
આલીપોર હાઈસ્કૂલ દ્વારા જિલ્લા કક્ષાએ ભાષા સાહિત્ય પ્રદર્શિત કરવામાં આવ્યું.
- Local News
- September 6, 2023
- No Comment
કે. એન્ડ બી. સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોર દ્વારા શિક્ષક દિન નિમિત્તે યોજાયેલ તાલુકા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં ભાષા સાહિત્ય પ્રદર્શિત કરવામાં આવ્યું.નવસારી જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રીબેન ટંડેલ દ્વારા શિક્ષણની ગુણવત્તા વધારવા અને વિધાર્થી ની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવાના હેતુ સાથે જિલ્લાની શાળાઓમાં ભાષા કોર્નર, સંવેદના પ્રોજેક્ટ અને ઓપન લેબ પ્રોજેક્ટ કાર્યરત છે. મેડમ ના માર્ગદર્શન હેઠળ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ પ્રકલ્પોની ઉત્કૃષ્ટ કામગીરીઓ થયેલ છે.
જેની ટૂંકી ઝાંખી ૫ સપ્ટેમ્બરના દિને ખારેલ ખાતે યોજાયેલ તાલુકા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2023 માં પ્રસ્તુત કરવામાં આવી હતી.આ સમારોહના પ્રારંભે જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રીટ અમિત પ્રકાશ યાદવજી, નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતાબેન ,સમારંભના અધ્યક્ષ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીર , જિલ્લા શિક્ષણ અધિકારી ડો. રાજેશ્રીબેન ટંડેલ તેમજ અન્ય અતિથિ વિશેષોએ આ વિવિધતા સભર પ્રદર્શન નિહાળ્યું હતું.
જેમાં આલીપોર હાઈસ્કૂલ દ્વારા ભાષા સાહિત્ય પ્રદર્શિત થયું હતું.આ પ્રદર્શન અંતર્ગત આલીપોર હાઈસ્કૂલના માધ્યમિક વિભાગના સંસ્કૃત વિષય શિક્ષિકા જીજ્ઞાબેન પટેલ દ્વારા સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, સંસ્કૃત ભાષાના શિરમોર સર્જકોની માહિતી આપતા ચાર્ટ, સંસ્કૃત સાહિત્યની વિશેષતા ,સંસ્કૃત ભાષા વ્યાકરણના સુંદર વિવિધ મોડલ રજૂ કર્યા હતા.
જેનો હેતુ બાળકોને સારી રીતે સંસ્કૃત ભાષામાં બોલતા કરવા એ હતો. શાળાના માધ્યમિક વિભાગના ગુજરાતી હિન્દી વિષય શિક્ષક ઇમરાનભાઈ ફુલત દ્વારા હિન્દી અને ગુજરાતી ભાષા સાહિત્યના નામાંકિત લેખકો અને કવિઓની પરિચય પોથી તેમજ વ્યાકરણની વિવિધ કૃતિઓ મૂકવામાં આવી હતી , વ્યાકરણ માં ‘વિશેષણ છોડ’ ચાર્ટની સુંદરતા એ સૌને આનંદી બનાવ્યા હતા.
ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંગ્રેજી વિષય શિક્ષક આરીફભાઈ સૈયદ દ્વારા અંગ્રેજી ભાષાને મનોરંજક બનાવતા વિવિધ મોડેલ પ્રસ્તુત થયા હતા. અંગ્રેજી લેખકોની માહિતી ઉપરાંત અંગ્રેજીના તમામ આલ્ફાબેટ સમાવિષ્ટ હોય એવું અંગ્રેજી વાક્ય તોરણ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વિદ્યાર્થીઓ પોતાના રોજિંદા જીવનમાં અંગ્રેજી ભાષાને કેવી રીતે સરળતાથી કાર્યરત કરી શકે? આ થીમ ઉપર ગ્રામરના સુંદર મોડેલની રચના કરવામાં આવી હતી.
ઉચ્ચતર માધ્યમિક વિભાગના ગુજરાતી વિષય શિક્ષિકા મીતાબેન રણછોડસિંહ રાઠોડ દ્વારા ગુજરાતી ભાષા ઉત્પત્તિ અને ગુજરાતી સાહિત્યના વિવિધ યુગોને પ્રદર્શિત કરતી માહિતી , ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ મહિલા સર્જકોની માહિતી આપતા ચાર્ટ રજૂ થયા હતા. ધોરણ 12ના ગુજરાતી વ્યાકરણ એકમોની સરળ સમજ આપતી વ્યાકરણ પોથી રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત ગુજરાતી સાહિત્યના આધુનિક યુગમાં પ્રસ્તુત એવા કવિઓ લેખકોના પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં.
શાળાના ચિત્રકલા શિક્ષક સઇદભાઈ મુલ્લા દ્વારા આ સમારોહમાં ‘મેરી માટી મેરા દેશ’ વિષય સંલગ્ન ચિત્રકલા પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવામાં આવ્યું હતું. આ સમારોહમાં શાળાના ગણિત શિક્ષક જીતેન્દ્રભાઈ પટેલે નવસારી જિલ્લા માધ્યમિક સંઘના કોશા અધ્યક્ષ તરીકે હાજરી આપી હતી. આ તબક્કે શાળાના આચાર્ય સફી એમ. વ્હોરા સાહેબે તમામ શિક્ષકોને શાળાનું પ્રતિનિધિત્વ જિલ્લા કક્ષાએ કરવા બદલ અભિનંદન પાઠવી આ પ્રદર્શનમાં તૈયારી માટે સહયોગ આપનાર પ્રાથમિક વિભાગના આચાર્યા સુમૈયાબેન નો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.અને શાળા , શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની પ્રગતિ માટે શુભ અભ્યર્થના વ્યક્ત કરી હતી.