
નવસારી જિલ્લાના ખેડૂતોએ કમોસમી વરસાદથી બચવા આટલુ કરો
- Local News
- June 8, 2023
- No Comment
નવસારી જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, ગુજરાત સરકારના હવામાન વિભાગના વેધર બુલેટિનથી મળેલી સૂચના મુજબ આગામી તા.૦૯/૦૬/૨૦૨૩ થી તા.૧૧/૦૬/૨૦૨૩ સુધી દક્ષિણ ગુજરાતના નવસારી સહિત અમુક જીલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના હોઈ સાવચેતીના પગલાં લેવા નાયબ બાગાયત નિયામકની કચેરી,નવસારી દ્વારા જણાવવામાં આવે છે.
જે અન્વયે કમોસમી વરસાદથી પાક નુક્સાનથી બચવા ખેતરમાં કાપણી કરેલ પાક બાગાયતી પાક ખુલ્લા હોઈ તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવું અથવા તાડપત્રી/ પ્લાસ્ટીકથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. આંબાની ખેતી કરતાં ખેડૂત ભાઇઓએ ઉત્પાદન અવસ્થાએ કેરીને ઉતારીને સુરક્ષિત સ્થાને સંગ્રહ કરવો.
પપૈયા, કેળ, જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી. પાક ઉપર જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયે ટાળવો. કમોસમી વરસાદ બાદ ફળ, ફુલ અને શાકભાજી પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધે તેવું જણાય તો યોગ્ય નિયંત્રક પગલા લેવા. એપીએમસીમા વેપારી મિત્રો અને ખેડૂત ભાઇઓએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે.
માર્કેટ યાર્ડમાં આ દિવસોમાં ખેત પેદાશો ખુલ્લી જગ્યામાં ન રાખતા સુરક્ષિત સ્થળે રાખવા જણાવવામાં આવે છે .વધુમાં આ સમયગાળા દરમિયાન બાગાયતી પાકોમાં પિયત આપવાનું ટાળવું. આ ઉપરાંત ખેડૂતોએ નવસારી ક્રુષિ યુનિવર્સિટી દ્વારા જણાવેલ પગલા લેવા જણાવાયું છે.
આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામક કચેરી, જુની જીલ્લા તિજોરી કચેરીની બાજુમાં,પોલીસ ગેટ,મોટા બજાર, નવસારી ફોન નં. ૦૨૬૩૭-૨૮૧૮૫૮ , ઇ-મેઇલ- ddh.navsari@gmail.com પર સંપર્ક કરવા જણાવાયું છે.