અંગ્રેજી-ગુજરાતી મિશ્રભાષા પાઠ્યપુસ્તકોથી સાવધાન

દ્વિભાષા શિક્ષણનીતિ અંતર્ગત અંગ્રેજી – ગુજરાતી મિશ્રભાષામાં તૈયાર થઈ રહેલ પાઠ્યપુસ્તકોની ઘાતક અસરો…

તાજેતરમાં જ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા અંગ્રેજી તથા ગુજરાતી મિશ્રભાષામાં પાઠ્યપુસ્તક તૈયાર થઈ રહ્યાં છે. પાઠ્યપુસ્તકનું આ નવીન સ્વરૂપ ઘાતક અને જોખમી સાબિત થશે. આ નિર્ણય કેમ ભૂલ ભરેલો છે અને તેને કારણે શિક્ષણમાં કે વિદ્યાર્થીઓમાં કેટલું મોટું નુકશાન પહોંચશે તેનાં અહિયાં તાર્કિક અને વૈજ્ઞાનિક તથ્યો સમજીશું.

સૌ પ્રથમ તો શિક્ષણવિદો સાથે પરામર્શ કર્યા વગર, વાલીઓના કાઉન્સેલિંગ વિના અને આપણા પ્રાપ્ય શિક્ષકોને પૂછ્યા વગર જ આટલી મોટી જાહેરાત કરવી તે સરકાર માટે કેટલી યોગ્ય લાગે છે? થોડાક લોકોની એડહોક ઈચ્છા, અમુક જૂથને શિક્ષણ-વેપારમાં અનુકૂળતા અને કોઈકની એકાંગી રજૂઆતોને કારણે આટલો મોટો નિર્ણય કરવો તે કેટલો વ્યવહારીક અને વ્યાજબી છે?

નોકરી મેળવવા માટે “અંગ્રેજીની આવડત ખૂબ જ જરૂરી છે” એવી વણચકાસેલી ભ્રામક લોકમાન્યતાને વશ થઈને અંગ્રેજીને વધારાના ભારણ તરીકે મૂકવાની વાત એ પાશેર દૂધ માટે ભેંસ બાંધવા જેટલું આત્મઘાતી સિદ્ધ થાય તેમ છે. દેશ અને દુનિયાના તમામ મહાપુરુષોનો અભ્યાસ કરીશું તો ખબર પડશે કે તેમણે શિક્ષણ પોતાની માતૃભાષામાં જ લીધું હતું. હવે તો મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માતૃભાષામાં લેવાય છે અને મેડિકલ જેવી મહત્વપૂર્ણ વિદ્યાશાખાઓમાં પણ પોતાની ભાષામાં પણ અભ્યાસ કરી શકાય છે.

માનનીય વડાપ્રધાન અને ગૃહમંત્રીએ તો જાહેરાત પણ કરી દીધી છે કે સાયન્સ ટેકનોલોજી અને મેડિસિનનાં પુસ્તકોનો અનુવાદ ભારતીય ભાષાઓમાં કરવામાં આવશે. IIT મુંબઈએ તો મશીન ટ્રાન્સલેશનનો અભ્યાસક્રમ પણ ચાલુ કરી દીધો છે.માતાપિતા તો અંગ્રેજીના મોહને લીધે સંતાનોને ઝડપથી અંગ્રેજી શીખવી દેવાની ઘેલછાને કારણે ઈચ્છે. પરંતુ સાવધાન : “ગ્રાહક માગે તે આપવું” એવો ઉપભોક્તાવાદી સિદ્ધાંત શિક્ષણ જેવા જીવનલક્ષી વિષયને વેપારમાં ફેરવી નાખશે, અને આ જ થઈ રહ્યું છે.

આજે ટેકનોલોજીને કારણે ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષાંતર કરવાની, બોલવા-સાંભળવા માટેની એપ્લિકેશન સરળતાથી પ્રાપ્ય છે. થોડાક જ વર્ષોમાં ‘Artificial Intelligence’ના ઉપયોગને કારણે ભાષાઓ વચ્ચેનો ભેદ જ મટી જવાનો છે. એક મોબાઇલ કરી શકે એવી તુચ્છ ક્ષમતા પ્રાપ્ત કરાવવા માટે વિદ્યાર્થીઓની આટલી મોટી શક્તિઓનો દુરુપયોગ કરીને તેને હેરાન શા માટે કરવા જોઈએ?

