નવસારીમાં 100 વર્ષ થી “ઢીંગલા બાપા” ની પૂજા : રોગચાળાની મહામારી થી બચવા આ પરંપરા આજે પણ અકબંધ
- Local News
- July 17, 2023
- No Comment
દિવાસો ત્યોહાર મૂખ્યતવે પ્રકૃતિના સંગાથે રહેનારા આદિવાસી સમાજ માટે મહત્વપૂર્ણ ઉત્સવ છે, તેમાં વિશેષ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ માટે અનેરૂ આકર્ષણ અને અનન્ય મહત્વ ધરાવે છે.
દક્ષિણ ગુજરાતમાં પણ આદિવાસી સમાજની અંદર હળપતિ સમાજ માટે અતિ મહત્વનો ત્યોહાર છે.હળપતિઓ સમગ્ર ગુજરાતમાં વસતા સમસ્ત આદિવાસી સમાજની જાતિઓ પૈકી ભીલ સમાજ પછી સૌથી મોટો સમાજ છે. ગુજરાત રાજ્યમાં હળપતિ સમાજ બીજા નંબરનો સૌથી મોટો આદિવાસી સમાજ છે. મુખ્યત્વે આ સમાજની વસ્તી અંબાજી થી ઉમરગામ વિસ્તાર એટલે કે ગુજરાત રાજ્યની પૂર્વપટ્ટી ના મેદાની પ્રદેશમાં તેમજ દરીયાકાંઠાની નજીકના ફળદ્રુપ જમીન ધરાવતા વિસ્તારમાં વસવાટ કરે છે.હળપતિ સમાજની વસ્તીનું પ્રમાણ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ છે. સુરત,નવસારી,વલસાડ,તાપી,ભરૂચ, નર્મદા,વડોદરામાં વસ્તીનું પ્રમાણ નોંધપાત્ર છે.
ગુજરાત રાજ્યના પૂર્વપટ્ટીમાં જંગલ વિસ્તાર નજીકના ગામોમાં જુજ માત્રામાં છુટી છવાઈ વસ્તી નું પ્રમાણ છે. પરંતુ સુરત, બારડોલી, નવસારી,વલસાડ,કિલ્લા-પારડી,વાપી,ઉમરગામમાં વસ્તીનું પ્રમાણ વધું છે.અમુક ગામો તો સંપૂર્ણ હળપતિ સમાજની વસ્તી ધરાવતા ગામો છે. આ મૂજબ ગુજરાત રાજ્યની વસ્તી અને વિસ્તાર ને પ્રભાવિત કરતો હળપતિ સમાજનો ત્યોહાર દિવાસો જેને સ્થાનિક લોકબોલીમાં હળપતિઓ દિવાહો પણ કહે છે.
સમગ્ર ગુજરાત રાજ્યના આદિવાસી સમાજને પ્રભાવિત કરતો દિવાસો ફકત ગુજરાત રાજ્યમાં નહીં પણ મહારાષ્ટ્ર રાજ્યમાં વસતા હળપતિઓ પણ ખૂબ ધામધૂમથી ઉજવણી કરે છે.
રાજસ્થાન,મહારાષ્ટ્ર, સંધ પ્રદેશ દમણ-દીવ-દાદરા નગર હવેલી,ગોવા, કર્ણાટક જેવા પ્રદેશોમાં હળપતિ સમાજનો વસવાટ છે. અને વિશેષ તો આઝાદી પહેલાંથી અંખડ ભારતના અને હાલ પાકિસ્તાનના સિંધ રાજ્યમાં પણ હળપતિ સમાજ વસવાટ કરે છે. અથવા કરતો હતો, પરંતુ સચોટ અને સાચી માહિતી ના સ્ત્રોત આપણી પાસે ઉપલબ્ધ નથી, પણ રોટીબેટી નો વ્યવહાર સંધપ્રદેશ દમણ-દીવ-દાદરા નગર હવેલી, મહારાષ્ટ્રના હળપતિઓ સાથે વધુ પ્રમાણમાં છે. આથી દિવાસો અહીં પણ પરંપરાગત રીતે ઉજવાય છે, મહારાષ્ટ્રમાં હળપતિઓ મુખ્યત્વે દુ_ળા તરીકે ઓળખાય છે. તેવી રીતે દક્ષિણ ગુજરાતમાં હળપતિ સમાજના લોકો હળપતિ,તળાવિયા અથવા તલાવિયા, રાઠોડ તરીકે ઓળખ ધરાવે છે. સુરત શહેર તેમજ જીલ્લામાં હળપતિઓ રાઠોડ અટક વધુ પ્રચલિત છે.
