
સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના મંત્રને સાકાર કરતી દૂધ સંજીવની યોજના: “મને રોજ આંગણવાડીમાં રમવાની સાથે ટેસ્ટી દૂધ પીવાની ખૂબ મજા આવે છે” – આરોહી પટેલ (આંગણવાડીનું ભૂલકું)
- Local News
- May 3, 2023
- No Comment
નવસારી જિલ્લાના આદિજાતી તાલુકાઓમાં ૧૪૫૪૪ બાળકો ૨૦૦ મિલી ફ્લેવર્ડ સ્વાદિષ્ટ દૂધનો નિયમિત લાભ લઇ રહ્યા છે
આયુર્વેદના આચાર્ય ચરક પોતાના મહાનગ્રંથ ચરકસંહિતામાં લખ્યું છે કે ‘ક્ષિર જીવનીયાનામ’ એટલે કે શરીરમાં જીવનીય શક્તિ વધારનારા જેટલા પણ આહારદ્રવ્યો છે એ બધામાં દૂધ સર્વોત્તમ છે. ભારતીય આયુર્વેદ વિજ્ઞાનના જાણકારોએ પ્રાચીન કાળથી જ ઔષધ અને ખાદ્યની દ્રષ્ટિએ દૂધની મહત્તાને ઓળખી છે.
ગુજરાતના પૂર્વ પટ્ટીના ૧૪ જિલ્લામાં વસતા આદિજાતી બાંધવોના બાળકો કુપોષણનો શિકાર ન બને અને તેમના શારીરિક વિકાસમાં વૃદ્ધિ થાય તે માટે નાની વયે પોષણક્ષમ આહાર ઉપરાંત દૂધ આપવામાં આવે તો વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ અને ક્ષાર તત્વોની ખામી દુર કરી શકાય, બાળકોનો શારીરિક વિકાસ સાથે માનસિક વિકાસ થાય અને તેઓના આરોગ્યમાં સુધારો થાય તે હેતુસર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન બંધુ કલ્યાણ યોજનાના ભાગરૂપે દૂધ સંજીવની યોજના અમલમાં મૂકી હતી.
દૂધ સંજીવની યોજનામાં ૬ માસથી ૬ વર્ષના બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓની શારીરિક તંદુરસ્તી, પોષણક્ષમતા વિકસાવી તેમના આરોગ્યની કાળજી લેવામાં આવે છે. આ યોજના હેઠળ બાળક દીઠ ૨૦૦ મિલી. ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અઠવાડિયાના ૫ દિવસ અને વર્ષના ૧૦ માસ એટલે કે વાર્ષિક ૨૦૦ દિવસ સુધી દૂધ આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત નવસારી જિલ્લાના આદિજાતી વિસ્તારોની સંપૂર્ણ કાયાપલટ થઇ રહી છે. નવસારી જિલ્લાના આદિજાતી બાળકોના શિક્ષણની સાથે શારીરિક/ માનસિક વિકાસ થાય તેના આરોગ્યમાં સુધારો થાય તે માટે દૂધ સંજીવની યોજના હેઠળ ૬ માસથી ૬ વર્ષના કુલ ૧૪૫૪૪ બાળકો અઠવાડીયામાં પાંચ દિવસ ૨૦૦ મિલી ફ્લેવર્ડ સ્વાદિષ્ટ દૂધનો નિયમિત લાભ લઇ રહ્યા છે. જ્યારે નવસારી જિલ્લાના આદિજાતી વિસ્તારની આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકો, ધાત્રી માતાઓ સહિત ૩૧૪૫૬ લાભાર્થીઓને દૂધ સંજીવની યોજના મારફતે ૩૩૫૫૭૨ દૂધ સંજીવનીના પાઉચ પ્રતિ માસ આપવામાં આવી રહ્યા છે.
નવસારીની ચીખલી તાલુકાના પ્રતાપનગર આંગણવાડીમાં આવતી આરોહી પટેલનું કહેવું છે કે “મને દૂધ બહુ ભાવે છે … મને રોજ આંગણવાડીમાં રમવાની સાથે ટેસ્ટી દૂધ પીવાની ખૂબ મજા આવે છે”. નવસારીના આદિજાતી વિસ્તારમાં અનેક ભૂલકાઓના મોઢે આવી ખુશી જોવા મળે છે. આંગણવાડીમાં આવતા ભૂલકાઓ ધ્વારા બોલા બોલાયેલા આ શબ્દો સરકારની સંવેદનશીલતા, પારદર્શિતા અને આયોજનબદ્ધ રીતે અમલી બનાવાયેલી દૂધ સંજીવની યોજનાની સફળતાની સાબિતી છે.
દૂધ એ સંપૂર્ણ આહાર ગણાય છે અને નાના ભૂલકાઓ માટે આગ્રહ રખાય છે ત્યારે ગુજરાતમાં આદિજાતી બાળકોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા બે દાયકાના અવિરત પ્રયાસથી દૂધ સંજીવની યોજના આદિજાતી ભૂલકાઓ માટે વરદાન સાબિત થઈ છે.
દૂધ સંજીવની યોજનાનો અમલ થવાથી શાળાના બાળકોના સ્વાસ્થ્ય ઉપરની અસરોનો આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદ ધ્વારા અભ્યાસમાં કરાવવામાં આવતા તેના અનેક ફાયદા જોવા મળ્યા છે .
૧. શાળાઓમાં બાળકોના ડ્રોપ આઉટ દરમાં ઘટાડો જોવા મળ્યો છે
૨. અધવચ્ચેથી શાળા છોડી જતા બાળકોનું પ્રમાણ ઘટ્યું છે
૩. બાળકોની હાજરીમાં નિયમિતતા વધી છે
૪. બાળકોના સ્વાસ્થ્ય અને આરોગ્યમાં સુધારો જોવા મળ્યો છે
૫. બાળકોની દ્રષ્ટિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે