નવસારી જિલ્લા પ્રભારી સચિવની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ:સાફસફાઇ, રોગચાળો અટકાવવાના પ્રયાસો તથા ચોમાસામાં તકેદારીના પગલાંઓ પર વિશેષ માર્ગદર્શન આપ્યું
- Local News
- June 30, 2023
- No Comment
નવસારી જિલ્લા પ્રભારી સચિવ કે.કે.નિરાલાએ આજ રોજ જિલ્લા સેવા સદન, કાલિયાવાડી નવસારી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેઓશ્રીએ જિલ્લામાં કાર્યરત તથા આગામી સમયમાં હાથ ધરાનાર વિવિધ પ્રકલ્પો તથા અભિયાનો વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી અને સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરુ પાડયું હતું.
પ્રભારી સચિવે જિલ્લામાં ચાલી રહેલા મહત્વના પ્રોજેકટસ જેવા કે, વડોદરા-મુંબઇ એકસપ્રેસ-વે, મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ (બુલેટ ટ્રેન), બોડેલી-તાપી નેશનલ હાઇ-વે ૫૬ ચાર માર્ગીય, રેલ્વે ઓવરબ્રીજ, વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર, સુજલામ સુફલામ જળ અભિયાન આયોજન, કુપોષણમુકત નવસારી અભિયાન, નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ નગરરચના યોજના, ઇ-શ્રમ, પી.જી.પોર્ટલ, સી.એમ.પોર્ટલ, સ્વાગત, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ, સ્વામિત્વ યોજના, આત્મા પ્રોજેકટ વિગેરે વિશે ખાસ સમીક્ષા હાથ ધરી હતી.
ઉપરાંત, તાજેતરમાં ગુડ ગવર્નન્સ ઇન્ડેક્ષ હેઠળ નવસારી જિલ્લાને સમગ્ર રાજયમાં મળેલ સર્વોચ્ચ સન્માન વિશે પ્રભારી સચિવે હાજર સૌને ખાસ અભિવાદન પાઠવ્યા હતાં અને આવતાં સમયમાં પણ શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ તથા જનસલામતી જેવા મહત્વના સેવા આયામોને વધુ સુદઢ અને સરળ કરવા પ્રેરકબળ આપ્યું હતું.
વધુમાં, વર્તમાન ચોમાસાની ઋતુમાં રોગચાળો ન ફેલાય તથા જો કોઇ પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો માઇક્રો-લેવલ આયોજન થકી જનસલામતી સુનિશ્રિત કરવા ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે સંબંધિત વિગતો આપી તેમની પર વિસ્તૃત ચર્ચા કરી જિલ્લાની રૂપરેખા પૂરી પાડી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, નાયબ વનસંરક્ષક નિશા રાજ, નિવાસી અધિક કલેકટર કેતન જોશી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.