નિંદામણનાશકના ઉપયોગ અને સર્તકતા અંગે કેવિકે નવસારી દ્વારા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
- Local News
- January 1, 2024
- No Comment
હરિતક્રાંતિના સમય બાદ ભારત દેશે કૃષિક્ષેત્રે હરળફાળ ભરી છે. આઝાદી પહેલાં ભારત આયતકાર દેશ હતો જે હાલમાં નિકાસ કરતાં દેશમાં અગ્રીમ સ્થાન પામ્યો છે. ખેતીમાં ખેડૂતો દ્વારા હાલમાં સંશોધિત હાઈબ્રીડ બિયારણો, ખાતરો, જંતુનાશકો, નિંદામણનાશકો, ફૂગનાશક વગેરે રસાયણો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. હાલની પરિસ્થિતિમાં ખેતીકાર્યો ખાસ કરીને નિંદણ દૂર કરવા માટે મજૂરોની અછત વર્તાય છે. જેને લઈને ખેડૂતો દ્વારા નિંદામણનાશકોનો વપરાશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ વધારો થયો છે. જેમાં નિંદામણ દૂર કરવામાં વપરાતી ગ્લાયફોસેટ (રાઉન્ડઅપ) દવાની જમીન, પાણી, વાયુ વગેરેમાં આડઅસરના પરિણામો સામે આવ્યા છે. આ નિંદામણનાશકના સમજણપૂર્વક અને વિવેકપૂર્ણ ઉપયોગ થાય તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા ઓનલાઈન અને પ્રત્યક્ષ કેન્દ્ર ખાતે મળીને કુલ ત્રણ દિવસીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં કેવિકે, નવસારીના વડા ડૉ.કે.એ.શાહે ઓનલાઈન ઉપસ્થિત સર્વે તજજ્ઞ વૈજ્ઞાનિકો તથા પેસ્ટ કંટ્રોલ ઓફિસર (નિંદામણનાશક વિક્રેતાઓ) વગેરેનું શાબ્દિક સ્વાગત કરતાં આ ત્રણ દિવસીય તાલીમનું મહત્વ અને તેના બિનસમજણ અને આડેધડ વપરાશથી થતા નુકશાન અને નિંદામણનાશક દવાઓનાં છંટકાવમાં છંટનાર માણસ દ્વારા લેવી પડતી કાળજીઓ વિશેની વિસ્તૃતમાં માહિતી પૂરી પાડી હતી. ન.મ.કૃષિ મહાવિદ્યાલયના એગ્રોનોમી વિભાગના ડૉ.નીતીન ગુડાધેએ ગ્લાયફોસેટ દવાની ભૌતિક અને રાસાયણિક બંધારણ તથા તેના સંશોધન પાછળના મુખ્ય હેતુઓ તથા તેના આડેધડ વપરાશથી પર્યાવરણ પણ થતી આડઅસરોના અભ્યાસ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. તેમજ એગ્રોનોમી વિભાગના ડૉ.વી.જી.બાવલગાવેએ ગ્લાયફોસેટ નિંદામણનાશક દવાઓના બજારમાં મળતા વિવિધ ફોરમ્યુલેશન અને તેની કામ કરવાની પધ્ધતિ તથા નિંદણના નિયંત્રણની અસરકારકતા વિશેની ઉડાણપૂર્વકની સમજ આપી હતી.
એગ્રોનોમી વિભાગના ડૉ.એલ.કે.એરવાડિયાએ આ નિંદામણનાશક દવાનો ઉપયોગ લેવા કેટલા પ્રમાણમાં એક પંપ અથવા લીટર પાણીમાં નાખવી તેની ગણતરી કરતાં શીખવાડયું હતું. કેવિકેના પ્રભુ નાયકાએ અત્રેના કેન્દ્ર ખાતે પ્રત્યક્ષ નિંદામણનાશક દવાના છંટકાવમાં લેવી પડતી કાળજીઓ અને દવા છંટકાવની પધ્ધતિનું ડેમોસ્ટ્રેશન દ્વારા જાણકારી આપી હતી.