વિશ્વનું એકમાત્ર એવું સ્થળ:જ્યાં સિંહ,દીપડો અને હવે વાઘ: ગુજરાતમાં બિલાડી કુળના ત્રણેય પ્રાણી એકસાથે હોય એવું રાજ્યમાં ટાઇગરની હાજરીની NTCAની સત્તાવાર જાહેરાત
- Local News
- December 26, 2025
- No Comment
ગુજરાતના વન્યજીવન ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ ક્ષણ આવી છે.ગીરથી ઓળખાતું ગુજરાત હવે એશિયાઈ સિંહોની ધરતી પૂરતું સીમિત રહ્યું નથી. ત્રણ દાયકા કરતાં વધુ સમય બાદ રાજ્યનાં જંગલોમાં વાઘની સ્થાયી હાજરી નોંધાતાં ગુજરાત ફરી એકવાર ‘ટાઇગર સ્ટેટ’ તરીકે ઓળખ મેળવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.આશરે 33 વર્ષ બાદ ગુજરાતને ફરી એકવાર ‘ટાઈગર સ્ટેટ’ તરીકે સત્તાવાર માન્યતા મળી છે.રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ (NTCA – National Tiger Conservation Authority) દ્વારા દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવન અભયારણ્યમાં વાઘની સ્થાયી હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે.
રતનમહાલમાં 9 મહિનાથી વસવાટ:
NTCAના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશની સરહદ પાસેથી ફેબ્રુઆરી 2025માં એક યુવાન વાઘ રતનમહાલ વિસ્તારમાં પ્રવેશ્યો હતો. શરૂઆતમાં તેને રખડતો વાઘ માનવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા 9થી 10 મહિનાથી તેની સતત હાજરી નોંધાતા તે ગુજરાતમાં કાયમી રીતે વસવાટ કરી રહ્યો હોવાનું સ્પષ્ટ થયું છે. કેમેરા ટ્રેપ, પગલાંના નિશાન અને ફોટોગ્રાફિક પુરાવાઓના આધારે NTCAએ આ વાઘની હાજરીને સત્તાવાર માન્યતા આપી છે.
ટીમ વાઘના દસ્તાવેજીકરણ માટે ગુજરાતની મુલાકાત લેશે
AITE સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય વાઘ ગણતરી શરૂ થઈ ચૂકી છે અને અમારી ટીમ ટૂંક સમયમાં આ વાઘના દસ્તાવેજીકરણ માટે ગુજરાતની મુલાકાત લેશે. વાઘને હજુ સુધી ટેગ કરવામાં આવ્યો નથી, તેથી ગણતરી દરમિયાન તેને રેડિયો-કોલર અથવા ટેગ લગાડવામાં આવશે.” તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના વન અધિકારીઓને અત્યાધુનિક ‘સ્ટ્રાઈપ સોફ્ટવેર’ સિસ્ટમની તાલીમ પણ આપવામાં આવશે. આ સિસ્ટમ દ્વારા માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં વાઘની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે.
2026ની વાઘ ગણતરીમાં ગુજરાતનો સમાવેશ
આ આધારે NTCAએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ ગુજરાતને અખિલ ભારતીય વાઘ અંદાજ-2026 (All India Tiger Estimation)માં સામેલ કરવાની મંજૂરી આપી છે. હવે ગુજરાત-મધ્યપ્રદેશ સરહદ વિસ્તારમાં સત્તાવાર કેમેરા ટ્રેપ સર્વે હાથ ધરવામાં આવશે.
ત્રણ બિગ કેટ ધરાવતું એકમાત્ર રાજ્ય
ઉલ્લેખનીય છે કે ગુજરાત હવે દેશનું અને વિશ્વનું એવું એકમાત્ર રાજ્ય બની ગયું છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ – ત્રણેય મોટા બિલાડી પ્રજાતિઓ એકસાથે હાજર છે. ગીરના એશિયાઈ સિંહો, રાજ્યભરમાં દીપડાની વસતિ અને હવે રતનમહાલમાં વાઘની હાજરી ગુજરાતના વન્યજીવન વૈવિધ્યને નવી ઓળખ આપી રહી છે.
વાઘણ લાવવાની તૈયારી
રાજ્ય સરકારે વાઘની વસતિ વધારવા માટે NTCAને પત્ર લખી એક વાઘણને ગુજરાત લાવવાની માંગ કરી છે. આ અંગે જિનેટિક સમાનતા, શિકાર પ્રાણીઓની ઉપલબ્ધતા, સુરક્ષા વ્યવસ્થા અને માનવ-વાઘ સંઘર્ષની શક્યતાઓ સહિત અનેક તબક્કાની ચકાસણી કરવામાં આવશે. તમામ પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો રતનમહાલને ભવિષ્યમાં વાઘ અભયારણ્ય તરીકે વિકસાવવાની દિશામાં પગલાં લેવાઈ શકે છે.
ત્રણ દાયકા જૂનો વનવાસ પૂર્ણ
1950-60 – ગુજરાતમાં અંદાજે 50 વાઘ હતા.
1960-63 – ત્રણ વર્ષમાં પાંચ વાઘનો શિકાર થયો.
1983 વઘઈ પાસે ડાંગના છેલ્લા વાઘને શિકારીઓએ મારી નાખ્યો.
1972 – ગુજરાતમાં વાઘની ગણતરી થઈ, 8 વાઘ ડાંગનાં જંગલમાં નોંધાયા.
