વરસાદને પગલે સંભવિત પરિસ્થિત અંગે સાંસદ સી. આર.પાટીલે વિચાર વિમર્શ કરી જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા
- Local News
- July 29, 2023
- No Comment
વરસાદ અને ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે અને વધે તો પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીમાં સંભવિત પૂરની પરિસ્થિતિને અનુલક્ષીને શહેરના નિચાણવાળા વિસ્તારોમાં બચાવ અને રાહતની વ્યૂહરચનાના ભાગરૂપે નવસારી સાંસદ સી. આર.પાટીલે આજે સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, પ્રાયોજના વહિવટદાર આનન્દુ સુરેશ, આસીસ્ટન્ટ કલેકટર ઓમકાર શિંદે તથા જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટેના આગોતરા આયોજન અંગે માર્ગદર્શક સુચનાઓ આપી હતી.
સાંસદ સી. આર.પાટીલે જણાવ્યું હતું કે હાલમાં વરસાદ છે અને પૂર્ણાની સપાટી ભયજનક સપાટીથી નજીક પહોંચે છે.

જ્યારે ઉપરવાસમાં જો ભારે વરસાદ થાય તો જેને પરિણામે પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીમાં પૂર આવવાની શક્યતાઓ રહેલી છે.
સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે નવસારી શહેરના નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવું પડે તો જરૂરી આશ્રયસ્થાનો નિયત કરવા,આશ્રય સ્થાનોની સાફ-સફાઈ, ફૂડ પેકેટ, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ માટે જરૂરી વ્યવસ્થા કરવા તેમણે વહીવટી તંત્રના અધિકારીઓને સુચનાઓ આપી હતી.
સાંસદે સંભવિત પૂરની સ્થિતિમાં કોઈ જાનમાલનું નુકશાન ન થાય તે અંગેની આગોતરી વ્યવસ્થા કરવા તેમને નગરપાલિકાના તંત્રવાહકોને જણાવ્યું હતું.