
વાંસી બોરસીમાં પીએમ મિત્ર પાર્કથી એક જ જગ્યા પર વીવીંગ, ગારમેન્ટીંગ અને મિલ એક જ પ્લેટફોર્મ પર આવવાથી ઈકોનોમી ઝોન બનશેઃ ફોસ્ટા ચેરમેન
- Local News
- February 19, 2024
- No Comment
પીએમ મિત્ર પાર્કથી ટેક્સટાઈલ વેપાર સેન્ટ્રલાઈઝ થશે, વાંસી બોરસી લેન્ડમાર્ક લોકેશન બનશે
નવસારીના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ગામમાં આગામી તા.૨૨ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પીએમ મિત્ર પાર્કના કાર્યક્રમમાં આવી રહ્યા છે ત્યારે આ પીએમ મિત્ર પાર્કથી વિકાસની અપાર સંભાવનાઓ ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. પીએમ મિત્ર પાર્કથી ધંધા-રોજગારી તો વધશે જ પણ એ સિવાય અનેકવિધ સેકટર અને ખાસ કરીને અર્થતંત્ર માટે પીએમ મિત્ર પાર્ક બુસ્ટર ડોઝ સમાન પૂરવાર થશે એવી શક્યતા જોવાઈ રહી છે ત્યારે આ અંગે ફોસ્ટાના ચેરમેન કૈલાસભાઈ હકીમ અને ફિઆસ્વીના પ્રમુખ ભરતભાઈ ગાંધીએ પણ પીએમ મિત્ર પાર્કથી અનેક હકારાત્મક શક્યતાઓ જણાવી પીએમ મિત્ર પાર્ક ગુજરાતના કાપડ ઉદ્યોગના ઐતિહાસિક વારસાને દાયકાઓ સુધી ધબકતો રાખશે એવી સંભાવના વ્યક્ત કરી છે.

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન (ફોસ્ટા)ના ચેરમેન કૈલાસભાઈ હકીમે પીએમ મિત્ર પાર્કને સમગ્ર ગુજરાત માટે ઘણી મોટી સિધ્ધિ ગણાવી કહ્યું કે, વાંસી બોરસીમાં પીએમ મિત્ર પાર્કથી એક જ જગ્યા પર વીવીંગ, ગારમેન્ટીંગ અને મિલ સહિતના સેક્ટર એક જ પ્લેટફોર્મ પર આવવાથી ટેક્સટાઈલ ઉદ્યોગ માટે ઈકોનોમી ઝોન બનશે. હાલ સુરતમાં ૨૪૦ કાપડ માર્કેટમાં ૧ લાખ દુકાનો છે. જેમાં ૪૦ હજાર વેપારીઓ અને મેન્યુફ્રેક્ચરો કાપડનો વેપાર કરે છે. જેઓ વર્ષે રૂપિયા ૧ લાખ કરોડનું ટર્ન ઓવર કરે છે. હવે વાંસી બોરસીમાં પીએમ મિત્ર પાર્કથી ટેક્સટાઈલ વેપાર સેન્ટ્રલાઈઝ થશે. આગામી સમયમાં આ પાર્ક લેન્ડમાર્ક લોકેશન બનશે. જેનાથી આવનારી નવી પેઢીને ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઝંપલાવવામાં સરળતા પડશે.

દેશભરમાં કુલ ૭ પીએમ મિત્ર પાર્ક બની રહ્યા છે તેમાંથી એક પાર્ક આપણા વિસ્તારમાં બનનાર હોવાથી અને તેના કાર્યક્રમ માટે આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તા. ૨૨ મી ફેબ્રુઆરીના રોજ નવસારી આવી રહ્યા હોવાથી આપણા સૌ માટે ખુશીની સાથે ગૌરવની વાત છે.
ફેડરેશન ઓફ આર્ટ સિલ્ક વીંવીગ ઈન્ડસ્ટ્રીઝ (ફિઆસ્વી)ના પ્રમુખ ભરતભાઈ ગાંધી જણાવે છે કે, આ પાર્કથી રોજગારીની વિપુલ તકો તો સર્જાશે છે પરંતુ સાથે સાથે હાલમાં ટેક્સટાઈલ ઉદ્યોગકારોને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધુ લાગી રહ્યો છે તેમાં ઘટાડો થશે.
કાચા માલથી લઈને પ્રોડક્શન અને વેચાણ સુધીની સુવિધા એક જ જગ્યાએ મળવાથી બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થશે. યાર્નની બાજુમાં જ ડાઈંગ હાઉસ હોવાથી મોટુ ઈન્ટીગ્રેટેડ માર્કેટ બનશે. અહીં પીએમ મિત્ર પાર્કમાં એફયુલન્ટ ટ્રીટમેન્ટ કોમન પ્લાન્ટ આવવાથી પોલ્યુશનની સમસ્યા પણ રહેશે નહીં. સુરતના ટેકસટાઈલ માર્કેટમાં હાલમાં ૭.૫૦ લાખ વર્કરો કામ કરે છે. જેમાંથી થોડા વાંસી બોરસી પીએમ મિત્ર પાર્કમાં સ્થળાંતર કરશે. જેથી આમ જોવા જઈએ તો ૨ લાખ લોકોને રોજગારી મળશે.
નવી મશીનરીઓ અને આધુનિક ટેકનોલોજીના આગમનના કારણે ઈકોનોમીને પણ બુસ્ટ મળશે. સુરતમાં હાલમાં ૪.૫૦ લાખ પાવર લુમ્સ છે, જેમાંથી થોડા લુમ્સ નવસારીના વાંસી બોરસીમાં સ્થળાંતર કરશે. પાવર લુમ્સમાં વોટર જેટ અને એર જેટનો ઉપયોગ થવા લાગતા આધુનિકરણનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે આ પીએમ મિત્ર પાર્ક કાપડ ઉદ્યોગમાં નવા ઈતિહાસના મંડાણ કરશે.
નવી મશીનરીઓ અને હાઈ સ્પીડ ટેકનોલોજીના કારણે ઈકોનોમીને બુસ્ટ મળશેઃ ફિઆસ્વી પ્રમુખ