હળપતિ સમાજ મેદાની પ્રદેશ તેમજ દરીયા કિનારાના નજીકના પ્રદેશમાં મૂખ્યતવે વસતો હોય, આવા પ્રદેશ નજીક શહેરીકરણનું પ્રમાણ વધુ પડતું હોવાના કારણે હળપતિ સમાજ ઉપર શહેરીકરણનો પ્રભાવ સવિશેષ છે. પણ હળપતિ સમાજનો આ વિશેષ ત્યોહાર શહેરના લોકોને પણ પ્રભાવિત કરે છે. શહેરની અન્ય જ્ઞાતિઓ પણ આદીવાસી હળપતિ સમાજની જેમજ આ ત્યોહાર ને રંગેચંગે ઉજવે છે.

દક્ષિણ ગુજરાતની કહેવત પ્રમાણે બાર ગામે બોલી બદલાય તેમ દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વસતા હળપતિ સમાજમાં પણ ત્યોહાર ઉજવવાની પધ્ધતિ મહદઅંશે બદલાય છે.
દા.ત. દક્ષિણ ગુજરાતના કિલ્લા-પારડી, ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તારોમાં હળપતિઓ દિવાસા નિમિત્તે નારીયેળ દ્વારા ટપ્પા દાવ રમત તાલૂકાના મુખ્ય મથક અથવા મુખ્ય નગરના પરંપરાગત બજારમાં જઈ રમે છે. આ રમતમાં એક ખેલાડી પોતાના હાથમાં નાળિયેર પકડી ઉભો રહે છે, અને બીજો ખેલાડી સામાપક્ષે હાથમાં નારીયેળ લઈને ઊભેલા ખેલાડીના નાળિયેર પર પોતાના હાથમાં પકડેલ નાળિયેરથી કલાત્મક રીતે ઘા કરે છે, પણ ખાસ કાળજી રાખે છે કે હાથમાં નાળિયેર પકડીને ઉભેલા ખેલાડીના હાથમાં ઈજા નહીં થાય, આ રમતમાં જેનું નારીયેળ ફૂટે તેની હાર થાય અને તે ફૂટેલુ નાળિયેર જીતનાર ને આપી દેવાનું, અને બીજી વખત જે ઘા કરનાર ખેલાડી હોય તે હાથમાં નાળિયેર પકડી ઉભો રહે, આ રીતે દિવાસા નિમિત્તે ખેલાડીઓ રમતનો આનંદ માણે છે, પણ ત્યાં ઉભેલા પ્રેક્ષકો ફૂટેલા નાળિયેરનું પાણી પીને મઝા માણે છે, અને આમ કરતાં જીતેલા ખેલાડી પાસે ઘણા ફૂટેલા નારીયેળ ભેગા થાય છે, તે નાળિયેર ત્યાં ઉભેલા પ્રેક્ષકો નજીવા ભાવે ખરીદી કરીને દિવાસાના દિવસે નારીયેળ ના કોપરામાંથી કોપરાપાક ની મીઠાઈ અથવા અન્ય મીઠી વાનગીમાં ઉપયોગ કરી પોતાના પરિવાર સાથે મઝા માણે છે, ઘણી વખત ઘણા જીતેલા ખેલાડીઓ ત્યોહારની ખૂશીમાં ફૂટેલા નાળિયેર પોતાના મિત્રો, સ્નેહીઓ ને મિઠાઈ બનાવવા ભેટ પણ આપે છે, અને વિશેષ તો આ રમત રમાડવા ત્યાંના સ્થાનિક નારીયેળ વેચતા વ્યાપારી ભાઈઓ પણ હોશે હોશે નાળિયેર દ્વારા રમાતી ટપ્પા દાવની રમત માટે ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે, આ રમતનો આનંદ અમો બાળપણમાં એકદમ ઉત્સાહ થી માણતા તેમજ આ રમતનું આકર્ષણ અમારા હળપતિ સમાજ ના યુવાધન માટે આકર્ષક નું કેન્દ્ર પણ ખરૂં.આવી તો અનેક વિવિધતા અને હર્ષોલ્લાસ આ ત્યોહાર માં છે.
