નવસારીના સીને ડ્રીમ્ઝ પ્રોડક્શન દ્વારા 2 એકાંકી નાટકોની ભજવણી થઇ
- Entertainment
- June 27, 2023
- No Comment
નવસારીની કલાપ્રિય જનતાને અવાર નવાર એકાંકી નાટકોની રમઝટ મળે જ છે. જેમાં નાટ્ય જગતમાં પ્રથમ વખત જ પગ મુકનાર સીને ડ્રીમ્ઝ પ્રોડક્શન દ્વારા ખૂબ જ સુંદર એવા 2 એકાંકી નાટકો નવસારીની “સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એકસેલન્સ” ના હોલમાં ભજવાયા. બંને નાટકોને દર્શકોનો અભિભૂત આવકાર મળ્યો હતો. વર્ષ ૨૦૧૫ માં નવસારીના ચિરાગ ભટ્ટ અને અનિલ શર્મા દ્વારા સીને ડ્રીમ્ઝ પ્રોડક્શનની શરૂઆત કરવામાં આવી હતી. 8 વર્ષ જેટલા ટૂંકા સમયમાં આ પ્રોડક્શન દ્વારા 19 શોર્ટ ફિલ્મ્સ, 1 કોમેડી શો, 1 વેબ સીરીઝનું નિર્માણ થયું છે. નાટ્યક્ષેત્રે સૌપ્રથમ વખત જ પોતાના અભિનયનો ઓજસ પાથરવા સીને ડ્રીમ્ઝ પ્રોડક્શનના કલાકારો મંચસ્થ થયા હતા.
શો માં પ્રથમ નાટક કબીર ઠાકોર દ્વારા લિખિત અને રાજ સાચલા દિગ્દર્શિત “A TALE OF TEARS” ભજવાયું હતું. કોમી રમખાણો દરમિયાન સામાન્ય પરિવારની દિકરી પર થયેલા બળાત્કાર માટે ન્યાય અપાવવા પર આધારિત આ નાટકમાં મુખ્ય ભૂમિકામાં રાજ સાચલા, દેવાંશી પારેખ, હેતશ્રી ભટ્ટ, મનોજ બાખરું, જીતેન્દ્ર જોશી રહ્યા હતા. આ ઉપરાંત જય દેસાઈ, ગોપી ભટ્ટ, કિરણ ચુડાસમા, જય શર્મા, મિષ્ટી વ્યાસ, સમીર દેસાઈ એ પોતાના અભિનયથી સૌના દિલ જીતી લીધા હતા તેમજ રાજ સાચલાનું દિગ્દર્શન તેમજ સંસ્કાર સાચલા દ્વારા અપાયેલ સંગીત ખૂબ જ વખણાયું હતું અને ચિરાગ ભટ્ટ તેમજ રાજ સાચલા દ્વારા થયેલ સ્ટેજ સજ્જા પણ કાબિલે તારીફ રહ્યા હતા.
બીજું નાટક નવસારીના જ પોતીકા લેખક તેમજ નાટ્યક્ષેત્રે જેઓ ગુરુનું સ્થાન ધરાવે છે તેવા પીયૂષ ભટ્ટ દ્વારા લિખિત અને ચિરાગ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત કોમેડી નાટક “એક માણસને એવી ટેવ” ભજવાયું હતું. સરકારી ઓફિસના કામકાજ પર કટાક્ષ કરતુ તેમજ કર્મચારીઓ દ્વારા જાહેર જનતા સાથે થતાં દુર્વ્યવહાર પર આધારિત આ નાટક વર્ષ ૧૯૮૬ માં લખાયેલ હતું. નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા ચિરાગ ભટ્ટના સંગીતબદ્ધ જુના ફિલ્મી ગીતોએ સૌને મોહિત કર્યા હતા. આ સિવાય આ નાટકમાં હેતવી જોશી, મનોજ બાખરું, ભાવના પારેખ, જય શર્મા, રાજ સાચલા, હેતશ્રી ભટ્ટ, ગોપી ભટ્ટ, જય દેસાઈ એ ખૂબ જ કોમેડી અંદાજમાં પ્રેક્ષકોને હસાવ્યા હતા અને ગીતોના તાલે ડોલાવ્યા હતા.
બંને નાટકોમાં પ્રકાશ આયોજન અને સંચાલન ખૂબ જ મહત્વના હોઈ પ્રકાશ આયોજન સંતોષ જતકર દ્વારા તેમજ પ્રકાશ સંચાલન સુમિત રાણા દ્વારા આ બીડું ઝડપી લેવામાં આવ્યું હતું. બંને નાટકોનું સંગીત સંસ્કાર સાચલાએ આપ્યું હતું….. અત્રે ખાસ નોંધનીય છે કે સીને ડ્રીમ્ઝ પ્રોડક્શન દ્વારા ભજવાયેલ બંને નાટકોમાં ચિરાગ ભટ્ટ અને રાજ સાચલા સિવાયના બધા જ કલાકારો પહેલી જ વખત સ્ટેજ પર લાઈવ નાટક ભજવી રહ્યા હતા.
ચિરાગ ભટ્ટ અને રાજ સાચલા સિવાય બધા જ સ્ટેજના બિન અનુભવી કલાકારો, છતાં ઉત્કૃષ્ટ નાટકો ભજવાયા