
નવસારી જિલ્લામાં ખેરગામ ખાતે કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને ૭૭મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ
- Local News
- August 15, 2023
- No Comment
આજે ભારતના ૭૭મા સ્વાતંત્ર્યપર્વની ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી ખેરગામ સ્થિત હેલીપેડ ગ્રાઉન્ડ, આઇ.ટી.આઇ. ની બાજુમાં સરસીયા રોડ ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને ભારે ઉમંગ-ઉત્સાહ સાથે યોજાઈ હતી. કલેકટરે રાષ્ટ્ર ભક્તિનાં અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ નિમિત્તે જિલ્લાની વિવિધ કોલેજ-શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની જોશભરી પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું.
આ અગાઉ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે પોતાનાં પ્રવચનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સહિતનાં સ્વાતંત્ર્ય વીરોનાં બલિદાનને યાદ કરી સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, દેશની સ્વતંત્રતા કાજે પોતાના જાન ન્યોછાવર કરનાર અનેક વીર સપૂતોનાં બલિદાનોનાં કારણે મળેલી આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમનાં યોગદાનને યાદ કરવાનાં શુભ આશયથી સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે.
જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે આ મોંઘેરી, વ્હાલી આઝાદી મેળવવાની લડાઈમાં નવસારીનો ફાળો અવિસ્મરણીય રહ્યો છે. નવસારી જિલ્લાના અનેક વીરોએ સ્વતંત્રતા સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાનને કલેકટરે યાદ કરતા શ્રધ્ધાંજલી પાઠવી હતી. આ શુભ અવસરે તેમણે આપણા મહાન દેશને વધુ આગળ લઈ જવા કાર્યરત થવા, તમામ દેશબાંધવોને સાથે લઈને પ્રગતિ સાધવાનો શુભ સંકલ્પ લેવા સૌને અપીલ કરી હતી.
વધુમાં કલેકટરે આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ અને રાજ્યમાં મારી માટી મારો દેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દેશ ભકતિનું આ અનોખું અભિયાન જન જનની સહજ ભાગીદારથી મહેકી રહ્યું છે.હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ ઘરો પર તિરંગો લહેરાવી અનોખી રીતે ઉજવણી કરી સહભાગી થવા બદલ જિલ્લાવાસીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનને અદભુત પ્રતિસાદ મળ્યો છે.
નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોને યાદ કરીને રાષ્ટ્રભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવાના આશયથી શરૂ કરાયેલ આ અભિયાન તમામ વર્ગ, સમાજને જોડનારૂ બની રહ્યું છે. ગુજરાતે ખેતી-ઉદ્યોગ ક્ષેત્રે સાધેલા સમતોલ, સર્વસમાવેશ વિકાસની વાત કરતા તેમણે જિલ્લાએ છેલ્લા વર્ષોમાં કરેલી પ્રગતિ વિશે વિગતવાર જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી વિશે વાત કરતા કલેકટરે જિલ્લામાં પી.એમ.આવાસ યોજના, નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પાલક માતા પિતા યોજના, દિવ્યાંગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલા લક્ષી યોજનાઓ, આદિજાતિ વિકાસ સહિત વિવિધ યોજનાઓનાં લાભો અને તેનાથી આવેલા ફેરફારો વિશે જણાવ્યું હતું.
૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટર સહિતનાં મહાનુભાવોના હસ્તે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓને ઉત્તમ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ના હસ્તે ખેરગામ તાલુકામાં વિકાસ કાર્યો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક વાંસદા પ્રાંત અધિકારી ડી.આઇ. પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનાં અંતમાં જિલ્લા કલેકટર તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
સ્વતંત્રતા દિવસની આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ, નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, મદદનીશ કલેકટર ઓમકાર શિંદે, નિવાસી અધિક કલેકટર કિરીટસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ રક્ષાબેન પટેલ, અગ્રણી શીતલબેન સોની સહિતનાં વિવિધ પદાધિકારીઓ- વરિષ્ઠ અધિકારીઓ- કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ-નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.