ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞનો બેસ્ટ રિસર્ચ પેપર એવોર્ડ સાથે અકલ્પનીય રેકોર્ડ
- Local News
- March 12, 2023
- No Comment
માહિતી વિસ્ફોટના યુગમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં સંશોધનની કસોટીની એરણે પુરવાર કરેલ વિશેષ જ્ઞાન આપવા માટે ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે કાર્યરત અધ્યાપકો ચોપડીયા જ્ઞાન ઉપરાંત સંશોધન ક્ષેત્રે ધગશ દેખાડીને, ગુણવત્તાસભર રીસર્ચ પેપર પ્રેઝન્ટેશન અને પબ્લિકેશન કરે એ સમયની માંગ છે. આવા સમયે રાજ્યની અગ્રીમ હરોળની ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વૈશ્વિક કક્ષાના હાઇટેક સંકુલમાં ફેકલ્ટી ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ દ્વારા તા. ૧૦-૧૧ માર્ચ, ૨૦૨૩ દરમ્યાન આયોજીત બે-દિવસીય “ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન મેનેજમેન્ટ – પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર” માં ભારતના વિવિધ રાજ્યો તથા કેનેડા અને જર્મની જેવા દેશોમાંથી ૧૦૦ જેટલા તજજ્ઞ શિક્ષણવિદો, સંશોધનકારો, પોલિસી મેકર્સ અને ખ્યાતનામ ઔદ્યોગિક ગૃહોના અનુભવી માંધાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં મૂળ માંડવી-બ્રાહ્મણ ફળિયાના રહેવાસી અને નવસારી કૃષિ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ટ્રેનર ડૉ. મેહુલ જી. ઠક્કરે પ્રિન્સીપાલ ઓથર તરીકે નવ (૯) અને કો-ઓથર તરીકે પાંચ (૫) એમ કુલ ચૌદ (૧૪) રીસર્ચ પેપર્સ એક સાથે પ્રેઝન્ટ કરીને ડંકો વગાડ્યો હતો. તેઓના રીસર્ચ પેપર્સની સંશોધનીય ગુણવત્તા, ઉપયોગિતા-અગત્યતા અને મંત્રમુગ્ધ કરી દેતા પ્રેઝન્ટેશનથી પ્રભાવિત થઈને જ્યુરી પેનલે તેઓના ભરપેટ વખાણ કર્યા હતા.

“આન્ત્રપ્રીન્યોરીયલ મોટીવેશન એન્ડ રેડીનેસ ઓફ રૂરલ યુથ” એટલેકે ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી આવતા યુવા વિદ્યાર્થીઓની ઉદ્યોગસાહસિક બનવાની ધગશ-પ્રેરણા તથા તૈયારી અંગેના તેઓના રીસર્ચ પેપરને કડક મૂલ્યાંકનના અંતે, આ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. દિનેશ આર. શાહના વરદ હસ્તે “ઇન્ટરનેશનલ બેસ્ટ રીસર્ચ પેપર એવોર્ડ” એનાયત કરાતા સૌએ અભિનંદન પાઠવ્યા હતા. હાલમાં તેઓશ્રી ૮ ઇન્ટરનેશનલ જર્નલમાં રીવ્યુઅર અને એડીટોરીયલ બોર્ડ મેમ્બર તથા ગ્લોબલ જર્નલ ઇન્ડેક્ષીંગ ડેટાબેઝના “ઇન્ટરનેશનલ એડવાઇઝરી બોર્ડ” ના માનવંતા સભ્ય તરીકે કાર્યરત છે. ડોક્ટરલ ડીગ્રીમાં પણ ગુજરાતના પેસેન્જર રોડ ટ્રાન્સપોર્ટેશનની લાઇફલાઈન ગણાતા GSRTC ના પાયાના કર્મચારીગણ એવા ડ્રાયવર, કંડકટર અને મીકેનીક સ્ટાફ પર કરેલ તેઓના પીએચ.ડી. ઇન HRD થીસિસને સર્વોચ્ચ “બેસ્ટ પીએચ.ડી. થીસિસ નેશનલ એવોર્ડ” એનાયત થઇ ચુક્યો છે. યુ.જી.સી.-નેટ પરીક્ષા ચાર અલગ અલગ વિષયોમાં અને જી-સેટ પરીક્ષા એક વિષયમાં પાસ કરનાર સમગ્ર ભારતના સૌપ્રથમ અને એક માત્ર તજજ્ઞ હોવાના રેકોર્ડ બદલ “એકેડેમીક સુપરમેન” તરીકે ઓળખાતા તેઓએ હવે સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૦૨ રીસર્ચ પેપર્સ પ્રેઝન્ટેશન અને ૫૬ રીસર્ચ પેપર્સ પબ્લીકેશન કરીને ૧૩ “ઇન્ટરનેશનલ બેસ્ટ રીસર્ચ પેપર એવોર્ડ” અને ૩“નેશનલ બેસ્ટ રીસર્ચ પેપર એવોર્ડ” એમ કુલ ૧૭ “બેસ્ટ રીસર્ચ પેપર એવોર્ડ્સ” અને “બેસ્ટ પીએચ.ડી. થીસિસ નેશનલ એવોર્ડ” મેળવનાર એકમાત્ર ભારતીય હોવાનો અદભૂત રેકોર્ડ અંકિત કરીને “રીસર્ચ સુપરમેન” તરીકે પણ નામના મેળવી છે. આ ઐતિહાસિક પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. કિશોરસિંહ ચાવડા, પૂર્વ રજીસ્ટ્રાર અને મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન ડો. જયદીપ ચૌધરી, જાણીતા મેનેજમેન્ટ તજજ્ઞ એવા પ્રોફેસર અને વિભાગીય હેડ ડો. મનીષ વી. સિદ્ધપુરીયા તથા ઉકા તરસાડીયા યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના ડીનઓ તથા આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સના પાયાઓ જેવા યુવા, ઉત્સાહી તજજ્ઞો ડો. વિજય ગોન્ડલીયા, ડો. કૃણાલ પટેલ તથા ડો. અપર્ણા પટેલ ભટ્ટીની વરદ ઉપસ્થિતિ રહી હતી. ઉલ્લેખનીય છે કે આ કોન્ફરન્સમાં કૃષિ યુનિવર્સિટીના આદરણીય કુલપતિ ડો. ઝેડ. પી. પટેલના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ, તેઓએ ટીમ લીડર તરીકે આગેવાની લઈને પોતાના ત્રણ પીએચ. ડી. રીસર્ચ સ્કોલર્સ એવા ભરૂચના કિરણ પટેલ, રાજસ્થાનના અનીલ કુમાર અને મહુવા-કરચેલીયાના તેજસ પટેલને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે રીસર્ચ પેપર પ્રેઝન્ટ કરવા અને પ્રોફેશનલ નેટવર્કિંગ માટે પ્રેરિત કર્યા હતા જે બદલ આ વિદ્યાર્થીઓમાં પણ ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો.