પેન્શનરો માટે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ પહેલ:ગુજરાતના પેન્શનરોને હવે લાઈફ સર્ટિફિકેટ માટે બેંક કે કચેરી જવાની જરૂર નહીં રહે:રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને મળશે અહિં લાભ
- Local News
- May 8, 2025
- No Comment
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પેન્શનરોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વડીલ પેન્શનરોને આવવા જવા માં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હયાતી ના પ્રમાણપત્ર(જીવન પ્રમાણ પત્ર) ની પ્રક્રિયા સરળ બનાવી છે.
હવે રાજ્ય સરકાર પેન્શનરોના ઘરના સરનામે જઈને હયાતી ના પ્રમાણ પત્ર ની સેવા નિ:શુલ્ક આપશે. આ માટે ગુજરાત સરકાર દ્વારા ભારતીય ડાક વિભાગ સાથે સમજુતી કરાર (MOU) કરવામાં આવેલ છે. આ સેવા ભારતીય ડાક વિભાગ ના ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અંતર્ગત પોસ્ટના કર્મચારીઓ દ્વારા પેન્શનરોના ઘરે જઈને સંપૂર્ણપણે નિઃશુલ્ક રીતે હયાતી ની ચકાસણી (જીવન પ્રમાણપત્ર) કરવામાં આવશે.
પેન્શનરોને મદદરૂપ થવા માટે આ સેવા વધારાના વિકલ્પરૂપે શરૂ કરવામાં આવી છે. જીવન પ્રમાણ પત્ર માટેના અગાઉથી ચાલતા અન્ય વિકલ્પો યથાવત રહેશે. આ ઉપરાંત પેન્શનરો “પોસ્ટ ઇન્ફો “ મોબાઈલ એપ્લીકેશન દ્વારા પણ આ સેવા માટે વિનંતી મોકલી શકે છે. ત્યારબાદ પોસ્ટમેન /ડાક સેવક પેન્શનર ના ઘરે આવી ને આખી પ્રક્રિયા પૂર્ણ કરશે. નવસારી જીલ્લા માં કુલ ૨૫૦ થી ૨૯૦ જેટલા પોસ્ટમેન/ ગ્રામીણ ડાક સેવકો આ સેવા માટે કાર્યરત રહેશે. વધુ માહિતી માટે નવસારી પોસ્ટલ ડીવીઝન હેઠળ ચાલતી આપની નજીકની કોઈ પણ પોસ્ટ ઓફીસ શાખા નો સંપર્ક કરવો.