આ હર્ષોલ્લાસના ત્યોહારમાં પણ હળપતિ આદિવાસીઓ પોતાના મૃતક પિતૃઓને દિવાસા દિવસે યાદ કરે છે. તેમજ હળપતિઓની નવવિવાહિત કન્યાઓ માટે પ્રથમ દિવાસો વધુ આનંદદાયક હોય છે.કારણકે આ દિવસે નવવિવાહિત કન્યાઓ પોતાના શ્વસુર ગૃહથી એટલે કે સાસરે થી પોતાના માતા-પિતા ને ત્યાં પિયર આવે છે. તેમાં પિયરથી નવવિવાહિત કન્યા ને લેવા માટે કોઈ અંગત સ્વજન લેવા જાય છે.આ સાસરે થી પીયર આવવાના પ્રસંગ ને તેડા અથવા આનું કર્યું એમ પણ સ્થાનિક લોકબોલીમાં કહેવામાં આવે છે.
આથી આ દિવાસો આદિવાસી હળપતિ સમાજ માટે દિવાળી જેવું મહત્વ ધરાવે છે, કારણકે હળપતિ આદિવાસી સમાજ ખેતી કામ સાથે સંકળાયેલો સમાજ છે.આ સમાજ જમીન વિહોણો છે.. આદિવાસી સમાજમાં સૌથી પછાત,ગરીબ સમાજ હોવા છંતા પણ પોતાની જીંદાદિલી થી જીવતો અને હમેશા પોતાની મસ્તીમાં અલ્લડ રીતે જીવતો સમાજ છે.મજૂરી કરી ગુજરાન કરતો સમાજ છે.તેઓ મોટા ખેડૂતોને ત્યાં મજુરી કરે છે.ચોમાસા પહેલા ખેતીને લગતી બધી તૈયારી કરી ચોમાસુ પ્રારંભ થતાં ખેતરમાં પાક ઉત્પાદન ને લગતું કામ (રોપણી) પૂર્ણ કરી દિવાસા ના દિવસે પોતાની સખ્ત કાળી મજૂરી નો થાક ઉતારવાની સાથે હર્ષોલ્લાસ ઉપરાંત આનંદ પ્રમોદ કરવા પોતાના નજીકના તાલુકા મથક અથવા મુખ્ય નગરમાં આયોજિત થતાં દિવાસાના મેળામાં ભાગ લે છે.આ મેળામાં આનંદ પ્રાપ્ત કરવા ની સાથે તેઓ ચોમાસા દરમ્યાન જોઈતી જીવનજરૂરી ચીજવસ્તુઓ ની ખરીદી પણ આ મેળામાં થી કરે છે..આથી દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજમાં આ ત્યોહાર દિવાળી જેવું મહત્વ ધરાવે છે.

આ ત્યોહાર નવસારી પંથકમાં પણ અનેરૂ આકર્ષણ ઉભું કરે છે. તેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નવસારીના દાંડીવાડ વિસ્તારમાં એક માનવકદ નો પરંપરાગત ઢીંગલા બાપાનું નિર્માણ કરવામાં આવે છે.આ ઢીંગલા બાપા ને અસલ જીવંત તેજસ્વી પુરુષ વરરાજા જેવુ રૂપરંગ ધારણ કરાવવામાં આવે છે.
ઢીંગલા બાપાને અસલ જીવંત વરરાજા જેવું શણગાર સાથે તૈયાર કર્યા બાદ સમગ્ર હળપતિ સમાજ દ્વારા સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવે છે. ત્યારબાદ દિવાસા ના દિવસે સમગ્ર નવસારી નગરમાં વિશાળ વરઘોડો કાઢવામાં આવે છે.અંતે આ વરઘોડો નવસારી ની લોકમાતા પૂર્ણા નદીના પટમાં આવે છે. અને ત્યાં આ ઢીંગલા બાપા ને વિસર્જન કરવામાં આવે છે.આ ઢીંગલા બાપા નો પ્રસંગ ૧૦૦ વર્ષ થી પણ વધુ વર્ષોથી નવસારી શહેરમાં ઉજવવામાં આવે છે..
