
નવસારી જિલ્લામાં ૯ માં આંતર રાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત ૧૦ દિવસીય યોગ સમર કેમ્પ યોજાયો
- Local News
- May 31, 2023
- No Comment
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગ ગાંધીનગર હસ્તકના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ- ગાંધીનગર દ્વારા ૯ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જે અંતર્ગત નવસારી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા તા:૨૧/૦૫/૨૦૨૩ થી તા: ૩૦/૦૫/૨૦૨૩ સુધીના દસ દિવસ દરમ્યાન યોગ સમર કેમ્પનું આયોજન સર સી.જે.એન.ઝેડ. મદ્રેસા સ્કુલ, નવસારીના સહયોગથી કરવામાં આવ્યુ હતું. યોગ સમર કેમ્પનો હેતુ બાળકોમાં નાનપણથી જ યોગ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય અને બાળકોમાં રહેલી વિવિધ શક્તિઓને ખીલવવાનો પ્રયાસ કરવાનો હતો.
જિલ્લાના ૧૫ જેટલા યોગ ટ્રેનરો દ્વારા આ સમર કેમ્પમાં ભાગ લેનાર બાળકોને યોગની તાલીમ આપી હતી આ યોગ સમર કેમ્પમાં ૦૯ થી ૧૫ વર્ષની વય ધરાવતા ૨૦૦ જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પ્રથમ વખત યોગ શીખનાર બાળકો દ્વારા યોગના વિવિધ આસનોનું નિદર્શન પણ સુંદર રીતે કરવામાં આવ્યું હતું.
સમર કેમ્પના અંતિમ દિવસે બાળકોની પરીક્ષા પણ લેવામાં આવી, આ પરીક્ષામાં ઉતીર્ણ થનાર ૭૫ બાળકોને કીટ આપવામાં આવી હતી અને જુનીયર લેવલનું પ્રમાણપત્ર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આપવામાં આવશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં નવસારી જિલ્લા શિક્ષણાધિકારી રાજેશ્રીબેન ટંડેલ વિશેષ ઉપસ્થિત રહી સમર કેમ્પના તાલીમાર્થી બાળકોનો ઉત્સાહ વધાર્યુ હતું. વેકેશનના સમયમાં મોબાઈલ ને થોડા સમય માટે પણ ભૂલાવીને તમે આ યોગ શીખવાનો પ્રયત્ન કર્યો એ ખૂબ જ પ્રસંશાને પાત્ર છે. સમયનો આવો ઉત્તમ ઉપયોગ કરી જીવનમાં આગળ વધવા માટે જરૂરી ભાથું એવો યોગ શીખવાનો પ્રયાસ આપ સર્વેને જીવનમાં સફળતા અપાવનારો નીવડી શકે છે.
જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરેનભાઈ પટોળીયાએ જીવનમાં પહેલી વાર યોગ શીખવાનો પ્રયાસ કરનાર તમામ તાલીમાર્થી બાળકોને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, “ જેના જીવનમાં યોગ, તેને કદી થાય નહીં રોગ ” આ ઉક્તિ બાળકો સારી રીતે સમજીને તેમના જીવનમાં યોગને અપનાવવાના પ્રયાસને આજીવન કેળવી શકે તે માટે પ્રયત્ન કરવા પ્રોત્સાહિતા કર્યા હતાં. આ પ્રસંગે પ્રાંત યુવા વિકાસ અધિકારી અંજુબેન પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમર કેમ્પનું સંચાલન જીલ્લા યોગ કો ઓર્ડીનેટર ગાયત્રી તલાટી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.