
યુવા ઉત્સવમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં તાતા ગર્લ્સ શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા
- Local News
- August 8, 2023
- No Comment
જીલ્લા યુવા વિકાસ અધિકારી અને જીલ્લા રમત-ગમત અધિકારી કચેરી, નવસારી દ્વારા યુવા ઉત્સવ : 2023-2024 અંતર્ગત જીલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં બાઈ નવાજબાઈ તાતા ગર્લ્સ હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરતા તાલુકા કક્ષાએ અનેરી સિદ્ધિ મેળવી જીલ્લા કક્ષાએ પોતાની શાળાનું નેતૃત્વ કર્યું હતું.
નવસારી ખાતે તા. 5-08-2023નાં રોજ યોજાયેલ આ સ્પર્ધામાં પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરતા વકતૃત્વ સ્પર્ધામાં ટંડેલ માધવી પ્રથમ તેમજ શીઘ્ર વકતૃત્વમાં દ્વિતીય અને ખુલ્લા વિભાગની ભજન સ્પર્ધામાં ભરવાડ કાજલ પ્રથમ સ્થાન મેળવ્યું છે. સ્પર્ધામાં પોતાના પરિશ્રમ દ્વારા નંબર મેળવી બાળકોએ શાળાને ગૌરવ અપાવ્યું છે.
આ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષક ગૌરવભાઈ, શિક્ષિકા કૃપાબેન અને સરોજબેને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્યા યાસ્મીનબેન પટેલ તેમજ શાળાપરિવારના શિક્ષકમિત્રોએ બાળકો તેમજ સ્પર્ધાની તૈયારી કરાવનાર શિક્ષકોને અભિનંદન પાઠવ્યાં હતા. આ સ્પર્ધાના પ્રથમ ક્રમના વિદ્યાર્થીઓ હવે પ્રદેશ કક્ષાએ પોતાનાં હુન્નરનું પ્રદર્શન કરશે. પ્રદેશ અને રાજ્યકક્ષાએ પણ વિદ્યાર્થીઓ આવી જ ઝળહળતી સિદ્ધિ મેળવે એ માટે સૌએ શુભકામના પાઠવી હતી.