વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે ભેરવી ગામે ‘નમો વડ વન’નું લોકાર્પણ: ખેરગામ તાલુકામાં હરિત પર્યાવરણ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું
- Local News
- June 5, 2025
- No Comment
નવસારી જિલ્લામાં ખેરગામ તાલુકાના ભેરવી ગામે સામાજીક વનીકરણ વિભાગ, ચીખલી રેંજ દ્વારા ૫મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘નમો વડ વન’ નો લોકાર્પણ સમારંભ તેમજ પર્યાવરણ પ્રતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશભાઈ એમ. પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે તેઓના હસ્તે શનિદેવ મંદિર પાસે આવેલ ઓરંગા નદીના કિનારે તૈયાર કરાયેલા ‘નમો વડ વન’ નો લોકો માટે ખુલ્લું મુકવામા કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર, ભેરવીના સરપંચ શ્રીમતી સુનિતાબેન આર. પટેલ, મામલતદાર ખેરગામ,સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પુર્વેશ ખાંડાવાલા, રેંજ ફોરેસ્ટ ઓફિસર પી.બી. પાટિલ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

‘નમો વડ વન’માં કુલ ૨૦૦ જેટલા વડના વૃક્ષો ઉપરાંત ૨૦૦૦ જેટલા સુશોભન વનસ્પતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. અહીં પ્રવાસીઓને આકર્ષે તેવા વિવિધ વિકાસકામ જેમ કે ૨૦ બેન્ચો,વન કુટીર,ગજેબો, બાળકો માટે રમતાં સાધનો, સેલ્ફી પોઇન્ટ અને પાથવેની સુવિધા ઊભી કરવામાં આવી છે.

આ પ્રસંગે ધારાસભ્યએ પર્યાવરણ રક્ષણ અંગે જણાવ્યું કે, “દરેક વ્યક્તિએ પોતાની આસપાસ એક વૃક્ષ લગાવવું અને તેનું જતન કરવું જોઈએ. સાથે જ આપણે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવી, આપણી ધરતીને હરિયાળી બનાવવાની દિશામાં સહયોગ આપવો જોઈએ.” તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ મા કે નામ” અભિયાનને સાકાર કરવાની અપીલ કરી. તેમજ રેન વોટર હાર્વેસ્ટિંગ જેવી પદ્ધતિઓ દ્વારા પાણી બચાવવા લોકોમાં જાગૃતિ ફેલાવાની જરૂર પણ વ્યકત કરી હતી.
સમારંભના અંતે ધારાસભ્યે ઓરંગા નદીના કિનારે રિવરફ્રન્ટ બનાવવા માટેના વિકાસપ્રસ્તાવને આગળ ધપાવવાની પણ વાત પણ કરી હતી.