નવસારી શહેરમાં આ ઉત્સવ ઉજવવા પાછળનું મુખ્ય કારણ વર્ષો પૂર્વે ભંયકર રોગચાળો સમગ્ર પંથકમાં ફાટી નીકળ્યો હતો. ત્યારે અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા હતા.એક વ્યક્તિ ની અંતિમ સંસ્કાર કરીને સ્વજનો નિવૃત્ત થાય એટલે બીજી મૃત્યુ પામેલ વ્યક્તિની અંતિમ સંસ્કાર માટે સજ્જ થવું પડતું હતું.. પરિસ્થિતિ ઘણી વિકટ અને દુઃખદાયક હતી.ત્યારે નવસારી ના દાંડીવાડ વિસ્તાર માં શેરડી ના રસ માંથી સરકો બનાવવામાં પ્રખ્યાત પારસી સદગૃહસ્થ કોલાહ પરિવાર ના લોકો દ્વારા તેમણે ત્યાં મજૂરી કામ કરતા હળપતિ આદિવાસી પરિવાર ના મોભી ને કહેવામાં આવ્યું કે તમારા આદિવાસી રાઠોડ-હળપતિ દ્વારા દિવાસો નિમિત્તે કુંવારી કન્યાઓ ઢીંગલા-ઢીંગલી બનાવી તમારી પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરાગત રીતરસમ મૂજબ નદીમાં અથવા વહેતા પાણીમાં દિવાસા નિમિત્તે પોતાના મનોવાંચ્છિત ફળ અથવા પતિ પ્રાપ્ત કરવા માટે જે વિધિ કરવામાં આવે છે.તે વિધિ જો સામુહિક રીતે ઉજવી આ ભંયકર રોગચાળો માંથી મૂકત થવાની બાધા (મન્નત અથવા માણતા) આ ઢીંગલા બાપાની સ્થાપના કરી કરવામાં આવે તો.આપણે કદાચ આ ભંયકર રોગચાળો ની સમસ્યા માંથી મૂકત થઈએ.ત્યારથી નવસારી શહેરના દાંડીવાડ વિસ્તારમાં આ ઉત્સવ ઉજવવાની શરૂઆત થઈ.

આજે પણ આ દિવાસો નિમિત્તે આ ત્યોહાર નવસારી તેમજ આજુબાજુના પંથકમાં ૧૦૦ થી વધૂ વર્ષોથી આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે.
દિવાસો ઉત્સવનાં મૂળમાં ભારતની પ્રાચીન આદિવાસી સમૂદાય પૈકી ઓળખાતો જનજાતિ સમૂહ જેમણે આજે વર્તમાન પરિસ્થિતિમાં દુ_ળા, હળપતિ,તળાવિયા/તલાવિયા,રાઠોડ તરીકે લોકો ઓળખે છે.એવો વર્તમાન સમયમાં આજનો હળપતિ સમાજ છે. આ હળપતિ સમાજ દક્ષિણ ભારતની ના મૂળ વાસી એવી પ્રાચીન પ્રજા રાષ્ટ્રકૂટ સામ્રાજ્ય સાથે સીધો સંબંધ છે.તેમણી ઓળખ જાળવવાનો સીધો પ્રયાસ છે.
આથી આદિવાસી હળપતિ પરિવારો આજે પણ પોતાની પરંપરા જાળવણી કરી, પોતાની ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રાચીન મુળ વાસી પરંપરાનું વહન જાણે-અણજાણે પણ વડીલોનું અનુસરણ કરી ઉજવે છે.
હળપતિ આદિવાસી જનજાતિ ભવ્ય ભૂતકાળ ધરાવે છે.આ બાબતનો ખ્યાલ તેમણી ખાનપાન, તેમણી જીવનશૈલી પર આજે પણ વર્તાય છે.હળપતિ સમાજના રિવાજો, હળપતિ સમાજના લગ્ન જેવા શુભ પ્રસંગે ગવાતા લોકગીતો એના અનેરા ઉદાહરણો આ સમાજના ભવ્ય ભૂતકાળની સાક્ષી પુરે છે.હળપતિ સમાજના પોતાના વાજીંત્ર છે.તેને લાકડીયા ઢોલ અથવા દુ_ળીયા ઢોલ કહેવામાં આવે છે.આ ઢોલ વગાડનારી મંડળીમાં ત્રણ અથવા પાંચ જેટલા વાજીંત્ર વગાડનારાની મંડળી હોય છે.કોઇ મંડળીમાં પરંપરાગત ઢોલ વગાડનારા બે ઢોલી, બે શરણાઈ વાદક,અને એક નાનું નગારૂ વગાડનાર હોય છે.તો કોઈ મંડળી માં ઢોલ, નાનું નગારૂ, શરણાઈ વગાડનાર ફકત એક એક કલાકાર હોય છે..આ વાજીંત્ર સાથે હળપતિઓ પોતાના પરંપરાગત નૃત્ય કરે છે.. તેવા નૃત્યના પ્રકારને ચાળો કહે છે.
