નવસારીની ડિવાઇન પબ્લિક સ્કૂલનું ધોરણ ૧૦નું ૧૦૦% પરિણામ આવ્યું
- Local News
- May 8, 2025
- No Comment
ડિવાઇન પબ્લિક સ્કૂલ, નવસારીએ ધોરણ ૧૦ના બોર્ડ પરિણામો માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪–૨૫માં ફરી એક વખત ઉત્તમ પ્રદર્શન કર્યું છે. શાળાએ ૧૦૦% પરિણામ સાથે સમગ્ર જિલ્લામાં પોતાની શૈક્ષણિક પ્રતિષ્ઠાને પુનઃ સાબિત કરી છે. રાજ્યભરનું સરેરાશ પરિણામ ૮૩.૦૮% અને નવસારી જિલ્લાનું સરેરાશ પરિણામ ૮૪.૮૨% સામે શાળાનું શત-પ્રતિશત પરિણામ મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ છે. કુલ ૨૩ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને ૩૨એ A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે.
શાળાની વિદ્યાર્થીની કુ. સ્તુતિ ટંડેલએ ૯૭% ગુણ અને ૯૯.૮૭% પર્સેન્ટાઇલ પ્રાપ્ત કર છે. કુલ ૪૧ વિદ્યાર્થીઓએ ૯૦ કે તેથી વધુ પર્સેન્ટાઇલ મેળવી નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જ્યારે કુલ ૯૨ વિદ્યાર્થીઓએ ડિસ્ટિન્કશન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
વિષયવાર વિશ્લેષણ કરીએ તો, વિજ્ઞાનમાં ૬, ગણિતમાં ૪ અને સંસ્કૃતમાં ૪ વિદ્યાર્થીઓએ ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. અંગ્રેજી (A1: ૧૬, A2: ૩૪), ગુજરાતી (A1: ૭, A2: ૪૬), સામાજિક વિજ્ઞાન (A1: ૨૧, A2: ૩૩), ગણિત (A1: ૩૨, A2: ૨૭), હિન્દી (A1: ૧૨, A2: ૧૭), સંસ્કૃત (A1: ૩૮, A2 ૩૦), વિજ્ઞાન (A1: ૩૭, A2: ૨૭) વિષયોમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠતા દર્શાવી છે.
શાળાના પ્રશાસન અને શિક્ષકમંડળે તમામ વિદ્યાર્થીઓ અને તેમનાં માતા-પિતાને અભિનંદન પાઠવ્યા છે અને તેમનાં સંયમ, સતત પ્રયત્નો તથા શૈક્ષણિક ઉન્નતિ માટે આભાર વ્યક્ત કર્યો છે. આ પરિણામ શાળાના શિસ્તબદ્ધ શૈક્ષણિક માળખા અને ઉચ્ચ શિક્ષણદષ્ટિનું જીવંત પ્રતિબિંબ છે.