પ્રાકૃતિક ખેતી તરફ સતત અગ્રેસર:સમગ્ર જીવસૃષ્ટિ માટે આવશ્યકતા બની ચૂકેલી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના મૂળભૂત સિદ્ધાંતો વિશે જાણો
- Local News
- February 7, 2025
- No Comment
પ્રાકૃતિક કૃષિ પ્રત્યે રાજ્ય અને દેશના ખેડૂતોમાં જાગૃતતા આવી છે. મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અને તેના સંબંધિત આયામો અપનાવતા થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો થકી આજે ખેડૂતો પ્રાકૃતિક કૃષિનું મહાત્મ્ય સારી રીતે સમજી શક્યા છે. પ્રાકૃતિક કૃષિ શું છે?, તેના ફાયદાઓ કેટલા છે? અને તેનું મહત્વ શું છે? – આ અંગે અગાઉ ઘણા અહેવાલો તમે વાંચ્યા હશે, ત્યારે આજના આ ખાસ લેખમાં આપણે પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિદ્ધાંતો વિશે જાણીશું.

પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિદ્ધાંતો
પ્રાકૃતિક ખેત વ્યવસ્થા અપનાવતા ખેડૂત પાસે ઓછામાં ઓછી એક દેશી ગાય હોવી જરૂરી છે. ખેતરના જ સંસાધનોનો ઉપોયગ કરવો, બહારની કે બજારની કોઈ વસ્તુ લાવવી નહીં. બને ત્યાં સુધી જમીનને કોઈ ખલેલ પહોંચાડવી નહીં. જમીનને કુદરતી અવશેષોથી આવરિત રાખવી તેમજ પોષણ વ્યવસ્થા માટે ખેતરમાંથી નીપજેલ અવશેષો તથા લીલો પડવાશ, અળસીયા કે ખેતરમાં જ બનાવેલ છાણીયા ખાતર કે કંપોસ્ટનો ઉપયોગ કરવો. બહારથી કોઈ પણ પ્રકારનું સેન્દ્રિય ખાતર પણ લાવવું નહીં.
તદુપરાંત પાક સંરક્ષણ માટે ખેતર ઉપર જાતે બનાવેલ સંયોજનોનો જ વપરાશ કરવો, બહારથી લાવવા નહીં. પાક કાપણી પછી પાક અવશેષોને બાળવા નહીં, પરંતુ તેનો આવરણ તરીકે પશુ આહાર તરીકે, કંપોસ્ટ તરીકે અથવા અન્ય રીતે ખેતરમાં જ ઉપયોગ કરવો. તથા લીધેલ ખેત ઉત્પાદનની બને તો સ્થાનિક સ્તરે જ (ગામમાં) જે વેચાણ વ્યવસ્થા ગોઠવવી કે જેથી ગામના પૈસા ગામમાં જ રહે. આ સાથે જ ખેત ઉત્પાદનોના મૂલ્ય વર્ધન માટે સ્થાનિક સ્તરે જ વધુમાં વધુ ગામ લોકોને રોજગારી મળી શકે, તેમના કૌશલ્યનો વિકાસ થાય તેવી વ્યવસ્થાનો આગ્રહ રાખવો. અને અંતમાં, બની શકે તો ફક્ત પાક આધારિત ખેત વ્યવસ્થાની જગ્યાએ સંકલિત ખેત વ્યવસ્થાપન ગોઠવવું.

આમ, પ્રાકૃતિક ખેત વ્યવસ્થા બિન ખર્ચાળ અથવા ઓછી ખર્ચાળ કૃષિ વ્યવસ્થા છે, જેના થકી ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ, જમીન અને પર્યાવરણનું સંવર્ધન થાય છે, ખેતી પોષણક્ષમ કરી શકાય છે અને ખેડૂતનું જીવનધોરણ પણ સુધરી શકે છે.