
ઘોડવણી ગામનું ઈ-ગ્રામ સેન્ટર બન્યું ગ્રામજનોનું ડિજીટલ પ્લેટફોર્મ:આંગણીના વેઢાં પણ ઓછા પડે એટલી બધી સરકારી સેવાઓ ઈ-ગ્રામ થકી અમારા ગામના લોકોને મળી રહી છે:સરપંચ ઉમેશભાઈ પટેલ
- Local News
- July 13, 2023
- No Comment
ઘોડવણી ગામના લોકોને ઘરઆંગણે જ રાશનકાર્ડ, આવકના દાખલાઓ,લાઈટ બીલ અને કૃષિ સેવાઓ ઈ-ગ્રામ સેન્ટર પરથી જ ઉપલબ્ધ થઈ રહી છે
ગ્રામ્ય નાગરિકોને સરકારી કામકાજોને લગતી ઓનલાઇન સુવિધાઓ ગામમાં જ આપીને વિકાસમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ અને શહેરી-ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનું ટેકનોલોજીકલ અંતર દૂર કરી ગ્રામ્ય નાગરિકોને સશક્ત કરીને તેમની ભાગીદારી વધારવાના હેતુથી “ઇ-ગ્રામ વિશ્વગ્રામ” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ગ્રામ પંચાયત સ્તરે જરૂરી પ્રાથમિક માળખાગત સુવિધાઓ આપીને સરકારની તમામ ઓનલાઇન સેવાઓ પુરી પાડવા માટેના એકમો ઈ-ગ્રામ સેન્ટર સ્થાપવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ડિજીટલ ઇન્ડિયા’ની પહેલ કરી. તેના મૂળમાં સૌપ્રથમ ગ્રામીણ વિસ્તાર ડિજીટલ હોવા જરૂરી છે. આ હેતુને પાર પાડવા માટે તેમના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળમાં તેમણે વર્ષ ૨૦૦૯માં હરિપુરાથી રાજ્યના ગ્રામ પંચાયતોમાં ‘ઈ-ગ્રામ વિશ્વગ્રામ’ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.
રાજ્યના છેવાડાના આદિજાતી વિસ્તારમા આવતુ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલ ઘોડવણી ગામનાં ઈ-ગ્રામ સેન્ટરે આજે ગ્રામજનો માટે ડિજીટલ પ્લેટફોર્મ બની પોતાની આગવી ઓળખ બનાવી છે. ગામના લોકોને સરકારી કામકાજને લગતી ઓનલાઇન સુવિધાઓ ગામમાં જ મળી રહેતી હોવાથી સરકારી કાર્ય માટે જિલ્લા, તાલુકા અને ગામ વચ્ચેનું અંતર ગામના લોકો માટે દૂર થયું છે.
ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા ગ્રામ્ય કક્ષાએ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ડિજીટલ સેવા સેતુ ઉપક્રમ અંતર્ગત ઇ-ગ્રામ સેન્ટરોમાં જુદી જુદી પ્રકારની સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે, જેનાથી ઘોડવણી ગામના લોકોને હવે ૩૦ કી.મી દૂર તાલુકા મથકે જવાની જરૂર પડતી નથી અને પોતાના ગામમાં જ સરકારી સુવિધાઓ મળી રહે છે. યોજનાઓનો લાભ મેળવવા કે સાધનિક ડોક્યુમેન્ટ કઢાવવા માટે ગામથી પ્રવાસ કરીને તાલુકા પંચાયત કચેરી સુધી જવાની ગ્રામીણ પ્રજાની તકલીફ દૂર થઇ છે. ગ્રામ્ય નાગરિકો પોતાના ગામમાં જ રેશનકાર્ડ, સરકારી યોજનાઓ, વિવિધ પ્રમાણપત્રો, વીજળીનું બીલ, ટીકિટ બુકિંગને લગતી અનેક સેવાઓ નજીવા સર્વિસ ચાર્જ આપીને મેળવી રહ્યા છે.
ઘોડવણી ગામના સરપંચ ઉમેશભાઈ પટેલે ઈ-ગ્રામ સેન્ટર વિશે જણાવ્યું કે આજે આંગણીના વેઢાં પણ ઓછા પડે એટલી બધી સરકારી સેવાઓ ઈ-ગ્રામ થકી અમારા ગામના લોકોને મળી રહી છે. અમારા ગામના લોકોને સરકારની મોટાભાગની સેવાઓ ગ્રામ પંચાયતમાં જ મળી રહી છે, જેના માટે પહેલા તાલુકા મથકે અને મામલતદાર કચેરીએ જવું પડતું હતું . જેથી ગામના લોકોના સમય અને રૂપિયાનો વધુ ખર્ચ થતો હતો. ચીખલી તાલુકાના અંતરિયાળ ગામમાં વસતા અમારા જેવા આદિજાતી બંધુઓ માટે ઈ-ગ્રામ સેન્ટરએ ગામની ડિજીટલ જીવાદોરી સમાન છે.
