
ન. પ્રા. મિશ્રશાળા નં.2,સરબતિયા તળાવ,નવસારી ખાતે બાળ-સંસદની ચૂંટણી યોજાઈ
- Local News
- June 29, 2023
- No Comment
આજના બાળકોએ આવનારા સમયમાં પોતાનું તેમજ દેશના વિકાસશીલ બનાવવા વિભિન્ન ક્ષેત્રોમાં પોતાના મતનો ઉપયોગ કરનાર છે.ત્યારે ગતરોજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત મિશ્રશાળા નં.2,સરબતિયા તળાવ શાળામાં વિદ્યાર્થી સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ તૈયારીરૂપે ઉમેદવારોને લોકશાહી ઢબે ચિઠ્ઠી ઉછાળી ચૂંટણી પ્રતીકો જેવાં કે પુસ્તક, કોમ્પ્યુટર, શાળા,ઘડિયાળ ફાળવવામાં આવ્યા હતા. ઉમેદવારોએ પોતાનો પ્રચાર તથા ચૂંટણી ઢંઢેરો કર્યો હતો.
ધો. 5 થી 8 ના બાળકોને બેલેટ પેપર (મતપત્ર)નું નિદર્શન કરવામાં આવ્યું હતું .ચૂંટણી પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. તેમના બેનરો બનાવવામાં આવ્યા હતા. બાળકોના સહકારથી મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું. મતદાન મથકોના બેનરો લગાવવામાં આવ્યા હતા અને ઉદ્ઘાટનનો શણગાર કરવામાં આવ્યો હતો.
શાળાના SMC અધ્યક્ષ ફેમીદાબેન તથા મુખ્ય મહેમાન તરીકે મિશ્ર- 4 ના મુખ્યશિક્ષક શ્રી દિવ્યેશભાઈના વરદ્હસ્તે રીબન કટિંગ,ફુગ્ગાઓ ફોડી શાળા પંચાયતની ચૂંટણીને ખુલ્લી મુકવામાં આવી હતી. ત્યારબાદ એસએમસી સભ્યો,વાલીઓ, શિક્ષકો તથા ધોરણ 5 થી 8 ના તમામ બાળકોએ પ્રત્યક્ષ રીતે ચૂંટણી માટે મતદાન કર્યું હતું.
મતદાન સમયે ચૂંટણી ફરજ પરના સ્ટાફ, માઇક્રો-ઓબ્ઝર્વર, ચૂંટણી કમિશ્નર,મીડિયાકર્મી ,એક્ઝિટ પોલ,મતદાન એજન્ટો,પોલીસ સ્ટાફ તમામે પોતપોતાની ફરજ બજાવી હતી. મતદાન બાદ ઉમેદવારોની હાજરીમાં મતગણતરી કરવામાં આવી હતી.
મતગણતરી બાદ શાળાના મહામંત્રીની જાહેરાત કરવામાં આવી હતી. જીતેલા ઉમેદવારોને હારેલા ઉમેદવારો દ્વારા ફૂલહાર પહેરાવી બહુમાન કરવામાં આવ્યુ હતું.ત્યારબાદ ઢોલ નગારાના તાલે હારેલા ઉમેદવારોએ જીતેલા ઉમેદવારોને ખભે બેસાડી શાળા પરિસરમાં રેલી યોજવામાં આવી હતી.
બાળકોએ ઉમંગ અને ઉલ્લાસ સાથે રેલીમાં ભાગ લીધો હતો.બાદ મહામંત્રીશ્રીઓએ શપથ લીધા હતા. આમ આજના આ સમગ્ર ચૂંટણીના માહોલમાં બાળકોએ લોકશાહી પ્રણાલીનો પ્રત્યક્ષ રીતે અનુભવ મેળવ્યો હતો. ચૂંટણી,ગુપ્ત મતદાન પદ્ધતિ,ઉમેદવાર ,બેલેટ પેપર (મતપત્ર), એક્ઝિટ પોલ, મતદાન, મતદાન-મથક,મતદાન કુટિર, પ્રિસાઈડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મતદાન એજન્ટ જેવા પારિભાષિક શબ્દોથી બાળકો પરિચિત થયા હતા. આમ આજનો બાળ-સંસદની ચૂંટણીનો અનુભવ બાળકો માટે યાદગાર અનુભવ બની રહ્યો હતો.