
ન. પ્રા. મિશ્રશાળા નં .2, સરબતિયા તળાવ ,નવસારી ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની રંગેચંગે ઉજવણી
- Local News
- June 13, 2023
- No Comment
આજ રોજ શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત મિશ્રશાળા નં. 2 તથા મિશ્રશાળા નં. 4 ના સંયુક્ત ઉપક્રમે મિશ્રશાળા નં. 2 ખાતે રાજ્યકક્ષાના અધિકારી આર.જી.ગોહિલ,સચિવ (IAS), અર્બન ડેવલોપમેન્ટ એન્ડ હાઉસિંગ ડિપાર્ટમેન્ટ, સચિવાલય, ગાંધીનગરના નેતૃત્વ હેઠળ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ અજયભાઈ દેસાઈ,ઉપાધ્યક્ષ સંકેતભાઈ શાહ, પ્રાંત અધિકારી બોરડસાહેબ, સુધરાઈ સભ્યો,શિક્ષણ સમિતિના સભ્યો ,SMC સભ્યો, આગેવાનો, CRC CO,વાલીગણ ઉપસ્થિત રહયા હતા.
મહેમાનોના આગમન ટાણે, પ્રવેશોત્સવના બેનર હેઠળ, મહી વેચતી ગોપીઓ, બંસરીના સૂર છેડતો કનૈયો, ડમરુ વગાડતા ભોલેનાથની થીમ આધારિત વેશભૂષા સાથે, બ્યૂગલ, ઢોલ,નગારા,ત્રાંસા,કરતાલ,ઘૂઘરા, ખંજરીના નાદે,લેઝિમના તાલે મહેમાનોને ઉમળકાભેર વધાવી આવકાર આપવામાં આવ્યો હતો.દીપપ્રાગટ્ય બાદ મિશ્રશાળા નં. 2 ના સંગીતવૃંદે “બાળ સૌ આવો.. સરસ્વતીદેવીના મંદિરે પધારો”ની ભાવસભર પ્રાર્થના રજૂ કરી હતી. ઉ.શિ. શ્રી પ્રવીણભાઈ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.મહેમાનોને “બુફે નહિ પણ બુકે…પુષ્પ થકી નહીં,પણ પુસ્તક થકી” અભિવાદન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ બંને શાળાના બાલવાટિકા, ધો.1 તથા બાલમંદિર (આંગણવાડી)માં પ્રવેશ પામેલ બાળકોનો શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. મિશ્ર 2 ની ધો.4 ની બાલિકા કુ. હર્ષિતાએ “બેટી બચાવો” તથા મિશ્ર 4 ની બાલિકા કુ. શ્રદ્ધાએ “સ્વચ્છતા” વિષય ઉપર પોતાની ધારદાર વાક્છટાથી વક્તવ્ય રજૂ કરી શ્રોતાઓની વાહ વાહ મેળવી હતી. જેમાં ગૌરવની વાત એ હતી કે રાજ્યકક્ષાના સાહેબશ્રીએ જાતે બાલિકાના વક્તવ્યના વિડીયો મોબાઇલમાં લીધા હતા અને ખૂબ જ પર્ભાવિત થયા હતા.
ધો.3 થી 8 માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ, NMMS, PSE,જ્ઞાનસેતુ પરીક્ષામાં પ્રથમ આવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળામાં સૌથી વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનું મેડલ થકી સન્માન કરવામાં આવ્યું. સાથે વાલીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. દાતાશ્રીઓને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા હતા.સર્વ શિક્ષા અભિયાન હેઠળના બાળશિક્ષણના પુસ્તકોનું મંચસ્થ મહાનુભવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. મે.અધ્યક્ષશ્રીએ પ્રસંગોચિત વક્તવ્ય રજૂ કરી આશીર્વચનો પાઠવ્યા હતા. અંતે મિશ્રશાળા નં. 4 ના મુ.શિ.શ્રી દિવ્યેશભાઈ પટેલે આભારવિધિ આટોપી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિશ્ર-2 ના શિક્ષિકા ઉષાબેન સોલંકીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીની કુ. જીન્નત બુખારી તથા મિશ્ર-4 ની વિદ્યાર્થીનીએ કર્યું હતું.કાર્યક્રમ બાદ SMC મીટીંગ યોજવામાં આવી હતી.
જેમાં વિવિધ મુદ્દાઓ જેવા કે હાજરી, વાલીમીટિંગ, બાળ-સંસદ, બાળ-અદાલત, ઈકોકલબ જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. અંતે વૃક્ષારોપણ દરમિયાન “ગુલાબી જાંબુ” છોડ વિશે સાહેબે માહિતી મેળવી વૃક્ષારોપણના શણગારથી ખૂબ પ્રભાવિત થયા હતા. આમ, બંને શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પ્રવેશોત્સવ કાર્યક્રમ ખૂબ જ ઉલ્લાસ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.