ગાંધીઘર કછોલી ખાતે દિવ્યાંગ બાળકો માટે પ્રદેશકક્ષા ઉમંગ ઉત્સવ- ૨૦૨૪-૨૫ યોજાયો
- Local News
- September 26, 2024
- No Comment
દિવ્યાંગ બાળકો માટે પ્રતિવર્ષ યોજાતા ઉમંગ ઉત્સવ: 2024-25 અંતર્ગત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત સમગ્ર દક્ષિણ ગુજરાત પ્રદેશકક્ષાનો ઉમંગ ઉત્સવ તા:20/09/2024ને શનિવારના રોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ ગ.કી. નાયક બધિર કન્યા વિદ્યાલય, ગાંધીઘર કછોલી ખાતે યોજાયો હતો.
આ ઉમંગ ઉત્સવમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ભરૂચ વગેરે જિલ્લાની દિવ્યાંગો માટે કાર્ય કરતી સંસ્થાઓના 7 થી 12 અને 7 થી 15 વર્ષના અંધ, બહેરા- મૂંગા, શારીરિક અશક્ત અને માનસિક અશક્તતા ધરાવતા દિવ્યાંગ બાળકોએ બાળકોએ વિવિધ કેટેગરી અનુસાર સ્પર્ધાઓમાં ઉત્સાહ્પૂર્વક ભાગ લીધો હતો. સાહિત્ય વિભાગ, સંગીત વિભાગ, નાટ્ય વિભાગ અને નૃત્ય વિભાગ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ જેવી કે, નિબંધ, વકતૃત્વ, કાવ્ય લેખન, એકાંકી, સમૂહગીત, લોકનૃત્ય-રાસ-ગરબા જેવી સ્પર્ધાઓ યોજાયેલ હતી. વિવિધ સ્પર્ધામાં વિજેતા નીવડી બાળકોએ પોતાનામાં રહેલી કળાનો પરિચય આપ્યો હતો. આ ઉત્સવમાં શ્રી ઉમેશ મહેતા, નેહા પટેલ, ડૉ.સ્વાતિ નાયક, નિલેશ પટેલ, પ્રવિણ પટેલ, સોનલ પટેલ વગેરે દ્વારા વિવિધ વિભાગોમાં તજજ્ઞ તરીકે સેવા આપી હતી.

ઉત્સવમાં ભાગ લેનાર તમામ બાળકોને આયોજકો દ્વારા સ્કુલબેગ અને પાણીની બોટલ સ્મૃતિભેટ સ્વરૂપે આપવામાં આવેલ હતી. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગણદેવી તાલુકા ઉપપ્રમુખ નીતાબેન એ. નાયક, કી.ગુ.નાયક ચેરીટેબલ ટ્રસ્ટ કછોલીના મંત્રી અનિલભાઈ નાયક, ગાંધીઘર કછોલીના ટ્રસ્ટી ડૉ.જાગૃતિબેન દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં. પૂર્ણાહૂતી અને સ્મૃતિભેટ વિતરણ માટે જિલ્લા કાનૂની સેવા સભ્ય, ગાંધીઘર કછોલીના સંચાલક મનોજભાઈ નાયક, કન્યા છાત્રાલયના ગૃહ્પતિ સંધ્યાબેન ઉપસ્થિત રહ્યાં હતાં. ગાંધીઘર કછોલીના સંચાલક મનોજભાઈ નાયકના માર્ગદર્શન હેઠળ ગ.કી.નાયક બધિર કન્યાશાળાના આચાર્યા જાગૃતિબેન આહિર તથા બ. અને ઈ. બહેરા મૂંગા શાળા (કુમાર)ના આચાર્ય દ્વારા કાર્યક્રમને સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવ્યો હતો.
સમગ્ર ગાંધીઘર કછોલી પરિસરના તમામ સહકાર્યકર મિત્રોની સઘન કામગીરીની દક્ષિણ ગુજરાત પ્રદેશકક્ષા ઉમંગ ઉત્સવમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો તેમજ તેમની સાથે આવેલ શિક્ષકો – સહાયકો દ્વારા ખૂબ પ્રસંશા કરવામાં આવી હતી, તેમજ આવનારા દિવસોમાં સરકાર દ્વારા અન્ય વિવિધ કાર્યક્રમોમાં પણ દિવ્યાંગ બાળકોને તક મળે તે માટે પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતુ.