આર્યા પ્રોજેકટ અંતર્ગત ગોટલીનાં મુખવાસ બનાવટની તાલીમ યોજાઈ
- Local News
- June 20, 2025
- No Comment
નવસારી જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રે આર્થિક ઉપાર્જનનાં સ્ત્રોતો વધે અને ખેતીલક્ષી વ્યવસાયો થકી ગ્રામીણ યુવાનો પગભર બને તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા આર્યા પ્રોજેકટ હેઠળ ગ્રામીણ મહિલાઓ માટે કેરીનાં ગોટલાની ગોટલીના મુખવાસ બનાવટની તા. ૧૯/૦૬/૨૦૨૫ નાં રોજ તાલીમ યોજાઈ. જેમાં તાલીમની શરૂઆતમાં કેન્દ્રના વડા ડૉ.કિંજલ શાહે ખેડૂત મહિલાઓ દ્વારા કેરીનાં મૂલ્યવર્ધનની થતી પ્રવૃતિઓને બિરદાવી તેની ફોટોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન માટે સૂચનો કરાયાં હતા.

કેન્દ્રનાં બાગાયત વૈજ્ઞાનિક દિક્ષીતા પ્રજાપતિએ દક્ષિણ ગુજરાતનાં કલ્પવૃક્ષ એવા આંબા આધારીત કૃષિ વ્યવસાયો વિશે વિસ્તૃત છણાવટ કરી. ગૃહ વૈજ્ઞાનિક નિતલ પટેલે ગોટલીનાં મુખવાસ બનાવટનું પધ્ધતિ નિદર્શન દ્વારા પ્રેકટીકલ માર્ગદર્શન આપ્યું. અબ્રામા ગામનાં પ્રગતિશીલ ખેડૂત બેલાબેને કેરીનાં મૂલ્યવર્ધનથી મેળવેલ સફળતા વિશે પોતાના અનુભવો જણાવ્યા. તાલીમમાં તાલીમાર્થીઓએ પોતાનાં પ્રતિભાવો આપી સંતોષ સાથે આભાર વ્યકત કર્યો. આ તાલીમમાં વેડછા, અબ્રામા, કરાડી,બોદાલી, મંદિર ગામની ૩૦ ખેડૂત મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું.