અંગ્રેજી શીખવાની મુશ્કેલીને કારણે ગ્રામસ્તરે પણ વાલીઓને ટ્યુશન રખાવવા પડશે. આથી અંગ્રેજીના કોચિંગ ક્લાસનો વેપાર વધારવામાં અવશ્ય મદદ થશે. પરંતુ ગરીબ માવતર નબળા ટ્યુશનટીચર પાસે બાળકોને મોકલીને પૈસા ઉપરાંત બાળકોનું માનસિક સ્વાસ્થ્ય અને માતૃભાષા પરનો કાબૂ પણ બગાડશે.

આપણો શિક્ષણ-અધિકાર કાયદો ભાર વગરના ભણતરને સમર્થન આપે છે. તેનો ભંગ કરનારને સજા પણ આપે છે. જો અંગ્રેજી અને ગુજરાતી મિશ્ર પાઠ્યપુસ્તક સ્વીકારીએ તો બધા પુસ્તકોની સાઈઝ અને વજન પણ બમણાં થઈ જાય.આનાથી તો આપણે ભાર વગરના ભણતરના સિદ્ધાંતને પણ મૂર્છિત કરી દઈશું. થોડાક સમય પહેલાં જ સરકારે દફતરના ભારણ ઘટાડવાના સંદર્ભમાં એક પરિપત્ર પણ કર્યો છે. તો આવી પરસ્પર વિપરીત નીતિ કેમ?

આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓ પર અંગ્રેજીનું ભારણ વધશે તેથી તેઓનું ગુજરાતી “ઉત્તમ” નહીં થઈ શકે. વળી રમતગમત, ચિત્રકલા, ઈતરવાંચન, ઇન્દ્રિયલક્ષી આનુભાવિક પ્રવૃત્તિઓ, ભાવાત્મક વિકાસ, સર્જનશીલતા અને કલ્પનાશીલતા (જેનો વિકાસ ૧૫ વર્ષની ઉંમર સુધીમાં થઈ જવો જોઈએ તે બધું જ) અટકી જશે. આ નિર્ણયને કારણે વિષયશિક્ષણ અને વ્યક્તિશિક્ષણ બંનેમાં ભારે નુકસાન જશે.

કોઇપણ ભાષા એ સાંસ્કૃતિક નીપજ હોય છે. પ્રત્યેક ભાષા પોતાની રચનામાં સાંસ્કૃતિક જીવનને સંગોપી રાખતી હોય છે. અંગ્રેજી ભાષા અંગ્રેજિયત લાવશે – જેનો સખત વિરોધ ગાંધીજીને હતો. અંગ્રેજી ભાષા ઔપચારિકતા, નોકરી, યુદ્ધ, રુગ્ણતા અને ઉચ્ચનિમ્ન ભેદશ્રેણીને લગતા શબ્દો મહત્તમ સંખ્યામાં ધરાવે છે. જ્યારે ગુજરાતી તથા સંસ્કૃત, હિન્દી જેવી આ ભૂમિની ભાષાઓ અધ્યાત્મ, ઊર્જા, નિસર્ગ, સંબંધો અને ભાવસૂચક સંસ્કૃતિને ઉજાગર કરતા શબ્દોથી સમૃદ્ધ થયેલી છે.

અંગ્રેજીને દ્વિતીય ભાષા તરીકે શીખવવા (Acquisition) માટે અંગ્રેજીપ્રચૂર વાતાવરણ વર્ગમાં રાખવું પડે. આપણા હાલના અંગ્રેજીના શિક્ષકો 3 થી 8 સુધી Communicative ટેક્સબૂક ભણાવે છે. પરંતુ હજુ સાંભળવા અને બોલવાની અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરવામાં આપણે સફળ થયા નથી.