નૃત્ય ના પ્રકાર ચાળો એટલે નૃત્ય કરનાર વ્યક્તિ અથવા તે વ્યક્તિ નો બનેલો સમુહ અથવા મંડળી ના સદસ્ય પ્રાણી, પક્ષી, સરીસૃપના ચાલધાલ અથવા અદલ તેમણા જેવી નકલ કરી નૃત્ય કરવું છે. તેને ચાળો કહેવામાં આવે છે. આ નૃત્ય હળપતિ ઓ વિશિષ્ટ ઉર્જા સાથે આવા ચાળો કરી નૃત્ય કરતા હોય છે..આવા નૃત્ય ભલભલા લોકોના પગ માં નૃત્ય પ્રત્યે આકર્ષણ ઉભું કરી નૃત્ય કરવા મજબૂર કરે છે.. તેવા ઘણા ચારો ના પ્રકાર પૈકી મરઘી ચાળો જેવા ઘણા પ્રકારના ચાળો (નૃત્ય નો પ્રકાર) હળપતિ સમાજમાં વારસાગત રીતે પ્રચલિત છે.
આ સિવાય હળપતિ આદિવાસીઓનું રણકૌશલ્ય ને સાબિત કરતું, તેમજ યૌધ્ધા-રણબાંકુરા તરીકે પ્રસ્થાપિત કરતું, રણભૂમિમાં દુશ્મનો ને હરાવવા માટે વપરાતા જુદા જુદા વ્યુહો ને દર્શાવતું, જુસ્સો તેમજ શૌર્ય દર્શાવતું, ધરા (જમીન) માં કંપન કરાવતું, પૂર્વજો ને યાદ કરી કરૂણા ઉત્પન્ન કરાવતું, પોતાની કુળદેવી ને સમર્પિત કરી તેમણા પ્રત્યે આદર શ્રધ્ધા ઉત્પન્ન કરતું, એવું શૌર્ય નૃત્ય એટલે હળપતિ સમાજ નું ગૌરવ સમાન ધૈરેયા નૃત્ય, હળપતિ સમાજના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે, આ નૃત્યનું અસ્તિત્વ આજે પણ દક્ષિણ ગુજરાતના અલગ અલગ પંથકમાં આંશિક પરિવર્તન સાથે દક્ષિણ ગુજરાતની જીવનશૈલી માં ઓતપ્રોત થઈ ગયેલુ છે..
આજે આ નૃત્ય દક્ષિણ ગુજરાતની અન્ય આદિવાસી તેમજ અન્ય જ્ઞાતિઓમાં પણ શ્રધ્ધા તેમજ ભક્તિના પ્રકાર તરીકે સ્વીકારીને તેઓ પણ આ નૃત્યનું જતન કરી રહ્યા છે..અને આ નૃત્યને પોતાનું ગણાવી રહ્યા છે.આ વાત હળપતિ સમાજની ભૂતકાળ ની ભવ્યતાના દર્શન જ કરાવે છે.
પરંતુ એક વાતનો હળપતિ સમાજને ખેદ રહશે કે હળપતિ સમાજ ની પરંપરાગત લોકબોલી એટલેકે ભાષા આજે લુપ્ત થઈ ગઈ છે.. જે દુ__ળી બોલી તરીકે ઓળખાતી હતી.. એના થોડા વત્તા ઓછા અંશે શબ્દો દક્ષિણ ગુજરાતની સ્થાનિક ગ્રામ્યબોલીમાં હજું જીવંત છે, આશા રાખીએ કે આ લુપ્ત થયેલી બોલી ને પુનઃ ઉજાગર કરવા માટે આદિવાસી શંસોધન કેન્દ્ર-ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ. અથવા કોઈ મહાવિદ્યાલય/શંસોધન સંસ્થા હળપતિ સમાજની બોલી પર શંસોધન કરી.. સમગ્ર આદિવાસી સમાજ નો મહત્વનો અંગ હળપતિ સમુદાય વિશે તેમજ આવનારી ભારત દેશની નવી પેઢી માટે મહત્વનું યોગદાન આપશે.
