કલાત્મક પ્રવેશદ્વારો ભવ્ય બાંધણી અને વિશાળ સંકુલ ધરાવતું એટલે બિલીમોરાનું સોમનાથ મહાદેવ મંદિર
- Travel
- August 19, 2023
- No Comment
પવિત્ર શ્રાવણ માસ એટલે દેવાધિદેવ મહાદેવના સ્મરણનો-પૂજનનો માસ. ધર્મ અને ઉત્સવના સંગમનો માસ. આ માસ દરમિયાન શિવાલયોનું વાતાવરણ તો અલૌકિક બની જાય છે. શ્રાવણ માસમાં અહીં દૂર દૂરના ભકતો મોટી સંખ્યામાં આવી દર્શનનો લાભ લે છે. તેમજ મેળાઓનું પણ આયોજન થાય છે.શ્રાવણ માસ, સોમવારી અમાસ અને શિવરાત્રિએ ભકતોની ભારે ભીડ જામે છે. તે સ્થળ એટલે દક્ષિણ ગુજરાતનું સોમનાથ મંદિર છે.
દક્ષિણ ગુજરાતના શિવાલયોમાં બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર વિશિષ્ટ અને પ્રભાવક છે. આ ભવ્ય શિવાલય ૧૦૮ ફૂટ ઊંચુ શિખર અને કલા કારીગરીના સુંદર નમૂનારૂપ બાંધકામ ધરાવે છે. બિલીમોરાના સોમનાથ રોડ તરીકે ઓળખાતા રસ્તાના નાકા પર મંદિર સંકુલમાં દાખલ થવા માટેનું ભવ્ય અને કલાત્મક પ્રવેશદ્વાર છે. આ પ્રવેશદ્વાર પાર કર્યા પછી વિશાળ ચોગાન આવે અને ત્યારપછી મંદિર પ્રવેશ માટેનું મુખ્ય- દ્વાર ઉત્તરદ્વાર. આ દ્વાર ૨૦ ફૂટ ઊંચું અને આકર્ષક છે. આ દ્વારની ઉત્તરે બગીચો, ફુવારો અને બાલ ક્રિડાંગણ છે. આ ઉત્તર દ્વાર જેવું જ દક્ષિણ દ્વાર પણ છે. આ બંને જોડિયા દ્વારો મંદિરને આગવી શોભા આપે છે.

શિવાલયમાં પ્રવેશતા વિશાળ રંગમંડપમાં પહોંચાય છે. ભવ્ય ઘુમટ નીચેનું આ સ્થાન શાંત અને સૌમ્ય લાગે છે. ગોલખની સામે ગર્ભગૃહમાં સોમનાથ દાદાનું સ્વયંભૂ શિવલીંગ તેના અસલ સ્થાને આજે પણ બિરાજમાન છે. ગર્ભગૃહના પ્રવેશદ્વાર શુધ્ધ ચાંદીના કલાકારીયુકત પતરાથી મઢવામાં આવ્યાં છે. બહારના બે સુંદર ગોખમાં ગણેશજી અને હનુમાનજી બિરાજમાન છે.
શિવાલયનું પટાંગણ પણ વિશાળ અને ભર્યુંભર્યુ છે. મંદિરના ઉત્તુંગ શિખર ઉપર પાંચ ફૂટ વ્યાસનો તામ્રકળશ શુધ્ધ સુવર્ણના ઢોળ ચડાવી પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે અને તેની નીચે પ્રાંગણમાં અનેક વિશિષ્ટ રચનાઓ મંદિરને શોભાયમાન કરી રહી છે. ઇશાન ખૂણામાં હનુમાનજીનું નવું મંદિર છે. ભારતીય વૈદિક સંસ્કૃતિ યજ્ઞસંસ્કૃતિ તરીકે સુપ્રસિધ્ધ છે.અહિં કલામય છત્ર ધરાવતી યજ્ઞશાળા છે.

શિવજીને પ્રિય એવા શિવ-પાર્વતી તરીકે અળખાતાં વૃક્ષો, બિલીવૃક્ષ અને રૂદ્રાક્ષના વૃક્ષો ધરાવતો એક ઔષધ બાગ પણ અહીં ઉછેરવામાં આવ્યો છે. જેમાં આયુર્વેદિક ઔષધો તરીકે ઉપયોગમાં આવે તેવી વનસ્પતિઓ તથા કૃષ્ણને પ્રિય એવું કદંમ્બનું વૃક્ષ પણ છે. આ ઉપરાંત મંદિરની ઉત્તરે ખૂલ્લી જગામાં નાનકડો બાગ રચવામાં આવ્યો છે. જે શાંત અને સુંદર વિશ્રામ સ્થાનની ગરજ સારે છે. આ સાથે બાળ ક્રિડાંગણ પણ બનાવવામાં આવ્યું છે. મંદિરને ઇશાન ખૂણે નિર્માણ પામેલા ભવનમાં કાર્યાલય ઉપરાંત નાનુભાઇ પટેલ ગ્રંથાલય આવેલું છે. જેમાં ધર્મ ચિંતન અને સત્વવૃધ્ધિ કરે તેવું સાહિત્ય પિરસતા પુસ્તકો તથા સામાયિકો મુલાકાતી-દર્શનાર્થીઓ માટે ઉપલબ્ધ છે.

સોળ સોમવારના વ્રતધારી તથા ગૌરીવ્રતધારી ભાવિકો માટે શિવપ્રસાદના ઉત્તરભાગે પીપળાના વૃક્ષની છાયામાં એક સુંદર અને નાનકડું આરસ જડિત શિવાલય સર્વેશ્વર મહાદેવ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે.
આ શિવાલયનો ઇતિહાસ તો કાળના ગર્ભમાં લુપ્ત થઇ ગયો છે. અહીં વર્તમાન મંદિરની પૂર્વે જે મંદિર હતું તેનું સ્થાપત્ય સોલંકી યુગ (૧૧-૧૨મી સદી)નું મનાય છે. ૧૬૧૮ના ઐતિહાસિક પૂરાવાઓમાં પણ કાવેરી તટે આ મંદિર હોવાના એંધાણ મળે છે. તેનો બે વાર જિર્ણોધ્ધાર થયો છે. છેલ્લે ૧૯૭૮ માં વર્તમાન સમયનું ભવ્ય શિવાલય સાકાર થયું. તેની આધુનિક બાંધણી, ભવ્યતા, સ્થાપત્યકલા અને વિશેષ તો વિશાળ સંખ્યાના ભકતજનોની શ્રધ્ધાએ આજે તેને દક્ષિણ ગુજરાતના એક યાત્રાધામનો દરજ્જો આપ્યો છે.
