નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્તે ગણદેવી ખાતે આપાતકાલીન સાધન સહાયનું વિતરણ તથા નવનિયુક્ત આરોગ્ય વિભાગના કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા
- Local News
- June 21, 2023
- No Comment
ગણદેવી તાલુકાના પૂરપ્રભાવિત વિસ્તારમાં પાંચ બોટ તથા બચાવ રાહત માટે ગ્રામ પંચાયતોને ૬૫ કીટ આપવામાં આવી.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કોળી સમાજની વાડી ખાતે નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્તે ગણદેવી તાલુકાના પુરથી પ્રભાવિત વિસ્તારમાં કુલ પાંચ બોટ તથા પુર સમયે બચાવ રાહત માટે ગ્રામ પંચાયતોને ૬૫ આપદામિત્ર કીટસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે આરોગ્ય વિભાગના ૧૫ કમ્યુનીટી આરોગ્ય ઓફિસર કર્મચારીઓને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાવીર વૃધાશ્રમ બીલીમોરા માટે ભગવાન શિવના પ્રસાદરૂપે ૯૭૨ જેટલી કીટનું પણ વિતરણ મહાનુભાવોના હસ્તે આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધન કરતા ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ તથા નવસારીના સાંસદ સી.આર.પાટીલએ જણાવ્યું હતું કે, ગણદેવી તાલુકાને આપાતકાલીન સાધનો તથા બોટ મળવાથી ગયા વર્ષની પુર જેવી સ્થિતિ આ વખતે નહી સર્જાય અને રાહત અને બચાવ કાર્યમાં સરળતા ઉભી થશે.

ગયા વર્ષ નવસારીમાં ગણદેવી તાલુકામાં પુર જેવી પરિસ્થતિમાં જિલ્લા વહીવટી તંત્ર તથા ગામના યુવાનોએ જે સંવેદનશીલતાથી રાહત અને બચાવ કાર્યમાં ખડેપગે ઉભા રહી સેવા કરી હતી તે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. ગણદેવી તાલુકાના પૂરગ્રસ્ત ગામો માટે હજી વધુ પાંચ બોટ અને ૩૦૦ આપાતકાલીન કીટ આપવામાં આવશે તેની ખાતરી સાંસદ સી.આર.પાટીલએ આપી હતી.

સાંસદ સી.આર.પાટીલએ વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકારે થોડા સમય પહેલા આવેલ બીપરજોય વાવઝોડા દરમિયાન એક પણ માનવ જાનહાની ન થઈ તે માટે સરકારે અને ગુજરાતની જાગૃત જનતાએ ખુબ સંવેદનશીલ અભિગમથી કામ કર્યું છે. ગુજરાતમાં કોઈ પણ કુદરતી આફત આવતી હોય ત્યારે સરકાર હમેશાં ઝિરો કેજ્યુલીટી લક્ષ્ય સાથે સંવેદનશીલ અભિગમથી કાર્ય કરે છે.

આ પ્રસંગે ગણદેવીના ધારસભ્ય નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગણદેવી તાલુકામાં ઉપરવાસના વરસાદી પાણીની આવક વધુ હોવાથી આપાતકાલીન સાધનો ચોક્કસ અસરગ્રસ્ત ગામોના રાહત અને બચાવ કામોમો ખુબ ઉપયોગી થઇ રહેશે.

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે ગયા વર્ષે ગણદેવી તાલુકામાં આવેલા પુર જેવી પરિસ્થિતિમાં ગામના યુવાન તરવૈયાની રાહત બચાવની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, ગણદેવી તાલુકા અને નગરપાલિકાના પ્રમુખો, તાલુકાના અધિકારીઓ અને ગણદેવી ગામના સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.