જો વિશ્વક ગુજરાતી અંતર્ગત અંગ્રેજી-ગુજરાતી મિશ્ર પાઠ્યસામગ્રી દાખલ કરવામાં આવશે તો ગણિત – વિજ્ઞાન – પર્યાવરણ – સમાજવિદ્યાના શિક્ષકો અંગ્રેજી – ગુજરાતી અધ્યાપન પદ્ધતિને કઈ રીતે ન્યાય આપી શકશે એ વિચાર્યું છે?

જો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ ને કેન્દ્રમાં રાખીને વાત કરીએ તો ચેપ્ટર ૪ માં નં. ૪.૧૧થી બહુભાષા અંગેની વિચારણા રજૂ કરે છે. તેમાં એક કરતાં વધારે ભાષા શીખવવા માટે ભલામણ કરવામાં આવી છે. પરંતુ માતૃભાષા સિવાય “બીજી” ભાષા તરીકે ભારતીય ભાષાનો જ આગ્રહ કરવામાં આવ્યો છે. વધુમાં ચેપ્ટર નં. ૪.૧૨ અને ૪.૧૫ ને ધ્યાનમાં રાખીએ તો સમજાય છે કે માતૃભાષા અને ભારતીય સંસ્કૃતિ એ બંનેને કેન્દ્રમાં રાખીને અન્ય ભારતીય ભાષાની પસંદગી બીજી ભાષા તરીકે કરવાની રહે છે. અન્ય ભાષા એટલે “અંગ્રેજી” એવો ખ્યાલ સામ્રાજ્યવાદી મનોઝોક દર્શાવે છે.

આ રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં શિક્ષણના માધ્યમ તરીકે ઘરની ભાષા/માતૃભાષા/સ્થાનિક ભાષા અને પ્રાદેશિક ભાષાનો જે આગ્રહ કર્યો છે તેને જગતભરમાં થયેલાં શૈક્ષણિક સંશોધનોનું પીઠબળ પ્રાપ્ત છે. સૌથી મોટો ટેકો તો યુનેસ્કોની શિક્ષણ વિશેની ભલામણોમાં છે. પ્રાથમિક કક્ષાએ માતૃભાષાની સંગાથે ભારતીય ભાષાઓ હિન્દી કે સંસ્કૃત અથવા હિન્દી અને સંસ્કૃત વધારે ઉપકારક નીવડે. કેમકે ગુજરાતી-હિન્દી-સંસ્કૃત એકદમ ભગિની ભાષાઓ છે. હિન્દી અને સંસ્કૃત જેવી ભાષાઓ ગુજરાતી બાળકોની માતૃભાષાને સમૃદ્ધ બનાવી શકે અને તેથી વધારે સારી અધ્યયન ક્ષમતા પ્રાપ્ત થાય.

ઉકેલ :-

એકદમ શાસ્ત્રીય પદ્ધતિથી સંશોધનની બધી જ શિસ્ત જાળવીને ગુજરાતની દસ પંદર જેટલી દરેક સ્તરની શાળામાં, ત્યાં પ્રાપ્ત શિક્ષકો દ્વારા તજ્જ્ઞોની દેખરેખ હેઠળ દ્વિભાષી સામગ્રી અને અધ્યયન પદ્ધતિનો બે ત્રણ વર્ષ સુધી પ્રયોગ થાય અને તેનાં જે તારણો મળે તેના માર્ગદર્શન અનુસાર જ આખા ગુજરાતની બે લાખ શાળાઓનાં બધા થઇને બે કરોડ બાળકો માટે આટલું મોટું પરિવર્તન લાવી શકાય. આ બધા મુદ્દાઓ પર બૌદ્ધિક વિચારણા કરીને જ ગુજરાતના બે કરોડ બાળકોની અભ્યાસ પદ્ધતિમાં પરિવર્તન કરવાનો નિર્ણય લેવાવો જોઈએ.

ડૉ. અતુલ ઉનાગર

આસિ. પ્રોફેસર, ગુજ. યુનિ. અમદાવાદ 

મો. નં. 8905479781

atulbunagar@gmail.com

 

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *