9.59 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર:ગુજરાત સરકાર તરફથી છઠ્ઠા પગારપંચના કર્મચારીઓનું 6% અને 7માં પગારપંચ વાળાનું 2% ડીએ વધાર્યું, એરિયર્સ એપ્રિલમાં મળશે
- Finance
- April 16, 2025
- No Comment
ગુજરાત સરકાર સરકારી કર્મચારીઓને ખુશખબર આપ્યા છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાએ મળેલી મંત્રીમંડળની બેઠકમાં મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.78 લાખ કર્મચારીઓ અને 4.81 લાખ પેન્શનર્સને લાભ મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાની 3 માસની તફાવત રકમ-એરિયર્સ એક જ હપ્તામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવાશે.
1 જાન્યુઆરીથી મળશે મોંઘવારી ભથ્થાનો લાભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભમેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જાન્યુઆરી, 2025થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભમેળવતા એ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે.
કર્મચારીઓના DAમાં વધારો
છઠ્ઠા પગાર પંચનાં લાભાર્થી કર્મચારીઓના DAમાં 6% નો વધારો અને સાતમા પગાર પંચનાં લાભાર્થી કર્મચારીઓના DAમાં 2% નો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે. વધારાની રકમ (એરિયર્સ) એપ્રિલ 2025ના પગાર સાથે એક હપ્તામાં ચૂકવાશે.
લાભાર્થીઓની સંખ્યા અને ખર્ચ
આ વધારો રાજ્ય સેવા, પંચાયત સેવા તથા અન્ય કેટેગરીના મળીને અંદાજે 4.78 લાખ કર્મચારીઓ અને 4.81 લાખ પેન્શનરોને લાભ આપશે. આ નિર્ણયથી રાજ્ય સરકાર પર રૂ. 235 કરોડનો તાત્કાલિક ખર્ચ આવશે અને વાર્ષિક કુલ ખર્ચ અંદાજે રૂ. 946 કરોડ રહેશે.
આ પહેલા કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025મા કેન્દ્ર પોતાના કર્મચારીઓને વધારો આપ્યો હતો. રાજ્ય સરકારના કર્મચારીઓને હાલ 53% ડીએ મળે છે, હવેથી 53ના બદલે હવે રાજ્યના કર્મચારીઓને 55 ટકા DA મળશે. જોકે, વધારેલું DA ક્યારથી લાગુ થશે તે અંગે સત્તાવાર જાહેરાતમાં ખબર પડશે.
આ પ્રકારના કર્મચારીઓને મળશે મોંઘવારી ભથ્થાનો લાભ માટે લાગુ
આ નવો DA વધારો તે તમામ કર્મચારીઓ માટે લાગુ પડશે જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે, જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયત સેવા, સરકારી માન્યતા પ્રાપ્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકગણ અને બિનશૈક્ષણિક સ્ટાફનો સમાવેશ થાય છે.પ્રાથમિક શિક્ષકો, પ્રતિનિયુક્તિ પામેલા કર્મચારીઓ, તથા સહાયક અનુદાન મેળવી રહેલા સંસ્થાઓના કર્મચારીઓ પણ આ લાભ માટે પાત્ર રહેશે – જો તેઓને સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણાનો લાભ મળતો હોય છે.
પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના કારણે અને બિનસરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતો ખર્ચ, આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે. આ હુકમોને કારણે થતો ખર્ચ એ શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ.
મોંઘવારી ભથ્થું શું છે?
મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓને મોંઘવારીની અસરથી બચવા માટે મળતું પૂરક નાણાં છે. તેની ગણતરી મુખ્યત્વે “ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ” (AICPI) પર આધારિત હોય છે અને દર છ મહિને મોંઘવારીના આધાર પર સમીક્ષિત કરવામાં આવે છે.
• રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર, મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમને સાતમા પગારપંચ મુજબ પગાર સુધારણા થયો છે તેમને મળવાપાત્ર થશે.
મોંઘવારી ભથ્થું કેવી રીતે ગણવામાં આવે છે?
મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફોર્મ્યુલા છે (છેલ્લા 12 મહિનાના ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ની સરેરાશ – 115.76)/115.76]×100. હવે જો આપણે PSU (પબ્લિક સેક્ટર યુનિટ)માં કામ કરતા લોકોના મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ, તો એની ગણતરીની પદ્ધતિ છે- મોંઘવારી ભથ્થાની ટકાવારી = (છેલ્લા 3 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ (બેઝ વર્ષ 2001 = 100)- 126.33) )x100 ગણાવાનો રહેશે