
આપણો તિરંગો : આપણું ગૌરવ દેશભક્તિના અનેરા જોશ અને ઉમંગ સાથે નવસારી ખાતે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રા
- Local News
- August 14, 2023
- No Comment
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ચાલી રહેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાનને વેગવંતુ બનાવવા નવસારીના મદ્રેસા શાળાથી નવસારી સર્કીટ હાઉસ સર્કલ સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં શહેરીજનો સહભાગી બન્યા હતા. ભારત માતા કી જયના નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. આ યાત્રામાં પરંપરાગત પોશાક સાથે યુવાઓ જોડાયા હતા. જેમાં નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલ તિરંગા યાત્રામાં જોડાઈ શાળા કોલેજના છાત્રો તથા શહેરીજનોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુલામીની બેડીમાંથી દેશને આઝાદી અપાવનાર લાખો સ્વાતંત્ર્ય વીરોની બલિદાન ગાથાને ભાવાંજલિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા-દર્શન હેઠળ સમગ્ર દેશમાં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં આજે નવસારીની તિરંગા યાત્રામાં નાગરિકો જોડાયા છે, એ બાબત તિરંગાની તાકાતને પ્રદર્શિત કરે છે. ત્યારે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સૌ કોઈ માટે ગૌરવનું પ્રતીક બની રહે, તેવી શુભેચ્છાઓ સાંસદ સી.આર.પાટીલે વ્યક્ત કરી હતી અને આઝાદી માટે લડત આપનાર સૌ કોઈ સ્વાતંત્ર્ય વીરોને નત મસ્તકે વંદન કર્યા હતા.
હર ઘર તિરંગા યાત્રામાં ઠેરઠેર લોકોએ પુષ્પવર્ષા કરી તમામ તિરંગાયાત્રીઓને આવકાર્યા હતા. યાત્રીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ માનભેર તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા. દેશભક્તિના ગીતો વચ્ચે આયોજિત તિરંગા યાત્રાથી લોકોનો ઉત્સાહ બેવડાયો હતો. આ યાત્રા નવસારીના સર.સી.જે.એન.ઝેડ મદ્રેસા હાઈસ્કુલ, ફુવારા સર્કલ, ગોલવાડ પોલીસ સ્ટેશન, ટાવર સર્કલ, જુનાથાણા, બસ સ્ટેશન, નવસારી સર્કીટ હાઉસ સર્કલ સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી પહોંચી સમાપન થઈ હતી. આ તિરંગા યાત્રામાં નવસારી પોલીસ દ્વારા ૭૫ મીટર લંબાઈનો તિરંગો પરેડ સાથે કાઢ્યો હતો જે સમગ્ર યાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું .
આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ , નવસારી વિજલપોર નગરપાલિકા પ્રમુખ જિગીષ શાહ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, પ્રાયોજના વહિવટદારશ્રી આન્નદુ સુરેશ, નવસારી ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ , પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.
૭૫ મીટરની લંબાઈનો ત્રિરંગો, આરૂઢ જવાનો, એન.સી.સી.- સ્કાઉટ- પોલીસ-છાત્રો- શહેરીજનોની ગરિમામય ઉપસ્થિતિ