નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે એક દિવસીય કૌશલ્યવર્ધક કાર્યશાળા “ફૂલ સજાવટની કળા” નું આયોજન કરાયું
- Local News
- January 9, 2025
- No Comment
નવસારી કૃષિ યુનીવર્સિટીના દીર્ઘદ્રષ્ટા આદરણીય કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલના માર્ગદર્શન હેઠળ નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે આવેલ અસ્પી બાગાયત મહાવિધાલયના ફ્લોરીકલ્ચર એન્ડ લેન્ડસકેપ આર્કિટેકચેર વિભાગમાં કાર્યરત ફ્લોરીકલ્ચર મિશન ફોર સાઉથ ગુજરાત યોજના અંતર્ગત “ફૂલ સજાવટની કળા” વિષય પર એક દિવસીય કૌશલ્યવર્ધક કાર્યશાળાનું આયોજન તારીખ ૮ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ મહાવિધાલયના સ્વામી વિવેકાનંદ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો ઉદ્ઘાટન સમારોહ ખેડૂતો અને વિધ્યાર્થીઓના શુભચિંતક માનનીય કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે યુનિવર્સિટી ના સંશોધન નિયામક અને અનુસ્નાતક વિધાશાખા અધ્યક્ષ ડૉ. ટી. આર. અહલાવત અને અતિથિ વિશેષ તરીકે વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. આર. શર્મા હાજર રહી કાર્યક્રમ લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.

મહાવિધાલયના આચાર્ય અને ડીન ડૉ. આર. એમ. નાયક દ્વારા કાર્યક્રમ માં હાજર તમામ મહાનુભાવો, વ્યાખ્યાતાઓ અને તાલીમાર્થીઓનું ભાવભર્યું સ્વાગત કર્યું અને તાલીમ અંગેની રૂપરેખા આપી. આ કૌશલ્યવર્ધક કાર્યશાળામાં દક્ષિણ ગુજરાતનાં જુદા જુદા જિલ્લા માંથી ૧૦૮ જેટલા ખેડૂતો, વિધાર્થીઓ અને ફૂલ સજાવટ સાથે સંકળાયેલ અને રસ ધરાવતા લોકોએ ઉત્સાહસહ ભાગ લીધો હતો.
નવસારી કૃષિ યુનીવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલ તેમના ઉદબોધનમાં જણાવ્યું કે ફૂલ પાકોની ખેતી નાના અને સીમાંત ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે આશીર્વાદ રૂપ બની રહે તે માટે પ્રાધ્યાપક અને યોજનાના વડા, ડૉ. એસ. એલ. ચાવલા અને ફ્લોરીકલ્ચર વિભાગ હર હંમેશ દક્ષિણ ગુજરાતમાં ફૂલોની ખેતી સાથે સંકળાયેલ ખેડૂતોને માર્ગદર્શન આપવા સતત તત્પર રહે છે. ફૂલોની વિવિધ રૂપે નવીનતમ સજાવટ કરી રોજગાર અને આર્થિક વિકાસ ની તકો વધારી શકાય છે. તેમણે વક્તવ્યમાં જણાવ્યું કે આર્ટિફિશ્યલ ફૂલોની જગ્યાએ કુદરતી ફૂલોની પદ્ધતિસર ગોઠવણી કરીને બનાવેલ બુકે અને વિવિધ સજાવટો ફૂલ ની સુંદરતામાં વધારો કરે છે અને નૈસર્ગિક આનંદની અનુભૂતિ થાય છે. વધુમાં, કુલપતિ આ તાલીમ દ્વારા તાલીમાર્થીઓ તેઓની કળા અને સર્જનાત્મકતા કેળવી નવો વ્યવસાય વિકસાવી વધુ આવક મેળવી શકે તે માટે પ્રોત્સાહિત કર્યા અને તાલીમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.

સંશોધન નિયામક અને અનુસ્નાતક વિધાશાખા અધ્યક્ષ, ડૉ. ટી. આર. અહલાવતે “ફ્લોરીકલ્ચર મિશન ફોર સાઉથ ગુજરાત” યોજના હેઠળ દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોને ગુલછડી, સ્પાઇડરલીલી અને ગલગોટા જેવા ફૂલપાકોની ખેતી ને પ્રોત્સાહિત કરવામાં માટે વિવિધ સુવિધાઓ પૂરી પાડી ક્લસ્ટર બેઝ ફાર્મિંગ કરવામાં આવે છે તેમ જણાવ્યું તથા આ વર્કશોપ દ્વારા તાલીમાર્થીઓ ફૂલોની ખેતી સાથે ફૂલો માં મૂલ્યવર્ધન કરી બમણી આવક મેળવવા સક્ષમ બને તેવી શુભેચ્છાઓ આપી.
વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. આર. શર્માએ તેમના પ્રાસંગિક ઉદબોદનમાં જણાવ્યું કે ફૂલોમાંથી હાલના સામે માં વિવિધ પ્રસંગોમાં ફૂલોની સજાવટનું મહત્વ વધ્યું છે અને ફૂલોની સજાવટ ઉપરાંત ફૂલોમાંથી અત્તર, હર્બલ ચા, સૂકા ફૂલોની ગોઠવણી, ગુલકંદ વિગેરે જેવા મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવી રોજગાર ની તકો ઊભી કરી શકાય છે.
આ કાર્યક્રમમાં તાલીમાર્થીઓને ફૂલોની વિવિધ પ્રકારની ગોઠવણી, ફૂલોના વિવિધ પ્રકારના બુકે, ફૂલોમાંથી હાર, વેણી, ગજરા અને બ્રોચ બનાવવા, મંડપ અને કાર શણગાર વિગેરેની નિષ્ણાંતો દ્વારા પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ લાભાર્થીઓને વિવિધ ફૂલોની બનાવટો વિષે માહિતગાર કરવા જુદા જુદા ફૂલોનું પ્રદર્શનનું પણ અધભુત આયોજન કરવામાં આવ્યું હતું.