“સિકલસેલ એનિમિયાના રોગને જડમૂળથી નાબૂદ કરવાના રાષ્ટ્રવ્યાપી ઝુંબેશમાં નર્મદા જિલ્લાની આગેકૂચ”
- Uncategorized
- July 1, 2023
- No Comment
મધ્યપ્રદેશથી રાષ્ટ્રીયકક્ષાના ‘સિકલસેલ નાબૂદી’ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યા બાદ દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણને રાજપીપલામાં પણ સૌએ નિહાળાયો
દેશના આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી સિકલસેલ એનિમિયા રોગને જડમૂળથી સમાપ્ત કરવાના ઉમદા આશય સાથે દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે મધ્યપ્રદેશ ખાતેથી રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નિર્મૂલન “નેશનલ સિકલ સેલ મિશન ૨૦૪૭” શુભારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-૧ રાજપીપલા ખાતે ‘રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નિર્મૂલન અભિયાન’ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લાના આરોગ્ય વિભાગનું કુશળ નેતૃત્વ કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકે જણાવ્યું કે, સિકલસેલ એનિમિયાના વારસાગત રોગને અટકાવવા માટે પ્રિ મેડિકલ કાઉન્સલિંગ, સંપુર્ણ રસીકરણ, નિયમિત લેબોરેટરી તપાસ સહિત સમતોલ આહાર થકી દર્દી એક તંદુરસ્ત જીવન જીવી શકે છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં સિકલસેલની સારવાર માટેની સ્ક્રિનિંગ થાય છે.
સિકલસેલના દર્દીઓની યોગ્ય કાળજી રાખીને સમયાંતરે યોગ્ય તપાસ-સારવાર કરવા અંગે સમજણ પુરી પાડતા ડો. માઢકે વધુમાં ઉમેર્યુ કે, નર્મદા જિલ્લાના તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, ૨૮ પ્રા.આ.કે. અને તમામ ૧૭૪ પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે આજથી ડિથિઓનાઈટ ટ્યુબ ટર્બિડિટી-ડીટીટી તપાસ વ્યવસ્થા, પોઝીટીવ આવેલ દર્દીઓ માટે HPLC સેમ્પલ કલેક્શનની વ્યવસ્થા તથા અર્બન હેલ્થ સેન્ટર સહ પોલીક્લીનીક ખાતે સારવાર અને કાઉન્સેલિંગની નિ:શુલ્ક વ્યવસ્થા અંગે જરૂરી સમજ પુરી પાડી હતી.
વડાપ્રધાનના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ ના મંત્રને ચરિતાર્થ કરીને રાજ્ય સરકાર સહિત નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને ડીડીઓ અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નાગરિકોને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સહિત લોકજાગૃતિ માટે પણ ઉત્તમ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા ભાવિ આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મધ્યપ્રદેશમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના ‘રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નિર્મૂલન અભિયાનનો શુભારંભ કરાવ્યા બાદ દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, સિકલસેલ એનિમિયાના દર્દીઓના યોગ્ય સારવાર અને લોકજાગૃતિ આણી આ રોગને નિયંત્રિત કરીને એક બહેતર જીવન જીવવા અંગેની દિશામાં આગળ વધી વર્ષ ૨૦૪૭ સુધીમાં સિકલસેલ રોગને જડમૂળથી સમાપ્ત કરવા માટે આહ્વાન કર્યુ હતુ.
રાજપીપલા ખાતે આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયેલા લાભાર્થીઓએ પણ સિકલસેલ એનિમિયા રોગને નાબૂદ કરવાના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવતા વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. ત્યાર બાદ દર્દીઓ/લાભાર્થીઓને આયુષ્માન અને સિકલસેલ કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે (પ્રોબેશન અધિકારી) આઈ.એ.એસ પ્રતિભા દહિયા, જિલ્લા ક્ષય અધિકારી ડો. ઝંખનાબેન વસાવા, એપિડેમીક મેડિકલ ઓફિસર ડો. આર.એસ.કશ્યપ, ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો. શમતેશ્વર ચૌધરી, મેડિકલ ઓફિસર ધનંજય વલવી, ડો. રવિ દેશમુખ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યાં હતાં.