નવસારીમાં હીટ વેવનો ખતરો:આજે તાપમાન 41ºC નજીક, નવસારી સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો
- Local News
- April 22, 2025
- No Comment
નવસારી જિલ્લામાં માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન ઉનાળાની તીવ્રતા વધતાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી છે. માર્ચ-એપ્રિલ મહિનામાં તાપમાન 41ºC સુધી પહોંચતા નવસારી સિવિલ હોસ્પિટલમાં હીટ વેવ કેસોને ધ્યાને લઈ તેના માટે ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

આજ રોજ નવસારીમાં ગરમીનો પારો 41ºC રોજીંદી ચહલપહલ અને વાહનોની અવરજવર થતા શહેરના મુખ્ય રસ્તાઓ આજે ખાલીખમ જોવા મળ્યા હતા.રાજ્યના ગરમ જિલ્લાઓમાં સ્થાન ધરાવતા નવસારીમાં હીટ સ્ટ્રોકની શક્યતાઓને જોતા, સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે વિશેષ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં 24 કલાક માટે ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને જરૂરી દવાઓ ઉપલબ્ધ રહેશે. OPD નજીક ORS કોર્નર પણ કાર્યરત કરવામાં આવ્યું છે, જેથી દર્દીઓ તથા તેમના સાથીઓ હાઈડ્રેશન જાળવી શકે.

હાલમાં હીટ વેવનો કોઈ કેસ નોંધાયો નથી, તેમ છતાં આરોગ્ય વિભાગે તમામ પૂર્વ તૈયારી પુરી કરી છે. રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડો. વિરેન્દ્રસિંહે જણાવ્યુ હતું કે બપોરે 12થી 3 દરમિયાન લોકોને યોગ્ય સુરક્ષા વિના બહાર ન નીકળવાનું તથા પૂરતું પાણી, છાસ અને અન્ય હાઈડ્રેટિંગ પીણાં લેવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્ય આરોગ્ય વિભાગે તાપમાનના આધારે જિલ્લાઓને રેડ, યેલો અને ગ્રીન ઝોનમાં વર્ગીકૃત કર્યા છે. જાહેર સ્થળે કામ કરતા અથવા મુસાફરી કરતા નાગરિકોને હીટ સ્ટ્રોકનો વધુ ખતરો રહે છે, જેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સારવાર માટે અલગ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
નવસારી એગ્રિકલ્ચરના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજનું નવસારીનું તાપમાન (22 એપ્રિલ):મહત્તમ તાપમાન: 40.2ºC, ન્યૂનતમ તાપમાન: 22.0ºC, સવારે ભેજનું પ્રમાણ 99%, સાંજનો ભેજ પ્રમાણ: 33%, પવનની ગતિ: 3.6 કિમી/કલાક નોંધાવા પામી છે. પવન દિશા: દક્ષિણ-પશ્ચિમ રહી છે