વાંસી બોરસીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે ચારેય ગામના સરપંચો આતુર
- Local News
- February 21, 2024
- No Comment
આસપાસના ગામની 1500 મહિલાઓ એક સરખા કલરની સાડી પહેરી વડાપ્રધાનનું સ્વાગત કરશે :પીએમ મિત્ર પાર્કથી ગામના યુવાનો અને મહિલાઓને ઘરઆંગણે રોજગારી મળશેની ખુશી વ્યક્ત કરતા સરપંચો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે તા.૨૨ ફેબ્રુઆરીને ગુરૂવારે નવસારીના વાંસી બોરસી ગામમાં કુલ રૂ. ૪૧ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ માટે સાંજે ૪-૦૦ કલાકે પધારી રહ્યા છે ત્યારે વાંસી, બોરસી, દીપલા અને માછીવાડ સહિતના આસપાસના ગ્રામજનોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને જીઆઈડીસી દ્વારા જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના નેતૃત્વ હેઠળ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ વાંસી, બોરસી, દીપલા અને માછીવાડ તેમજ આસપાસના અન્ય ગામોની 1500 જેટલી મહિલાઓ એક સરખા કલરની સાડીમાં સજ્જ થઈ વડાપ્રધાનનું પુષ્પવર્ષા સાથે ઉષ્માભર્યુ સ્વાગત કરશે એવુ આયોજન કરાયું છે. વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી છે.

બોરસી ગામના સરપંચ રાજુ રમણભાઈ પટેલ અને દીપલા ગામના સરપંચ મીનાબેન મનોજભાઈ રાઠોડે જણાવ્યું કે, ગામના મોટેભાગના યુવાનો હાલમાં રોજગારી માટે સચીન-ભેસ્તાન અથવા તો સુરત સુધી જાય છે. પરંતુ ગામની બાજુમાં જ પીએમ મિત્ર પાર્ક આવવાથી ઘર આંગણે રોજગારી મળશે. આ સિવાય શૈક્ષણિક સંકુલ, રસ્તા, પાણીની લાઈન અને ગાર્ડન બનવાથી ગામના વિકાસને ચાર ચાંદ લાગશે એવી આશા સેવાય રહી છે.
વાંસી ગામના સરપંચ ભરત રવજીભાઈ પટેલ કહે છે કે, અમારા ગામમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા માટે ગ્રામજનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ગ્રામજનો તેમની સભામાં સામેલ થવા માટે આતુર છે. ઉચ્ચ ડિગ્રી ધરાવનાર માછીવાડ ગામના યુવા સરપંચ સુનિલ ઠાકોરભાઈ ટંડેલે જણાવ્યું કે, અમારા ગામ તથા આસપાસના ગામની મહિલાઓ એક સરખા કલરની સાડી પરિધાન કરી વડાપ્રધાનનું સ્વાગત કરશે જે માટેની તમામ તૈયારીઓ આટોપી દેવાઈ છે.
સભા સ્થળે ૧ લાખ ડિજિટલ ઝંડા લગાવવામાં આવશે
સભા સ્થળ પર યુવાનો વડાપ્રધાન ના ફોટા વાળી 1300 ટી શર્ટ પહેરી વડાપ્રધાનને ઉમેળકાભેર આવકાર આપશે. આ સિવાય ૧ લાખ ડિજિટલ ઝંડા લગાવવામાં આવશે. સભા સ્થળમાં બેસનાર જનમેદનીને ૧ લાખ ટોપી અને ૧ લાખ ખેસનું વિતરણ કરવામાં આવશે. આમ, જિલ્લા સંગઠન દ્વારા જલાલપોર વિધાનસભા બેઠકના ધારાસભ્ય આર.સી.પટેલની આગેવાની હેઠળ વડાપ્રધાન ને આવકારવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ગામમાં રસ્તા, પાણીની લાઈન, ગાર્ડન અને શૈક્ષણિક સંકુલનો પણ વિકાસ થશે એવી આશા સેવાય રહી છે