ગામના વડીલ આગેવાન મોહનભાઈ પટેલે ઈ-ગ્રામ સેન્ટરના ફાયદાઓ વિશે કહ્યું કે ગ્રામ પંચાયતમાં ઓનલાઈન સુવિધા ખૂબ ઝડપી મળી રહે છે. પહેલા મારા ઘરનું લાઈટબીલ ભરવા માટે ગામથી દૂર રૂમલા પાવર સબ સ્ટેશન જવું પડતું હતું જે હવે ગ્રામ પંચાયતમાં જ લાઈટબીલનું ચૂકવણું થતું હોઈ અમારા સમયમાં ઘણો બચાવ થયો છે અને જેથી હવે હું ખેતી કામમાં વધુ સમય ફાળવી શકું છું.
ઈ-ગ્રામ કેન્દ્રના લીધે કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણની ક્ષિતિજો પણ વિસ્તરી છે. ગુજરાતના અંતરિયાળ ઘોડવણી જેવા ગામના લોકોને ગ્રામ પંચાયતમાં તમામ યોજનાઓનો લાભ પહોચાડવાના કેન્દ્ર તરીકે ઈ-ગ્રામ સેન્ટર ડિજીટલ યુગમાં ગ્રામજનો માટે વરદાન સમાન છે. ગ્રામીણ સ્તરે માહિતી એકત્રીકરણ તથા સેવા માટે ઈ-ગ્રામ સેન્ટરો તૈયાર થયા છે અને ગ્રામજનોની સુવિધામાં વધારો થયો છે. આજે ગુજરાતમાં કાર્યરત ઈ-ગ્રામ સેન્ટરો ગ્રામજનો અને સરકાર વચ્ચે સેતુ સમાન કામ કરી “ઇ-ગ્રામ વિશ્વગ્રામ”ના સંકલ્પને સિદ્ધ કરી રહ્યા છે.
:ગ્રામ પંચાયતના ઈ –ગ્રામ સેન્ટર ખાતે ઉપલબ્ધ સુવિધાઓ :
ઇ-ગ્રામ સેન્ટરોમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ હેઠળ રેશનકાર્ડનું સોગંદનામું, નામ ઉમેરવા, ડુપ્લિકેટ રેશનકાર્ડ, નવા રેશનકાર્ડ, કાર્ડમાં સુધારો, નામ બદલવા, નામ રદ કરવા સહિતની અરજીઓ, ગૃહ વિભાગ અંતર્ગત વાંધા પ્રમાણપત્ર, ભાડુઆતની નોંધણી, એફ.આઇ.આરની નકલ, પોલીસ ચકાસણી પ્રમાણપત્ર, સિનિયર સિટીઝન નોંધણીની અરજી, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત આવક અંગેનું સોગંદનામું, આવકનો દાખલો, વરીષ્ઠ નાગરિક તેમજ અધિનિવાસ પ્રમાણપત્રની અરજીઓ, બંદરો અને વાહનવ્યવહાર વિભાગ અંતર્ગત નવો પાસ, ટિકિટ બુકિંગ કે રદ કરવા, મુસાફર પાસ રીન્યુ માટે અરજીઓ, મહેસૂલ વિભાગ અંતર્ગત ઇ-ચલન, હકપત્રક ગામ નમૂના નં. ૬, ગામ નમૂના નં. ૭, ૮ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરી શકાય છે.
ઉપરાંત, મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિધવા સહાય આવક સોગંદનામુ, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય વિધવા સહાય યોજના, વહાલી દીકરી યોજના, વિધવા હોવા અંગે પ્રમાણપત્રની અરજી, સામજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટમોચન) યોજના, દિવ્યાંગ પાસ યોજના, સંત સુરદાસ યોજના, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના, જાતિ અંગે સોગંદનામું, ભાષાકીય, ધાર્મિક લઘુમતી, વિચરતી વિમુક્ત જાતિ, બિનઅનામત વર્ગોના પ્રમાણપત્ર, સમરસ છત્રાલય પ્રવેશની અરજી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત જન્મ, મૃત્યુના પ્રમાણપત્રની અરજી, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અંતર્ગત વીજ બિલ ચુકવણી કરી શકાય છે. તેમજ બિઝનેસ ટુ કસ્ટમર (બીટુસી) સેવાઓ અંતર્ગત રેલવે, એરલાઇન, બસ ટીકિટ બુકિંગ, ટેલિફોન, મોબાઇલ, ડી.ટી.એચ., ગેસના બિલ પેમેન્ટ તથા વીમા, બેંકિંગ સેવાઓ આપવામાં આવે છે.
ઘોડવણી ઈ – ગ્રામ સેન્ટર પરથી “બિઝનેશ ટુ સિટિઝન” સેવા અંતર્ગત છેલ્લા વર્ષમાં કુલ રૂ.૫૫ લાખના ડિજીટલ વ્યવહાર થયા છે