
કે. એન્ડ બી . સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોર અને રોટરી ક્લબ ઓફ ગણદેવી દ્વારા ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ 2024 નું આયોજન કરાયું
- Local News
- February 25, 2024
- No Comment
કે. એન્ડ બી .સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોરમાં રોટરી ક્લબ ઓફ ગણદેવીના સહયોગ દ્વારા ધોરણ 10ના બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મોક કસોટી રાખવામાં આવેલ હતી. આ કસોટીનો હેતુ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનો ડર દૂર કરવાનો છે. પરિણામ નું મહત્વ નહીં રાખી પ્રયત્ન કરી વિદ્યાર્થીઓને બોર્ડ માટે પૂર્વ તૈયારી કરાવવાના ઉમદા હેતુ સાથે આ કસોટી લેવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ ગણદેવી દ્વારા 9 સેન્ટરો પર આ મોક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આલીપોર હાઈસ્કૂલ સેન્ટર ખાતે આલીપોર હાઈસ્કૂલના 146 વિદ્યાર્થીઓએ આ મોક કસોટીમાં ભાગ લીધો હતો.
બોર્ડની પરીક્ષાની પદ્ધતિ અને બોર્ડ પ્રશ્નપત્રના પરિરૂપને અનુરૂપ આ કસોટી લેવામાં આવી ,જેમાં હોલ ટિકિટ સાથે પ્રવેશ અને ઉત્તરવહીમાં વિગતો કેવી રીતે ભરવી, બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર વગેરેના ઉપયોગની તમામ નાની નાની બાબતો અંગે વિદ્યાર્થીઓને મહાવરો પૂરો પાડવામાં આવ્યો હતો. વર્ષ 2023- 24ના સેક્રેટરી રોટરિયન શૈલેષભાઈ વશી અને નિર્ભય વશી દ્વારા આ મોક કસોટીમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ મોક કસોટી આપ્યા બાદ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ નિહાળવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળા દ્વારા કરવામાં આવેલ મોક કસોટીના આયોજન માટે હકારાત્મક અભિપ્રાયો દ્વારા આચાર્ય શફી એમ. વ્હોરા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો. આચાર્યએ વિદ્યાર્થીઓને પરિણામની ચિંતા કર્યા વિના મનોબળ મજબૂત કરી , આત્મવિશ્વાસ સાથે બોર્ડ પરીક્ષા માટે તૈયાર થવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પરીક્ષામાં માધ્યમિક વિભાગના તમામ શિક્ષકોએ ખૂબ ખંતપૂર્વક ફરજ બજાવી હતી.પરીક્ષાના હાઉને દૂર કરી “પરીક્ષા એક ઉત્સવ” તરીકે ઉજવવાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.