વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી નવસારી જલાલપોર તાલુકાના કનીયેટ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
- Local News
- June 5, 2023
- No Comment
નવસારી જિલ્લાના જલાલોપર તાલુકાના કનીયેટ ગામે જિલ્લાકક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામવિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું કે, કાંઠા વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે ચેરનું જતન ખુબ જ આવશ્યક છે. ચેરના વૃક્ષોના વાવેતર થકી સુનામી ચક્રવાત દરિયાઇ ધોવાણ સામે કાંઠા વિસ્તારને રક્ષણ મળશે. ચેર દુનિયાના સૌથી મહત્વના કાર્બન સીંક પૈકીનું એક છે જેથી ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં અગત્યનું પરિબળ છે.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિએ સમષ્ટિના કલ્યાણ અને સૃષ્ટિના તમામ જીવો, વ્યવસ્થાનો વિચાર કરીને જીવન પધ્ધતિ વિકસાવી છે. આપણી સંસ્કૃતિમાં ધરતીને માતા, નદીને લોકમાતા, દરિયાને દેવ તરીકે પૂજીને વહેવારો-તહેવારોને પર્યાવરણ સાથે જોડીને ઉજવવાની પરંપરાથી બેલેન્સ જળવાયું છે.

મંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસે સૌના સહિયારા સંકલ્પથી ગુજરાતને પ્રદૂષણમુકત હેલ્ધી ગુજરાત બનાવવાનું પ્રેરક આહવાન પણ કર્યુ હતું. પ્લાસ્ટિક પર પ્રતિબંધ માત્ર પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાનો ઉપાય નથી પણ આપણે જાતે જ તેનો ઉપયોગ સમજીને મર્યાદામાં કરવો પડશે.
નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ્લતાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું.કાર્યક્રમ દરમિયાન મંત્રી તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું તેમજ પર્યાવરણ બચાવ ઉપર દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.

આ અવસરે વલસાડ ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક નિશા રાજે શાબ્દિક સ્વાગત કર્યુ હતું અને નાયબ વન સંરક્ષક (સામાજીક વનીકરણ) નવસારી ભાવના દેસાઇએ આભાર દર્શન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી રાજેશ્રી ટંડેલ, સરપંચ અનુપ ટંડેલ સહિતના પદાધિકારી/અધિકારીઓ તેમજ મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાંઠા વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે ચેરનું જતન ખુબ જ આવશ્યક :રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિ