
પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ વાંસદા તાલુકાના વાંગણ – બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટની મુલાકાત લીધી
- Local News
- May 8, 2023
- No Comment
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બારતાડ ગામ ખાતે અંદાજીત રૂ. ૧૦૭ કરોડના ખર્ચે વાંગણ અને બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટ તૈયાર થનાર છે. આ જૂથ પાણી પુરવઠા પ્રોજેકટનું આજરોજ રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ મુલાકાત લઇ, જાતમાહિતી મેળવી હતી.અને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો આપી નિયત સમયમર્યાદામાં પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ કરવા તાકીદ કર્યા હતાં.
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વાંગણ અને બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટ સંદર્ભે જણાવ્યું હતું કે, દમણ ગંગા બલ્ક પાઈપલાઈન આધારિત પીવાના પાણીની યોજના અંતર્ગત ૧૯ જૂથ યોજનામાં ૩૯૬ ગામોનો સમાવેશ થયો છે જેના થકી વલસાડ અને નવસારીના ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાનું પાણી સરળતાથી પ્રાપ્ત થશે.
વાંસદા તાલુકામાં નિર્માણ પામી રહેલ વાંગણ અને બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટ રૂ. ૧૦૭ કરોડના ખર્ચ નિર્માણ થશે જેનાથી વાંસદા તાલુકાના ૨૪ ગામો અને ૨૫૮ ફળિયામાં પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. અંતરિયાળ વિસ્તારના ગામના લોકોને નિયમિત પાણી મળી રહે તે માટે સરકારે આ યોજના ૨૦૨૪ સુધીમાં કામ પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો છે .લોકોની સુખાકારીના કામો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા તત્પર છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારી ડી.આઈ.પટેલ, પાણી પુરવઠા અધિકારી પટેલ, અધિકારીઓ/પદાધિકારીઓ,સરપંચો,ગામ આગેવાનો ઉપસ્થિત રહયાં હતાં.