નવસારી રેડક્રોસના ચેરમેન તુષારકાંત દેસાઈ રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માનિત થશે
- Local News
- April 26, 2025
- No Comment
નવસારી જિલ્લા રેડક્રોસ શાખાના ચેરમેન તુષારકાંત દેસાઈ 13મી મે, 2025ના રોજ રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત વાર્ષિક સભામાં વર્ષ 2022-23 માટેના “એવોર્ડ ઓફ મેરીટ સર્ટિફિકેટ”થી સન્માનિત થનાર છે.
તુષાર દેસાઈએ છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી રેડક્રોસમાં સ્વયંસેવક, ટ્રેઝરર, માનદ મંત્રી, વાઇસ ચેરમેન અને હાલમાં ચેરમેન તરીકે અનોખી અને નિસ્વાર્થ સેવા આપી છે. માનવતાના સેવક તરીકે, તેમણે જરૂરિયાતમંદો માટે સતત કાર્ય કર્યું છે અને 60 વર્ષની ઉંમર સુધી સ્વયં રક્તદાન કરીને અનેક લોકોને પ્રેરણા આપી છે.
મોરબીની મચ્છુ ડેમ દુર્ઘટના, વાગરાના દુકાળ, કંડલાનું વાવાઝોડું અને નવસારી-સુરત જિલ્લાના અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ દરમ્યાન તેમણે રાહતકાર્યમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
તુષાર દેસાઈના પ્રયત્નોથી “બ્લડ ઓન કોલ” અને “જીવન રક્ષક દાતા” જેવી લોકકલ્યાણકારી યોજનાઓનો પ્રારંભ થયો છે. નવસારી જિલ્લા રેડક્રોસને ગુજરાતમાં સૌપ્રથમવાર એન.એ.બી.એચ. પ્રમાણપત્ર મળવામાં તેમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. સાથે જ થેલેસેમિયા, સિકલ સેલ, એઈડ્સ જાગૃતિ અને સી.પી.આર. તાલીમ જેવા અનેક કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ અને શિક્ષણ કાર્ય પણ સફળતાપૂર્વક અમલમાં મૂકાયું છે.
તેમના નેતૃત્વમાં જુનિયર અને યુથ રેડક્રોસની પ્રવૃત્તિઓએ પણ રાજ્ય કક્ષાએ ઘણીવાર શ્રેષ્ઠ કામગીરીના એવોર્ડ મેળવી લીધા છે. નવસારી જિલ્લાની અંતરિયાળ વિસ્તારોમાં રક્ત સંગ્રહ કેન્દ્રો સ્થાપીને લોકોને તાત્કાલિક સેવા પહોંચાડવાના તેમના પ્રયાસોને પણ વિશિષ્ટ પ્રોત્સાહન મળ્યું છે.
તુષારકાંત દેસાઈના રાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત આ સન્માન બદલ રેડક્રોસની વ્યવસ્થાપક સમિતિ, હોદ્દેદારો, સ્ટાફ પરિવાર અને સામાજિક અગ્રણીઓએ તેમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.