મંદિર ગામ પાસે ગરનાળામાં કાર ડૂબી ચાર લોકોને બચાવાયા
- Local News
- June 30, 2023
- No Comment
ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જે પૈકી મંદિર ગામ પાસેનું ગરનાળું પણ પાણીથી ભરાઈ ગયું છે. જેમાં વહેલી સવારે એક કાર ડૂબી ગઈ હતી.જેમાં ફસાયેલા 4 જણનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.
નવસારી જિલ્લામાં અતિ ભારે વરસાદને પગલે તમામ લોકમાતા નદી ગાડીતુર બની છે ત્યારે નવસારી જિલ્લા સહિત તાલુકામાં ધોધમાર વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે વહેલી સવારે મંદિર ખાતે એક ગરનાળામાં ભરાયેલા પાણીમાં એક કાર ડૂબવાની ઘટના પણ સામે આવી હતી. કારમાં સવાર તમામ લોકોને ફાયર બ્રિગેડ ધ્વારા બચાવકાર્ય હાથધરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ભારે વરસાદના કારણે નવસારી શહેરની નજીક આવેલ મંદિર ગામ પાસે આવેલા ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું.ત્યારે એક કાર આ ગરનાળામાં ડૂબી ગઈ હતી. જેને લઈને સવારે નવસારી વિજલપુર નગરપાલિકાની ફાયર વિભાગને આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. જેથી ઈમરજન્સી કોલ મળતાની સાથે જ નવસારી વિજલપુર નગરપાલિકાના ફાયર વિભાગના ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ગરનાળા પાસે પહોંચી ગયા હતા અને તમામ ચાર લોકોનું બચાવકાર્ય શરૂ કર્યું હતું.
ફાયર વિભાગે ભારે જહેમત બાદ પાણીમાં ડૂબેલી કારમાં રહેલી બે મહિલા અને બે વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. આ દિલધડક બચાવકાર્ય બાદ મહિલાઓ અને વિદ્યાર્થીઓએ ફાયર વિભાગની ટીમનો આભાર માન્યો હતો. આમ,નવસારી વિજલપુર નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો હરહંમેશ કોઈપણ કુદરતી આપત્તિઓ સેવા બજાવવા તૈયાર રહે છે.