વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો” ના સંદેશ સાથે નવસારી મનપા દ્વારા: પ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવસારીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
- Local News
- June 5, 2025
- No Comment
૫મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા જલાલપોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વર્ષ ૨૦૨૫ માટે યુનાઈટેડ નેશન્સ દ્વારા નક્કી કરાયેલ થીમ “Putting an End to Plastic Pollution” એટલે કે “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવો” ના સંદેશ સાથે સમગ્ર કાર્યક્રમ ગુંજી ઉઠ્યો છે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ જતન માટે જનસહભાગિતાને ઉત્તેજન આપવાનો રહ્યો હતો. નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને મહાનગરપાલિકા કમિશ્નર દેવ ચૌધરી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ જણાવ્યું કે, “વિશ્વ પર્યાવરણ દિવસે આપણે સૌએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું અને તેનો જતન કરવો એ સમયની જરૂરિયાત છે. વૃક્ષો વૃદ્ધિ અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા દ્વારા જ આપણે પર્યાવરણની રક્ષા કરી શકીએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “ગ્રીન હાઉસ ઇફેક્ટ અને પર્યાવરણીય તાપમાન વધારાની વિપત્તિને અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય વધુમાં વધુ વૃક્ષો વાવવાનો છે.”

મહાનગરપાલિકા કમિશ્નર દેવ ચૌધરીએ પલાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને વૃક્ષો દ્વારા વિસ્તારોને હરિયાળા બનાવવા સૌને પ્રેરણા આપી. તેમણે માનનીય વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ ‘એક પેડ મારા નામે’ અને ‘કેચ ધ રેઈન’ અભિયાનમાં સક્રિય ભાગીદારી આપવાની અપીલ પણ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓ તેમજ મહાનગરપાલિકાના શ્રેષ્ઠ સફાઈ કામદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં વાંસદા પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય, ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ, નાયબ કમિશ્નર જે યુ વસાવા,મહાનગરપાલિકા સ્ટાફ તેમજ અનેક પર્યાવરણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

