેળવ્યુ છે. સ્વીટકોર્નની વૈજ્ઞાનિક ખેતી પઘ્ધતિની તાલીમમાં આ પાક કયા સમયે, કેટલા અંતરે વાવવું, કયારે અને કેટલા પ્રમાણમાં ખાતર નાંખવું, કઈ કઈ બાબતની કાળજી લેવી તેમજ કયારે અને કેટલા પ્રમાણમાં પિયત આપવું વગેરે બાબતનું જ્ઞાન મેળવ્યું. સ્વીટકોર્નનું બિયારણ, ખાતર તેમજ દવાની સહાય મળી. માર્ગદર્શન મુજબ ખાતર, પાણી આપ્યું. સ્વીટકોર્ન (અમેરિકન મકાઇ) પાકમાંથી ૧૨૦ મણથી વધુ ઉત્પાદન ર૦ ગુંઠામાંથી મળ્યું હતું. જેમાંથી તેમને રૂા.૨૧૦ પ્રતિ મણ પ્રમાણે રૂા.ર૫,૨૦૦-૦૦ જેટલી આવક મળી અને મકાઈ કાઢી લીધા બાદ જે મકાઈનું પરાળ નીકળ્યું તેનો ઉપયોગ ઢોરનાં ઘાસચારા માટે જે પશુઓને ખવડાવતા દૂધના ઉત્પાદનમા વધારો થયો. આમ, આ પાક એકદમ ટુંકાગાળાનો હોવાથી તેમણે ટુક સમયમાં રોકડી આવક મેળવી છે.
પ્રાયોજના વહીવટદાર વાંસદા એમ.એલ.નલવાયા કહે છે કે, આદિજાતિ વિભાગ ની વિવિધ યોજના હેઠળ ખેડુતો આધુનિક ખેતી તરફ વળે તે માટે ખેતીવાડી વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગના સહયોગ વડે પ્રયાસો હાથ ધરાયા છે અને સફળતા પણ મળી છે.