
બુલેટ ટ્રેનની કામગીરી માટે વલસાડ-ગુંદલાવ-ખેરગામ માર્ગ તા.૯ થી ૧૧ મે સુધી બંધ રહેશે
- Local News
- May 9, 2023
- No Comment
વલસાડ જિલ્લાની જાહેર જનતા જોગ જણાવવાનું કે, વલસાડથી ગુંદલાવ થઈ ખેરગામ તરફ જતા એસએચ-૬૭ ઉપર ગોરવાડા ગામ પાસે આવેલા ક્રોસિંગ બ્રિજ નં. ૮૫૯ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ક્રોસિંગ બ્રિજના સુપર સ્ટ્રકચર ગર્ડર સેગમેન્ટની સ્થાપના માટે ગુંદલાવ-ખેરગામ રોડને થોડા સમય માટે બંધ કરવો જરૂરી જણાય છે. ઉપરોક્ત હકીક્ત ધ્યાને લઈ જાહેર જનતાને વિનંની કરવામાં આવે છે કે, ગુંદલાવ – ખેરગામ રોડને બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ક્રોસિંગ બ્રિજના સુપર સ્ટ્રક્ચર ગર્ડર સેગમેન્ટની કામગીરી માટે તા.૯-૫-૨૦૨૩ થી તા.૧૧-૦૫-૨૦૨૩ સુધી રાત્રીના ૨૨-૩૦ કલાકથી વહેલી સવારના ૪-૦૦ કલાક સુધી વાહન વ્યવહાર માટે બન્ને બાજુથી બંધ રાખવામાં આવનાર છે. જેથી ગુંદલાવ થી ખેરગામ તથા ખેરગામથી ગુંદલાવ તરફ વાહનો આવન-જાવન કરી શકશે નહી.
આ રૂટ પરથી પસાર થતા વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે આ મુજબ છે. ગુંદલાવ થી ખેરગામ તથા ખેરગામ થી ગુંદલાવ જતા ફક્ત નાના વાહનો ગોરવાડા ત્રણ રસ્તા થઈ ગોરવાડા ગ્રામ પંચાયત થઈ પાલણ ફાટક થઈ ખેરગામ રોડ તરફ અવર-જવર કરી શકશે. જેની સર્વે જાહેર જનતાને નોંધ લેવા જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ અખબારી યાદીમાં જણાવ્યું છે.