1989 – ગુજરાત સરકારે રાજ્યમાંથી વાઘને વિલુપ્ત જાહેર કર્યો.
2001 – વસ્તી ગણતરી વખતે ફરીથી વાઘની સંખ્યા ઝીરો નોંધાઈ.
2019 – મહિસાગર જિલ્લામાં વાઘ દેખાયો પણ મૃત્યુ પામ્યો.
2025 – નવેક મહિના દેખાયા પછી રતનમહાલમાં વાઘ હોવાનું જાહેર થયું.
ડાંગની આબોહવા વાઘ માટે અનુકૂળ છે પરંતુ ત્યાં પૂરતો શિકાર નથી મળી રહેતો. છેલ્લે 1985માં વ્યારા તાલુકાના ભેસખતરી વિસ્તારમાં વાઘ જોવા મળ્યા હતા. 1989ની વસ્તી ગણતરીમાં 13 વાઘ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે 1992માં એ શૂન્ય થઈ ગઈ હતી.ગુજરાતમાં વાઘને ટકવામાં મુશ્કેલી પડશે. 1979માં પ્રકાશિત થયેલી ચીતલ જર્નલના જણાવ્યા મુજબ 1979માં ગુજરાતમાં સાત વાઘ હતા જેમાંથી 6 ડાંગ જિલ્લામાં હતા.
ગુજરાતમાં છેલ્લી સત્તાવાર વાઘ ગણતરી 1989માં થઈ હતી. ત્યારબાદ પુરાવા ન મળતાં 1992માં રાજ્ય ‘ટાઈગર સ્ટેટ’નો દરજ્જો ગુમાવી ચૂક્યું હતું. હવે ત્રણ દાયકાથી વધુ સમય બાદ રતનમહાલમાં વાઘની સ્થિર હાજરી સાથે આ લાંબી રાહનો અંત આવ્યો છે.
https://youtu.be/WjbsU7xa1aE?si=tnMi2xvssx3gtYIi
વાઘ માટે અનુકૂળ ઇકો સિસ્ટમ વિકસાવાશે:વન મંત્રી ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કેગુજરાતમાં એક સમયે મોટી સંખ્યામાં વાઘની હાજરી હતી, પરંતુ કાળક્રમે ગુજરાતમાંથી વાઘની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ. રાજ્યમાં છેલ્લે વર્ષ 1989માં વાઘની વસતિગણતરી થઈ હતી, ત્યારે અધિકારીઓને વાઘના પંજાનાં નિશાન તો મળ્યાં હતાં, પરંતુ વાઘ ક્યાંય જોવા મળ્યો નહોતો. એે બાદ વર્ષ 1992માં વાઘની વસતિગણતરીમાંથી ગુજરાતની બાદબાકી કરવામાં આવી હતી અને રાજ્યએ “ટાઈગર સ્ટેટ”નો દરજ્જો ગુમાવ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2019 વાઘ જોવા મળતાં આશાીનું કિરણ જાગ્યું હતું, પરંતુ દુર્ભાગ્યે એ વાઘ માત્ર 15 દિવસ સુધી જ જીવિત રહી શક્યો હતો. ફરી એકવાર નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસના પ્રાથમિક અહેવાલમાં પણ ગુજરાતમાં વાઘની હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે. આ અહેવાલ મુજબ ગુજરાતમાં હાલમાં એક વાઘની વસ્તી સત્તાવાર રીતે નોંધાઈ છે. રાજ્યમાં વાઘ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ વિકસાવવાની પૂરતી શક્યતાઓ છે. આ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે આ અહેવાલમાં વિવિધ પગલાં સૂચવવામાં આવ્યા છે. આ અંગે કોઇ ઓફિશિયલી પત્ર NTCA મારફતે વનવિભાગને મળ્યો નથી. પરંતુ આ અહેવાલ મળ્યો છે.તે પ્રમાણે ગુજરાત સરકારના વન વિભાગે અગાઉથી કેટલાક પગલાં લઇને અહીંયા ઇકો સિસ્ટમ ડેવલોપ થાય તે માટે પ્રયત્ન કરી રહી છે. આગામી સમયમાં સરકારા દ્વારા વન્ય પ્રાણી અને વન્ય સિસ્ટમને જાળવી રાખવા માટે મક્કમ છે. આગામી જરૂરી ઇકો સિસ્ટમ ઉભી તે માટે જે પણ જરૂરી પગલાં હશે તે ભરવામાં આવશે.
વન્યજીવન નિષ્ણાતોના મતે, આ સિદ્ધિથી ગુજરાતમાં ઇકો-ટુરિઝમને વેગ મળશે અને વન્યજીવન સંરક્ષણ અંગે જાગૃતિ વધશે. સાથે જ, રાજ્ય માટે વાઘ સંરક્ષણ એક નવી જવાબદારી અને નવી તક બની છે.NTCA દ્વારા ગુજરાતને ફરી ‘ટાઈગર સ્ટેટ’ જાહેર કરવું રાજ્યના વન સંરક્ષણ ઇતિહાસમાં એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ પગલું છે.સતત મોનિટરિંગ સાથે આ વાઘને પૂરતું આહાર સહિત સુરક્ષા સુનિશ્ચિત પણ કરવુ રહ્યું
પધારો મારે દેશ… હવે આપણે આવેલ મહેમાન સાચવણી ની જવાબદારી આપણા સૌની જવાબદાર