કારણકે વર્તમાનમાં હળપતિ સમાજની પરિસ્થિતિ અંત્યત ગંભીર છે.અત્યારે હળપતિ સમાજની અધોગતિ જોઈને ચોક્કસ અણસમજુ લોકો હળપતિ સમાજ વિશે ગુજરાત સરકાર દ્વારા નિષેધ કરવામાં આવેલો દુ..ળા શબ્દ પ્રયોગ કરી અપમાન કરે છે..એ દુ..ળા શબ્દ પ્રયોગ કરી હિન માનસિકતાનું પ્રદર્શન કરતા ચોક્કસ લોકોનું ડબલ સ્ટાન્ડર્ડ નો કડવો અનુભવ દરેક હળપતિ સમાજના નાગરિકને જીવનમાં અનુભવ થયો જ હશે. પણ આવા ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતા લોકોને તેમણા ખેતરોમાં મજુરી માટે હળપતિ સમાજના લોકોનીજ જરૂર છે. તેમણા વિશાળ ભવનો માં સેવા હળપતિ સમાજના લોકો પાસે જ કરાવવી છે..તેમણા જીવનમાં આનંદ પ્રાપ્ત કરવા માટે હળપતિઓ જેવીજ જીવનશૈલી અપનાવવી છે..ઉત્સવો અને ત્યોહાર પણ હળપતિઓના ઉજવવા છે.. વાજીંત્ર અને નૃત્યો નો આનંદ પણ હળપતિ સમાજમાંથી પ્રાપ્ત કરવો છે..અને અપશબ્દો પણ હળપતિ સમાજને જ કહેવા છે.. દા.ત. આ દિવાસો આજે બધી જ્ઞાતિઓ ઉજવતી થઈ ગઈ છે.
પણ ઉપર જણાવ્યા મુજબના ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતા લોકો કહે છે,દિવાહો તો દુ_ળા નો.તો આવા ડબલ સ્ટાન્ડર્ડ લોકોને મારે કહેવું છે..હાં દિવાહો ફકત ને ફકત હળપતિ સમાજનો છે..પણ તમે ઉજવણી કરો તેમાં અમણે વાંધો નથી.કારણકે આ દિવાસો અમારી હર્ષોલ્લાસ તેમજ સિમિત સંશાધનો વચ્ચે પણ જીવન ને મહોત્સવ સમજી જીવી જવાની કળા છે…અને આ મહોત્સવમાં તમે પણ ભાગ લેવો ને જીવન ને જીવી જાનો, આવી જીવન જીવવાની કળાનું રહસ્ય તમણે કોઈ રૂપિયા ખર્ચીને રોકેલો સલાહકાર અથવા કોઈ જ્ઞાનિ નહીં આપશે.આતો અલ્લડ-મસ્તીથી જીવન જીવતો હળપતિ જ આપશે.
આવી હળપતિ જનજાતિ ઘણી દારુણ પરિસ્થિતિમાં જીવન જીવે છે.ગરીબી, અજ્ઞાનતા, શિક્ષણનો અભાવ, જમીન વિહોણો, અને વિશેષ તો શોષણનો શિકાર થયેલો સમાજ છે.. પણ વારસાગત ભવ્યતા ના લક્ષણો પેઢી દર પેઢી તેમણામાં આવવાથી અમારો હળપતિ સમાજ આવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાનું અસ્તિત્વ આઝાદી પછીની આઝાદ પ્રજાની ત્યાં ગુલામ બનીને જેને હાળી પ્રથા કહેવામાં આવે છે.જેમાં માલિકને ધણીયામા અને ગુલામને હાળી કહેવામાં આવતા તેવી કાળી-સખત મજૂરી કરીને વિષમ પરિસ્થિતિમાં પણ જીવન ટકાવી રાખ્યું હતું..હાળી પ્રથામાં હળપતિ પરિવાર જંયા મજુરી કરતો હોય ત્યાં ચોક્કસ મજુરી નકકી કરી અથવા પોતાના પરિવાર માટે અથવા અણધાર્યા સંજોગોમાં આવેલી મુસીબત સમયે અથવા સામાજિક સારા-માઠા પ્રસંગે રૂપિયા કાંતો અનાજ/વસ્તુ સ્વરૂપે દેવુ કરે અને જંયા સુધી દેવુ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તે જમીનદાર/ખેડુત ને ત્યાં તેના પરિવાર સહિત મજૂરી કરવાનું નક્કી કરવાની પ્રથા એટલે હાળી પ્રથા પણ કમનસીબે કોઈનું દેવુ ભાગ્યેજ ઉતરતું અને આખી જીંદગી અથવા તેમણી આખી પેઢી જેતે ધનિયામા ને ત્યાં ચાકરી(સેવા) અથવા મજુરી કરવામા વ્યતિત થઈ જતી.. આવી વિપરીત સ્થિતિમાં પણ પોતાનું જીવન/અસ્તિત્વ ટકાવી રાખી આજે અડીખમ ઉભો છે. તે હળપતિ સમાજ છે..આ ખમીર હળપતિ સમાજ ને પ્રાચીન સમયથી વારસાગત લક્ષણો સ્વરૂપે પ્રાપ્ત થયું છે.
