જુનિયર કલાર્ક (વહીવટી/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
- Local News
- April 8, 2023
- No Comment
નવસારી જિલ્લામાં ૭૫ કેન્દ્રો પર કુલ ૨૭૦૩૦ ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે પરીક્ષાર્થીઓને માર્ગદર્શનની જરૂર જણાય તો હેલ્પલાઈન નં. ૦૨૬૩૭-૨૫૭૪૭૭ ઉપર સંપર્ક કરી શકાશે
આજે રવિવારના રોજ યોજાનારી જુનિયર કલાર્કની પરીક્ષાને લઈને નવસારી જિલ્લાના કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન, નવસારી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું કે, આ પરીક્ષા તા. ૦૯/૦૪/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૩૦ કલાક થી ૧:૩૦ કલાક દરમ્યાન નવસારી જિલ્લાના ૭૫ પરીક્ષા કેન્દ્રોના ૯૦૧ વર્ગખંડોમાં યોજાનાર છે. જેમાં કુલ ૨૭૦૩૦ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓને કોઈ મૂંઝવણ કે માર્ગદર્શનની જરૂર જણાય તો તે હેલ્પલાઈન નં. ૦૨૬૩૭-૨૫૭૪૭૭ પર સંર્પક કરી શકાશે.
નવસારી જિલ્લા કલેકટરએ વધુમાં ઉમેર્યુ હતું કે, આ પરીક્ષા આયોજનબધ્ધ રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાના તમામ કેન્દ્રો પર ફરજ બજાવનાર અધિકારી-કર્મચારીઓને તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. આ પરીક્ષાના સરળ સંચાલન માટે પરીક્ષા કેન્દ્રો પર બોર્ડના પ્રતિનિધિ ૮૦, કેન્દ્ર સંચાલક ૭૫, સીસીટીવી ઓબ્ઝર્વર ૭૫, સુપરવાઈઝર ૨૯૧, ખંડ નિરિક્ષક ૧૦૧૭, કલાર્ક ૧૧૬ તથા પોલીસ ગાર્ડ ૩૭૫ ને સંબંધિત ફરજો માટે નિમણૂંક કરાયા છે. આ ઉપરાંત ૨૮ ફ્લાઈંગ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. આમ કુલ ૨૫૦૫ અધિકારીઓ/કર્મચારીઓને ફરજ પર નિયુકત કરાયાં છે. 
જિલ્લાના દરેક કેન્દ્ર પર તમામ ઉમેદવારોનું નિયમોનુસાર ફ્રિસ્કીંગ (ચકાસણી) કરવામાં આવશે. તથા ફાળવેલા વર્ગખંડમાં ઉમેદવારોએ સમયસર પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં હોલ ટિકિટ (કોલ લેટર), ફોટો ઓળખકાર્ડ તથા બોલપેન સાથે પ્રવેશ કરી શકશે. ઉમેદવારે પોતાની સાથે પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન, ડીજીટલ/ સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર અન્ય સાહિત્ય લઈ જવા પર પ્રતિબંધ છે.

સદર પરીક્ષા અંતર્ગત કોઇપણ વ્યકિત ગેરરીતિ આચરશે તો તેને ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક-૨૦૨૩ તથા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ અંતર્ગત કાયદાકીય જોગવાઇ મુજબની શિક્ષા કરવામાં આવશે.

જિલ્લા કલેકટરએ તમામ ઉમેદવારોને આ પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, અધિક કલેકટર કેતન જોષી , જિલ્લા શિક્ષણ અધિકારી રાજશ્રી ટંડેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સીતાબહેન પટેલ, સહાયક માહિતી નિયામક યજ્ઞેશ ગોસાઇ તથા નવસારીના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારમિત્રો હાજર રહ્યા હતા.