સતિમાળ અને આછવાણી ગામે આંબા પાકમાં ફળમાખી નિયંત્રણ માટે નૌરોજી સ્ટોન હાઉસ ફૂટ ફલાય ટ્રેપ અંદાજીત ૧૦૦ ખેડુતોના ખેતરે ગોઠવવામાં આવ્યા
- Local News
- April 2, 2025
- No Comment
નવસારી જિલ્લામાં વાંસદા તાલુકામાં આંબા પાકનું ખુબ બહોળી પ્રમાણમાં વાવેતર કરવામાં આવેલ છે. અને મોટા ભાગનાં ખેડુતો આંબા પાક પર આર્થિક રીતે નિર્ભર છે. માર્ચ- એપ્રીલ મહિનામાં એટલે કે ઉનાળાની શરૂઆતથી જ આંબા પાકમાં ફળમાખીના ઉપદ્રવની શરૂઆત થતી હોય છે. મે મહિનાથી ઓગષ્ટ મહિનાં દરમ્યાન સૌથી વધુ ઉપદ્રવ જોવા મળે છે. આ જીવાતની માદા માખી ફળની છાલની નીચે ઈંડા મુકે છે જેથી કાંણામાંથી રસ જરે છે. ઈંડા મુકેલ જગ્યાએથી ફળનો વિકાસ અટકી જવાથી ફળની સપાટી પર દબાયેલ ખાડા જોવા મળે છે. અનુકુળ પરિસ્થિતિમાં ઈંડામાંથી કીડા નીકળી ફળનો ભાગ ખાવાનું શરૂ કરે છે. પરીણામે ફળની ગુણવતા પર માઠી અસર પડે છે. અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે તથા બજાર ભાવ પર અસર પડે છે. કુલ ઉત્પાદનનો લગભગ ૧૫% બગાડ ફળમાખીનાં લીધે થાય છે.

નવસારી કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ફળમાખીનાં સામુહિક નિયંત્રણ કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા વાંસદા તાલુકાનાં સતિમાળ અને આછવાણી ગામે ફળમાખીનાં નિયંત્રણ માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કેવિકે દ્વારા તાજેતરમાં એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામોનાં આંબાની વાડીઓ ધરાવતા ખેડુતોને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધીત નૌરોજી સ્ટોન હાઉસ ફૂટ ફલાય ટ્રેપનાં ઉપયોગ અંગે કેન્દ્રના વૈજ્ઞાનીક દ્વારા વિસ્તૃત માર્ગદર્શિત કરી ફળમાખીના નિદર્શનો અંદાજીત ૧૦૦ ખેડુતોના ખેતરે ગોઠવવામાં આવ્યા હતા.