હળપતિ સમાજનું પતનના મુખ્ય કારણ પ્રાચીન સમયથી ઘણા બધા રહ્યા છે.તેના ઉદાહરણ વડીલોના મૂખે વાર્તા રૂપે સાંભળ્યા છે.એના લેખિત પુરાવા ઉપલબ્ધ નથી.પણ આઝાદી પછી આ સમાજનું મૂખ્ય પતન થવાનું કારણ વ્યસન, અને શિક્ષણ માં પછાત રહેવાની અજ્ઞાનતા છે.અને આ મુખ્ય કારણ ના લીધેજ આ સમાજ આટલી વિપૂલ પ્રમાણમાં વસ્તી હોવા છતાં સંગઠનના અભાવ હોવાને કારણે આઝાદી ના મીઠાં ફળ ચાખી શકયા નહીં. પણ આજે આ સમાજ સંગઠીત થઈ રહ્યો છે..અને ઘણા સામાજિક પરિવર્તન થઈ રહ્યા છે.આજે હળપતિ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી છે.હળપતિ સમાજમાં ડોક્ટર, એન્જીનીયર, પ્રોફેસર, શિક્ષક, ટેકનીશ્યન, પ્રોફેશનલ, બિઝનેસમેન, કલાકારો, નાના-મોટા ઉધોગો સાહસિક તેમજ ઉધોગોમાં કામ કરતો મશીનો ચલાવતા ઓપરેટરો /વર્કર અને પોતાની મધ્યમ અથવા નાની ખેતીમાં વ્યવસ્થિત ખેતી કરતા ખેડૂતો તરીકે આજે કાર્યરત થયા છે.તેના મૂળમાં શિક્ષણ છે.
આજે હળપતિ અન્યાય શોષણ સામે અવાજ ઉઠાવતો થયો છે. તેના મૂળમાં સંગઠન છે.શિક્ષણ, સંગઠન દ્વારા હળપતિ સમાજ આજે શક્તિ પ્રાપ્ત કરવા તરફ ધીમી પણ મકકમ પ્રગતિ કરી રહ્યો છે.
આજે હળપતિ સમાજ પોતાના પરંપરાગત મુલ્યો, ઓળખ, વારસો, જીવનશૈલી પરત્વે જાગૃત થઈ રહ્યો છે, આથી આજે આ હળપતિ સમાજની દિવાળી સમાન દિવાસો મહોત્સવ ની મહીમા સાથે થોડુ આંશિક રીતે હળપતિ સમાજના ભૂત, ભવિષ્ય, વર્તમાન પર પ્રકાશ પાડવાનો નિર્દોષ પ્રયત્ન કર્યો છે, આથી વાકયપ્રયોગ અથવા નિષેધ શબ્દપ્રયોગ કરવો પડયો હતો, તે બદલ ક્ષમાપ્રાર્થી છું.
આજે હળપતિ સમાજનો મહોત્સવ દિવાસો નિમિત્તે સમગ્ર ગુજરાત રાજયની પ્રજા તેમજ સમસ્ત આદિવાસી સમાજને ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે અંભિનદન..
લિ.કપિલકુમાર કાંતિભાઈ હળપતિ,
કિલ્લા-પારડી, (જી.વલસાડ)
+91 98257 1434
નોંધ: ઉપરોકત લખાણ કપિલ કે.હળપતિ તેમના વિચારો પ્રગટ કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં આ બાબતે કાયદાકીય કાર્યવાહી થાય સંપૂર્ણ જવાબદારીઓ તેઓની રહેશે. સર્વકાલીન ન્યૂઝ ધ્વારા તેમના લખાણને માત્ર વાંચા આપવાનો પ્રયાસ કર્યો છે.