
દક્ષિણ ગુજરાતની એકમાત્ર સરકારી આદર્શ નિવાસી કન્યાશાળા સિધ્ધી : છેલ્લા બે વર્ષથી ધો.૧૦ અને ધો.૧૨નું છેલ્લા આઠ વર્ષથી ૧૦૦ ટકા પરિણામ
- Local News
- June 8, 2023
- No Comment
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી વિમુકત જાતિના બાળકોમાં પણ હવે શિક્ષણથી ભૂખ જાગી છે. અંતરીયાળ ગામડાઓમાં રહેતા આ દિકરા-દિકરીઓ પણ અભ્યાસ કરીને કંઈક બનવાની જાણે તાલાવેલી લાગી છે.
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી વિમુકત જાતિ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થીનીઓને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં વધુ સારૂ શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત રાજયમાં ૩૩ આદર્શ નિવાસી શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, નિવાસ, ભોજન, ગણવેશ, બુટમોજા, સ્ટેશનરી જેવી તમામ સુવિધાઓ વિનામૂલ્યે સરકારશ્રી દ્વારા પુરી પાડવામાં આવે છે. સમગ્ર ગુજરાત પૈકી દક્ષિણ ગુજરાતમાં માત્ર નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આટ (ખંભલાવ) ખાતે આદર્શ નિવાસી કન્યા શાળા(વિ.જા) કાર્યરત છે.
સામાન્ય રીતે જનમાનસમાં એવી છાપ પડી ગઈ છે કે સરકારી સ્કુલોનું ભણતર ખાનગી શાળાઓની તોલે ન આવે. આ માન્યતાને ખોટી પાડી છે જલાલપોર તાલુકાની આટ (ખંભલાવ) ગામની આદર્શ નિવાસી કન્યા શાળા એ. રહેવા જમવાથી માંડીને શિક્ષણ સુધીની તમામ સુવિધાઓ પુરી પાડતી સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા કાર્યરત શાળાના નવનિર્મિત ભવનનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ- લોકાર્પણ થયું હતું. આટ (ખંભલાવ) ગામે રૂા.૧૭.૧૬ કરોડના ખર્ચે આધુનિક સુખ સુવિધાઓ સાથે શાળાનું બિલ્ડિંગ, હોસ્ટેલ બિલ્ડિંગ અને કર્મચારીઓ માટે આવાસ અદ્યતન સુવિધાસભર બનાવ્યા છે.
સમાજ કલ્યાણ અધિકારી એસ.એલ.ચૌધરી શાળા વિશે જણાવતા કહ્યું હતું કે, આ શાળામાં દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વલસાડ અને નવસારી જિલ્લાના બાળકો શિક્ષણ મેળવી રહયા છે. આ બાળકો પણ શહેરી બાળકોની જેમ પરિણામ મેળવવામાં પાછા પડે તેમ નથી. અમારી આ શાળામાં ધો.૧૦માં વર્ષ-૨૦૨૨ નું ૧૦૦ ટકા પરિણામ અને વર્ષ-૨૦૨૩ માં ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે. જયારે ધો.૧૨માં વર્ષ-૨૦૧૬ થી આજદિન સુધી ૧૦૦ ટકા પરિણામ હાંસલ કરીને અનેરી સિધ્ધિ મેળવી છે.
આદર્શ નિવાસી કન્યા શાળાની દિકરીઓ કહે છે કે, જો સરકાર અમોને રહેવા, જમવા સાથેની સંપૂર્ણ સુવિધા સાથેનું શિક્ષણ આપે છે તો અમે પણ રાજય સરકારના સ્વપ્નાઓને અવશ્ય સાકાર કરીશું. આમ રાજય સરકાર દ્વારા શિક્ષણ પાછળ સેવેલા સ્વપ્નને આ શાળા જાણે કે સાકાર કરતી હોય તેની પ્રતિત થઈ હતી.