વોટ્સએપ માં આવી રહ્યું છે મેજિક ફીચર, ટાઇપ કરતાની સાથે જ મેટા એઆઈ બનાવી દેશે ઇચ્છિત વોલપેપર
- Technology
- May 11, 2025
- No Comment
ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે વોટ્સએપ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્લિકેશન છે. તાજેતરના ભૂતકાળમાં વોટ્સએપ એ ઘણી નવી સુવિધાઓ રજૂ કરી છે. હવે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર ટૂંક સમયમાં એક નવું ફીચર ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે. હવે તમે વોટ્સએપ પર ફક્ત થોડીક સેકન્ડમાં તમારું પોતાનું વોલપેપર ડિઝાઇન કરી શકશો.
જો આપણે સૌથી ઉપયોગી અને લોકપ્રિય મેસેજિંગ એપ વિશે વાત કરીએ, તો વોટ્સએપનું નામ સૌથી પહેલા લેવામાં આવશે. દુનિયાભરમાં ૩.૫ અબજથી વધુ લોકો તેમના સ્માર્ટફોન પર વોટ્સએપ ઉપયોગ કરે છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગની સાથે, તેનો ઉપયોગ વોઇસ કોલિંગ અને વિડીયો કોલિંગ માટે પણ વ્યાપકપણે થાય છે. પોતાના લાખો વપરાશકર્તાઓને નવો અનુભવ આપવા માટે, WhatsApp સમયાંતરે નવી સુવિધાઓ રજૂ કરતું રહે છે. હવે WhatsApp તેના યુઝર્સ માટે એક નવું ફીચર લાવવા જઈ રહ્યું છે.
વોટ્સએપનું આગામી ફીચર લાખો વપરાશકર્તાઓને એક નવો અનુભવ આપશે. જો તમને વોટ્સએપ પર વોલપેપર લગાવવાનો શોખ છે તો તમારો અનુભવ ખૂબ જ જલ્દી બદલાવાનો છે. તમે ટૂંક સમયમાં વોટ્સએપ પર તમારું પોતાનું કસ્ટમ વૉલપેપર જનરેટ કરી શકશો અને તેને એપ્લિકેશન પર સેટ પણ કરી શકશો.
વપરાશકર્તાઓનો અનુભવ બદલાશે
તમને જણાવી દઈએ કે વોટ્સએપ હાલમાં એક એવી સુવિધા પર કામ કરી રહ્યું છે જેમાં વપરાશકર્તાઓ મેટા એઆઈ ની મદદથી વિવિધ પ્રકારના ચેટ વોલપેપર્સ બનાવી શકશે. વોટ્સએપનું આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ ફેઝમાં છે અને કંપની ટૂંક સમયમાં તેને બધા યુઝર્સ માટે રોલઆઉટ કરશે. વોટ્સએપના આ ફીચર વિશેની માહિતી WABetaInfo દ્વારા શેર કરવામાં આવી છે, જે કંપનીના અપડેટ્સ પર નજર રાખે છે.
તમે તમારું મનપસંદ વૉલપેપર બનાવી શકશો
WABetaInfo અનુસાર, આ સુવિધા વોટ્સએપ બીટાના આગામી અપડેટેડ વર્ઝનમાં જોવા મળી છે. હાલમાં, વોટ્સએપ વપરાશકર્તાઓ પાસે ચેટ બેકગ્રાઉન્ડનો રંગ બદલવા અને ગેલેરીમાંથી ફોટો પસંદ કરીને તેને વોલપેપર તરીકે સેટ કરવાનો વિકલ્પ છે. પરંતુ વોટ્સએપ ના આગામી ફીચરથી યુઝર પોતાના વોલપેપર બનાવી શકશે. આ માટે, વપરાશકર્તાઓએ ફક્ત એક પ્રોમ્પ્ટ આપવાનો રહેશે અને મેટા એઆઈ પ્રોમ્પ્ટના આધારે વોલપેપર ડિઝાઇન કરશે. એટલું જ નહીં, વપરાશકર્તાઓ વોટ્સએપ મેટા એઆઈ દ્વારા એનિમેટેડ વોલપેપર્સ પણ બનાવી શકશે.