
નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ ઝુંબેશ અભિયાન હાથ ધરાયું
- Local News
- July 23, 2023
- No Comment
નવસારી શહેરમાં સયાજીરાવ ગાયકવાડના સમયથી નખાયેલી ડ્રેનેજ સિસ્ટમમાં આજદીન સુધી તેનો ઉપયોગ કરવાની સાથે ખાસ કોઈ બદલાવ આવ્યો નથી. સાથે જ નવસારી શહેર વિકાસની હરણફાળ ભરત કેટલાક બિલ્ડરો ધ્વારા વરસાદી ગટર લાઈનમાં પોતાના બાંધકામ ના ડ્રેનેજનું જોડાણ કરતા નવસારી શહેર માત્ર ચાર કલાકમાં બેટમાં ફેરવાય ગયું હતું. શુક્રવાર અને શનિવાર એમ છેલ્લા બે દિવસથી અને ખાસ કરીને શનિવારના રોજ બપોરે વરસેલા મુશળધાર વરસાદના કારણે નવસારી શહેર અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.
નવસારી શહેરમાં ગઈકાલે 13 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઈને જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. સૌથી વધુ અસર જલાલપોર અને નવસારી તાલુકામાં થઈ હતી. માત્ર ચાર કલાકમાં વરસેલા વરસાદને કારણે નવસારી શહેર બેટમાં ફેરવાયું નવસારી શહેરના મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અને ઠેર ઠેર ટ્રાફિકજામ અને પાણી ભરાવવાની ઘટના સામે આવી હતી. નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થતા દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન સાથે રહેણાંક મકાનોમાં રહેતા લોકો ઘરોમાં કેદ થયા હતા. ત્યારે આવી પરિસ્થિતિ ભવિષ્યમાં નિર્માણ ન થાય તે માટે નવસારીવિજલપોર નગરપાલિકા પદાધિકારીઓ તેમજ અધિકારીઓ આ માટે યોગ્ય પગલાંઓ લેવા રહ્યા. શનિવાર રાત સુધી માં શહેર માર્ગ ઉપર પાણી ઓસરતા જ્યાં ને ત્યાં ગંદકી તેમજ કચરા દેખાવા લાગ્યા હતા.
નવસારી શહેર રોગચાળા ન ફેલાય તેને અનુલક્ષીને નવસારી- વિજલપોર નગરપાલિકાની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરીઓ હાથ ધરાઇ હતી. જે પૈકી રસ્તા સાફસફાઇ, પાણીનો નિકાલ, યાતાયાતની સમસ્યાઓ, વીજપુરવઠો, ડ્રેનેજ સફાઇ કામગીરીઓ થકી જનજીવનને ફરી વેગવંતુ કરવા સતત યુધ્ધના ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે.